ભારતના આ ગામમાં સવારે 4 વાગ્યે થાય છે સૂર્યોદય અને સાંજના 4 વાગ્યે પડી જાય છે રાત
ભારતમાં સૂર્ય સૌથી પહેલા ક્યાં ઉગે છે ? લોકોને રાજ્યનું નામ તો ખબર હશે, પરંતુ મોટાભાગના લોકોને તે ગામનું નામ નહીં ખબર હોય. ત્યારે આજે અમે તમને ભારતના એ ગામ વિશે જણાવીશું કે, જ્યાં ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે.
ભારત જેવો અનોખો દેશ તમને વિશ્વમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળશે. આ દેશની ખાસિયત એ છે કે અહીં તમને અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ ખોરાક, લોકો, બોલીઓ, ભાષાઓ અને હવામાન જોવા મળશે. એટલું જ નહીં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં પણ ઘણો તફાવત જોવા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં સૂર્ય સૌથી પહેલા ક્યાં ઉગે છે ? લોકોને રાજ્યનું નામ તો ખબર હશે, પરંતુ મોટાભાગના લોકોને તે ગામનું નામ નહીં ખબર હોય. ત્યારે આજે અમે તમને ભારતના એ ગામ વિશે જણાવીશું કે, જ્યાં ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે.
ગામમાં સવારે 4 વાગ્યે થાય છે સૂર્યોદય
ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે. પણ આપણો પ્રશ્ન એ છે કે એવું કયું ગામ છે, જ્યાં સૂરજ સૌથી પહેલા ઉગે છે ? તો તમને જણાવી દઈએ કે, અરુણાચલ પ્રદેશમાં આવેલી ડોંગ વેલીમાં ડોંગ નામનું એક ગામ છે. આ ડોંગ ગામમાં જ સૌપ્રથમ સૂર્યોદય થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં સવારે 4 વાગ્યાની આસપાસ સૂર્યોદય થાય છે અને સાંજે 4 વાગ્યે સૂર્યાસ્ત થઈ જાય છે. સાંજના 4 વાગતાની સાથે જ ગામમાં અંધારું થઈ જાય છે અને રાત પડી જાય છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં લોકો સાંજે 4 વાગ્યે ચાની તૈયારી કરતા હોય છે, ત્યારે આ ગામમાં રાત પડી ગઈ હોય છે. લોકો રાત્રિભોજન અને સૂવાની તૈયારીમાં વ્યસ્ત હોય છે.
કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ડોંગ ગામ
આ ગામ જમીનથી લગભગ 1240 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ડોંગ ગામ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ભારત, ચીન અને મ્યાનમારના ત્રિ-જંક્શન પર સ્થિત અરુણાચલ પ્રદેશના આ નાનકડા ગામને ઉત્તર-પૂર્વ સરહદ પર આવેલું ભારતનું પહેલું ગામ પણ કહી શકાય. ભારતમાં સૂર્યના પ્રથમ કિરણો આ ગામની ધરતી પર પડે છે.
1999 પહેલા એવું માનવામાં આવતું હતું કે ભારતમાં સૂર્યના પ્રથમ કિરણો આંદામાન ટાપુ પર પડતા હતા. આ ગામ 1999માં પ્રસિદ્ધિમાં આવ્યું અને ખબર પડી કે આ આંદામાન નહીં, પરંતુ અરુણાચલ પ્રદેશનું ડોંગ ગામ છે, જ્યાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે. ત્યાર બાદ આ સ્થળે પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે.