OCI Card: ભારત રદ કરશે ખાલિસ્તાનીઓના OCI કાર્ડ, જાણો આ કાર્ડ કોને મળે છે અને તેના ફાયદા અને અધિકાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત હવે કેનેડા, યુકે અને અમેરિકાના ખાલિસ્તાનીઓના OCI કાર્ડ રદ કરશે, જેઓ વિદેશમાં રહીને ભારત વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ ભારતીય સંસ્થાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.
OCI Card: ભારત પર ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો બેકફૂટ પર છે. ભારત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે આ મામલે ઘણી કાર્યવાહી કરી છે. કેનેડિયનો માટે વિઝા સેવાઓ રદ કર્યા બાદ ભારત હવે ખાલિસ્તાનીઓ પર કડક બન્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત હવે કેનેડા, યુકે અને અમેરિકાના ખાલિસ્તાનીઓના OCI કાર્ડ રદ કરશે, જેઓ વિદેશમાં રહીને ભારત વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ ભારતીય સંસ્થાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.
જાણો OCI કાર્ડ શું છે, તે ક્યારે અને કેવી રીતે શરૂ થયું, કાર્ડ ધારકને કયા અધિકારો મળે છે અને ભારતમાં તેના પર કયા નિયંત્રણો લાગુ પડે છે.
OCI કાર્ડ શું છે?
OCI એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા. આ કાર્ડ ભારતીય મૂળના વિદેશી નાગરિકોને ભારતમાં અનિશ્ચિત સમય માટે રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. જો સરળ ભાષામાં સમજીએ તો વિદેશમાં સ્થાયી થયેલા અને ત્યાંની નાગરિકતા લીધેલા ભારતીય લોકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. માત્ર ભારતમાં જ નહીં દુનિયાના ઘણા દેશોમાં આવી બેવડી નાગરિકતા લેવાના નિયમો છે.
આ પણ વાંચો: વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ-પ્રદર્શન, ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, સરકાર લેશે આ પગલાં
આ કાર્ડ ક્યારે અને કેવી રીતે શરૂ થયું?
ભારતીય નાગરિકતા કાયદો કહે છે કે જો કોઈ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા લે છે તો તેણે ભારતીય નાગરિકતા છોડી દેવી પડશે. તે સમયે હજારો લોકો એવા હતા જેમણે બીજા દેશની નાગરિકતા લીધી હતી, પરંતુ ભારત સાથે તેમનું જોડાણ જળવાઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં ભારત આવ્યા પછી તેઓએ વારંવાર વિઝા માટે અરજી કરવી પડી.
ભારતીય મૂળના લોકોની આ સમસ્યાને ઉકેલવા માટે ભારત સરકારે 2003માં પીઆઈઓ કાર્ડની શરૂઆત કરી હતી, જેનો અર્થ ભારતીય મૂળની વ્યક્તિ હતો. તે 10 વર્ષ માટે ઈસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ 2006માં પ્રવાસી ભારતીય દિવસના અવસર પર ભારત સરકારે આવા લોકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી હતી. આ હોવા છતાં બંને કાર્ડ ચલણમાં રહ્યા, પરંતુ 2015માં PIO કાર્ડ નાબૂદ કરવામાં આવ્યું અને OCI કાર્ડ જાળવી રાખવામાં આવ્યું.
OCI કાર્ડ કોણ મેળવી શકે છે?
આ કાર્ડ એવા લોકોને આપવામાં આવશે જેઓ ભારતના નાગરિક છે અથવા તેમના માતાપિતા ભારતીય નાગરિક છે. કાર્ડ ઈસ્યુ કર્યા પછી ભારત કાર્ડ ધારકને જીવનભર અહીં કામ કરવાની અને તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો કરવાની પરવાનગી આપે છે. આ જ કારણ છે કે આ કાર્ડ આજીવન માન્ય રહે છે. કાર્ડધારકને ભારતમાં આવવા માટે વિઝાની જરૂર નથી.
કાર્ડ ધારકો શું કરી શકે અને શું નહીં?
OCI કાર્ડધારકોને લઈને કેટલીક વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. સામાન્ય ભારતીયોની જેમ તેમને ઘણા અધિકારો છે, પરંતુ કેટલાક કામ કરવા પર પ્રતિબંધ છે. જેમ કે- તે ચૂંટણી લડી શકે નહીં. ભારતમાં મતદાન કરી શકાતું નથી. બંધારણીય પદ પર કામ કરી શકતા નથી કે સરકારી નોકરી કરી શકતા નથી. ખેતીલાયક જમીન ખરીદી શકતા નથી.