ઈતિહાસમાં અનેકવાર કાશ્મીરની આ ખ્યાતનામ જગ્યાઓના નામ બદલાયા, જાણો શું હતા પ્રાચીન નામ
ઈતિહાસમાં અનેકવાર કાશ્મીર સહિત તેના ખ્યાતનામ શહેરો જેવા કે જમ્મુ, શ્રીનગર, અનંતનાગ અને બારામુલ્લાના નામ બદલવામાં આવ્યા છે. ત્યારે આપણે આ જગ્યાઓના નામ ક્યારે બદલવામાં આવ્યા અને તેના પ્રાચીન નામ શું હતા તેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું.
કાશ્મીર ભારતીય ઉપખંડનો એક ભાગ છે. ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર કાશ્મીર દુનિયાભરમાં જાણીતું છે. કવિઓએ પણ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે. જમ્મુ-કાશ્મીર 5 ઓગસ્ટ 2019 સુધી ભારતનું એક વિશેષ દરજ્જો ધરાવતું રાજ્ય હતું, જેનું ઓગસ્ટ 2019માં વિભાજન કરવામાં આવ્યું અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નામના બે કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. આ રાજ્ય અગાઉ બ્રિટિશ ભારતમાં શાહી રજવાડા તરીકે ઓળખાતું હતું.
જમ્મુ-કાશ્મીર રાજ્યને ઘણીવાર લોકો કાશ્મીર કહીને પણ ઉલ્લેખે છે. પ્રાચીનકાળમાં કાશ્મીર અલગ અલગ નામોથી ઓળખાતું હતું. ક્યાંક ‘સતીસર’નો ઉલ્લેખ છે, તો ક્યાંક ‘કશ્યપમર’નો આવી જ રીતે કાશ્મીરની ઘણી જાણીતી જગ્યાઓના નામ સમયાંતરે બદલાયા છે. ત્યારે આજે અમે તમને કાશ્મીરની આવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું કે જેમના નામ બદલાયા છે.
ઈતિહાસમાં અનેકવાર કાશ્મીર સહિત તેના ખ્યાતનામ શહેરો જેવા કે જમ્મુ, શ્રીનગર, અનંતનાગ અને બારામુલ્લાના નામ બદલવામાં આવ્યા છે. ત્યારે આપણે આ જગ્યાઓના નામ ક્યારે બદલવામાં આવ્યા અને તેના પ્રાચીન નામ શું હતા તેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું.
કાશ્મીર
કાશ્મીરના જૂના નામ તરીકે ‘સતીસર’ નો પણ ઉલ્લેખ જોવા મળે છે, જે શિવ-સતીની પૌરાણિક કથા સાથે સંબંધિત છે. જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં દેવી સતીએ પોતાના પ્રાણની આહુતિ આપી ત્યારે ભગવાન શંકર બહુ ક્રોધિત થયા હતા અને બાદમાં ભગવાન શંકરે અહીં આવેલા પવિત્ર સરોવરમાં દેવી સતીના શરીરનું વિસર્જન કર્યું, તેથી આ સ્થાનને ‘સતીસર’ નામ મળ્યું.
પ્રાચીનકાળમાં કાશ્મીર પર હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિઓનો વિશેષ પ્રભાવ જોવા મળતો હતો. એવુ મનાય છે કે અહીં ભગવાન શિવની પત્ની દેવી સતી નિવાસ કરતા હતા અને તે સમયે આ ખીણ પાણીથી ઢંકાયેલી હતી, અહીં એક રાક્ષસ નાગ પણ રહેતો હતો, જેને વૈદીક ઋષિ કશ્યપ અને દેવી સતીએ મળીને હરાવ્યો હતો. તેથી આ જગ્યાનું નામ સતીસરથી કાશ્મીર પડ્યું.
આ સિવાય અન્ય એક તર્ક એ પણ છે કે આ જગ્યાનું અસલી નામ કશ્યપમર હતું. તેથી કાશ્મીર નામ પડ્યું. પ્રાચીન કાળમાં કાશ્મીરનું નામ “કશ્યપમર” હતું, જેનો ઉલ્લેખ નીલમત પુરાણ અને રાજતરંગિણીમાં જોવા મળે છે. પ્રાચીન કાળમાં કાશ્મીરમાં હિંદુ આર્ય રાજાઓનું રાજ હતું.
જમ્મુ
જમ્મુના નામકરણનો ઈતિહાસ રાજા જંબુ લોચન સાથે જોડાયેલો છે. 9મી સદીમાં જંબુ લોચન નામનો રાજા હતો, જેણે ‘જમ્બુ’ની સ્થાપના કરી હતી, જે પાછળથી ‘જમ્મુ’ બની ગયું. આ ઉપરાંત બીજી પણ એક દંતકથા છે, જે જમ્મુના નામ સાથે જોડાયેલી છે.
આ દંતકથા એવી છે કે રાજા જંબુ લોચન શિકાર માટે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે તાવી નદીના કિનારે સિંહ અને બકરીને એકસાથે પાણી પીતા જોયા. આ દ્રશ્ય જોઈને રાજા જંબુ લોચન આ સ્થાનની પવિત્રતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાના નામ પરથી અહીં ‘જમ્બુ’ની સ્થાપના કરી, જે પાછળથી તાવી નદીના કિનારે સ્થિત હોવાને કારણે જમ્મુ તાવી તરીકે ઓળખાવા લાગ્યું. આ ઉપરાંત ડોગરા શાસનકાળમાં જમ્મુનું નામ “જંબુપુરા” હતું, જે પાછળથી બદલીને જમ્મુ કરવામાં આવ્યું.
શ્રીનગર
શ્રીનગરના પ્રાચીન નામની વાત કરીએ તો, છઠ્ઠી સદીના મધ્યકાળમાં રાજા પ્રવરસેન બીજાએ આ નગર વસાવેલું, ત્યારે તેનું નામ પ્રવરસેનપુર હતું. કલ્હણે તેનો ‘પ્રવરપુર’ જેવા ટૂંકા નામથી ઉલ્લેખ કરેલો છે. ત્યાર બાદથી તે ‘શ્રીનગરી’ અથવા ‘શ્રીનગર’ તરીકે ઓળખાતું રહ્યું છે.
અનંતનાગ
મધ્યકાલીન સમયગાળા દરમિયાન અનંતનાગ “માર્તંડ” નામથી ઓળખાતું હતું, “માર્તંડ” નામ સૂર્ય ભગવાનના પ્રાચીન મંદિર પરથી રાખવામાં આવ્યું હતું. તેને કાશ્મીરી ભાષામાં ‘માર્તંદપુર’ કહેવામાં આવતું હતું. અનંતનાગ કાશ્મીર ખીણના જળવ્યવહારમાર્ગનું દક્ષિણમાં આવેલું મુખ્ય મથક છે. આસપાસ પહાડી પ્રદેશ આવેલો હોવાથી તેમાંથી અસંખ્ય ઝરણાં વહે છે. તેમાંના એક મોટા ઝરણાનું નામ અનંતનાગ છે. ઝરણાના નામ પરથી અનંતનાગ નામ રખાયું છે.
બારામુલ્લા
ભગવાન વરાહના નામ પરથી બારામુલ્લાનું જૂનું નામ “વરાહમૂલ” હતું. આ ઉપરાંત આ સ્થળ વરાહમુલ નદી પાસે આવેલું હોવાથી સ્થાનિક લોકોએ આ સ્થળનું નામ ‘વરાહમુલ’ રાખ્યું હોવાનું પણ મનાય છે. આ નદીનું નામ સમયની સાથે બદલાયું અને બારામુલ્લા થઈ ગયું છે. જેની સાથે વરાહમૂલ પણ બારામુલ્લા તરીકે ઓળખાતું થયું છે.
આધુનિક યુગમાં પણ કેટલાક સ્થળોના નામ બદલાયા
આધુનિક સમયગાળામાં એટલે કે હાલના સમયમાં પણ જમ્મુ-કાશ્મીરમાં કેટલીક જગ્યાઓના નામ બદલાયા છે. જેમ કે, શાળાઓ, કોલેજો અને રસ્તાઓના નામ શહીદો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પર કરવામાં આવ્યા છે. સરકારી ઈમારતોના નામ માત્ર સૈનિકો અને પોલીસકર્મીઓના નામ જ નહીં, પરંતુ ઘણી કોલેજો અને શાળાઓના નામ પણ લેખકો, ગીતકારો અને કલાકારોના નામ પર રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રવાદ અને પ્રવાસન વિકાસની ભાવનાને પ્રાથમિકતા આપવા તેમજ દેશ પ્રત્યે શહીદોના સર્વોચ્ચ બલિદાનને અમર કરવાના હેતુથી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. પેરા સ્પેશિયલ ફોર્સના કેપ્ટન તુષાર મહાજન, ફેબ્રુઆરી 2016માં દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જમ્મુ કાશ્મીર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ પર થયેલા આતંકવાદી હુમલામાં એક સાથીદારનો જીવ બચાવતા શહીદ થયા હતા. તેથી તેમના નામ પરથી આ રેલવે સ્ટેશનનું નામ રખાયું છે.
તો પુલવામા જિલ્લાના સ્પોર્ટ્સ સ્ટેડિયમનું નામ કોન્સ્ટેબલ ગુલઝાર અહેમદના નામ પર રાખવામાં આવ્યું છે. બારામુલ્લા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળા સલાસનનું નામ કોન્સ્ટેબલ નઝીર અહેમદના નામ પર રાખવામાં આવ્યું છે. આવી જ રીતે જમ્મુ-કાશ્મીરમાં સરકારે શહીદો અને પ્રતિષ્ઠિત હસ્તીઓને સન્માનિત કરવા માટે ઘણી ઈમારતો અને સ્થળોને શહીદોના નામ આપવામાં આવ્યા છે. જેમના નામ પર શાળાઓ અને રસ્તાઓના નામ પણ રાખવામાં આવ્યા છે.
કાશ્મીરના વિવિધ સ્થળોના નામ બદલાવા પાછળના કારણો
કાશ્મીરના કેટલાક સ્થળોના નામ બદલવામાં આવ્યા છે, તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. ઈતિહાસ અને સામાજિક ફેરફારોને કારણે પણ કાશ્મીરમાં ઘણી જગ્યાઓના નામ બદલાયા છે. આ ઉપરાંત કાશ્મીરના ઇતિહાસમાં રાજનૈતિક અને સામાજિક પરિવર્તનો અને વિદ્રોહોની ઘટનાઓના પરિણામસ્વરૂપે કેટલાક સ્થળોના નામ બદલવામાં આવ્યા છે.
ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનોના કારણે સ્થળોના નામો પરિવર્તિત થયા હોવાથી પણ કેટલાક નામો બદલવામાં આવ્યા છે. તો સાંસ્કૃતિક અને ધાર્મિક પરિવર્તનોના પરિણામે પણ કેટલાક સ્થળોના નામો બદલાયા છે. આ બધા કારણોના કોમ્બિનેશન માટે કાશ્મીરના સ્થળોના નામોમાં વિવિધ સમયે બદલાવ થયો છે.