તુર્કી છેલ્લા કેટલાય દાયકાઓથી ભારત વિરુદ્ધ પાકિસ્તાન સાથે ઉભું છે. આમ હોવા છતાં, જ્યારે ભૂકંપના કારણે તુર્કીમાં તબાહી સર્જાઈ હતી, ત્યારે મદદ પૂરી પાડવામાં ભારત અગ્રણી દેશોમાંનો એક હતો. પાકિસ્તાની વિશ્લેષકો કહી રહ્યા છે કે ભારત આ મદદ દ્વારા તુર્કી સાથેના સંબંધોને નવી શરૂઆત આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. જેમાં ભારત મોટી અને મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતે તુર્કીમાં ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ અત્યાર સુધીમાં 6 વિમાનો દ્વારા રાહત સામગ્રીની સાથેસાથે, 30 બેડની મોબાઈલ હોસ્પિટલ, તબીબી પુરવઠો અને તમામ જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી છે. ડોગ સ્ક્વોડ સહિત ભારતની NDRFની બે ટીમો તુર્કીમાં બચાવ કામગીરીમાં લાગેલી છે. ભારતે આપેલી મદદ માટે તુર્કીએ આભાર વ્યક્ત કરતા, ભારતને પોતાનો સાચો મિત્ર ગણાવ્યો છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં તુર્કી અને ભારત વચ્ચે રાજકીય સંબંધો સારા નથી રહ્યા. પરંતુ માનવતાવાદી સહાયમાં ભારત હંમેશા આગળ રહ્યું છે. ભારત તુર્કીને મદદ કરવામાં સક્રિયપણે વ્યસ્ત છે. બીજી બાજુ પાકિસ્તાન પોતે આર્થિક સંકટમાં ફસાયેલ છે, આવી સ્થિતિમાં તે તુર્કીને વધુ મદદ કરવા સક્ષમ નથી. પાકિસ્તાની વિશ્લેષકો આ સ્થિતિમાં ભારત અને તુર્કીની નિકટતાથી ડરવા લાગ્યા છે. પાકિસ્તાની મીડિયામાં પણ આ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
પાકિસ્તાની વિશ્લેષકોનું કહેવું છે કે, ભારત આ કુદરતી આપત્તિને રાજદ્વારી તક તરીકે જોઈ રહ્યું છે અને મદદ દ્વારા પોતાના પ્રત્યે તુર્કીનું વલણ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત મદદ દ્વારા તુર્કીને બતાવી રહ્યું છે કે તે તુર્કી પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક કમર ચીમાનું કહેવું છે કે, ભારત તુર્કીને મોટી રકમની મદદ મોકલી રહ્યું છે, તે પીએમ મોદીની સ્માર્ટ રણનીતિનો એક ભાગ છે.
તેમણે કહ્યું, ‘આવી માનવતાવાદી આપત્તિ ગમે ત્યાં થઈ શકે છે. બીજું, આવી આફતો પણ એક રીતે તકો છે. ભારત મુસ્લિમ વિશ્વ સાથે તેની નિકટતા વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તુર્કી એક મુસ્લિમ દેશ છે અને તેણે પાકિસ્તાન સાથે જ રહેવાનું છે એવી પાકિસ્તાન અને ભારતની અગાઉની સરકારો દ્વારા જે અંતર ઊભું કરવામાં આવ્યું હતું, તે અંતર હવે સમાપ્ત થઈ ગયું છે. પરિસ્થિતિ એટલી હદે બદલાઈ ગઈ છે કે, પાકિસ્તાન મુસ્લિમ વિશ્વ સમક્ષ કાશ્મીરના નામે જે કાંઈ રાજકારણ કરતુ હતુ બંધ થઈ ગયું છે. તેનું કારણ એ છે કે મુસ્લિમ દેશોને હવે કાશ્મીરમાં રસ નથી, તેઓ પોતે જ ઈઝરાયેલ સાથેના સંબંધો સુધારવામાં વ્યસ્ત છે. તેઓ કાશ્મીરનો મુદ્દો ભૂલી ગયા છે.
વર્ષ 2002માં જ્યારે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનની પાર્ટી તુર્કીમાં સત્તામાં આવી ત્યારે, તુર્કીએ રેસેપ તૈયપ એર્દોગનને મુસ્લિમ વિશ્વનો સાચો નેતા બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ પ્રયાસમાં એર્દોગને કાશ્મીર સહીત મુસ્લિમ દેશોના વિવાદિત મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર મૂકવાનું શરૂ કર્યું. એર્દોગને સંયુક્ત રાષ્ટ્રમાં ઘણી વખત પાકિસ્તાનનો પક્ષ લેતા ભારત વિરુદ્ધ ઢેર ઓક્યુ હતા. 2019માં એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય છેલ્લા 72 વર્ષથી કાશ્મીરનો મુદ્દો ઉકેલવામાં નિષ્ફળ રહ્યો છે.
ફેબ્રુઆરી 2020માં જ્યારે એર્દોગન પાકિસ્તાન પહોંચ્યા ત્યારે તેમણે પાકિસ્તાની સંસદમાં કાશ્મીર મુદ્દે ભારતને ઘેર્યું હતું. એર્દોગને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાન માટે જેટલું મહત્વનું છે તેટલું જ આ મુદ્દો તુર્કી માટે પણ મહત્વપૂર્ણ છે.
એર્દોગને કહ્યું હતું કે, ‘આપણા કાશ્મીરી ભાઈ-બહેનો દાયકાઓથી પીડાઈ રહ્યા છે. કાશ્મીર મુદ્દે અમે પાકિસ્તાનની સાથે છીએ. અમે યુએન જનરલ એસેમ્બલીમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કાશ્મીરનો મુદ્દો યુદ્ધ દ્વારા ઉકેલી શકાતો નથી પરંતુ તેને પ્રામાણિકતા અને ન્યાયીપણાથી જ ઉકેલી શકાય છે. આ કામમાં તુર્કી પાકિસ્તાનની સાથે છે. તેમના સંબોધન પર પાકિસ્તાનની સંસદ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી.