વિશ્વના એ નેતાઓ, જેમને શેખ હસીનાની જેમ દેશ છોડીને ભાગવું પડ્યું
બાંગ્લાદેશમાં 5 જૂનથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનોના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઘણા દિવસોની અશાંતિ અને રાજકીય ઉથલપાથલ બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. ત્યારે આ લેખમાં વિશ્વના એ નેતાઓ વિશે જાણીશું કે, જેમને શેખ હસીનાની જેમ દેશ છોડીને ભાગવું પડ્યું હતું.
બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોના પગલે શેખ હસીનાએ 5 ઓગસ્ટે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભાગી ગયા હતા. બાંગ્લાદેશમાં 5 જૂનથી ચાલી રહેલી હિંસાની ઘટનાઓના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઘણા દિવસોની અશાંતિ અને રાજકીય ઉથલપાથલ બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. ત્યારે આ લેખમાં વિશ્વના એ નેતાઓ વિશે જાણીશું કે, જેમને શેખ હસીનાની જેમ દેશ છોડીને ભાગવું પડ્યું હતું.
બાંગ્લાદેશ : શેખ હસીના
શેખ હસીનાની સરકારે 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના માટે ઘણી સિવિલ સર્વિસની નોકરીઓમાં આરક્ષણ આપ્યું હતું. ગયા મહિને વિદ્યાર્થીઓ આના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારે વિરોધ બાદ શેખ હસીનાની સરકારે મોટાભાગનો ક્વોટા પાછો ખેંચી લીધો છે. પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.
આંદોલનકારી વિદ્યાર્થીઓ માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો માટે ન્યાયની માંગ કરી રહ્યા હતા. તેમની માંગ હતી કે, વડાપ્રધાન શેખ હસીના તેમના પદ પરથી રાજીનામું આપે. જો કે, તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાના સમર્થકોએ તેમના રાજીનામાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
વડાપ્રધાન શેખ હસીનાએ ગયા મહિને હિંસક દેખાવો બાદ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા સેનાને બોલાવી હતી. આ દરમિયાન થયેલી હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. તેથી બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને વડાપ્રધાન શેખ હસીનાને દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજીનામું આપવા કહ્યું હતું. ત્યાર બાદ પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભાગવું પડ્યું હતું.
શ્રીલંકા : ગોટાબાયા રાજપક્ષે
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને જુલાઈ 2022માં દેશ છોડીને ભાગવું પડ્યું હતું. તેની પાછળનું મુખ્ય કારણ શ્રીલંકામાં વધતી જતી આર્થિક અને રાજકીય અસ્થિરતા હતી. શ્રીલંકાની સરકાર મોટા વિદેશી દેવાના બોજમાં દબાયેલી હતી, જે ચૂકવવામાં અસમર્થતાએ દેશની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ કરી હતી. આર્થિક કટોકટીના કારણે દેશમાં ભારે વિરોધ થયો અને આખરે રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું.
2022માં આર્થિક કટોકટી પછી શ્રીલંકામાં લોકોનો રોષ વધી ગયો હતો. ત્યારે ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો હતો. જે બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હતા. ગોટાબાયા રાજપક્ષે પહેલા માલદીવ ગયા અને બાદમાં સિંગાપોરમાં આશ્રય લીધો, જ્યાંથી તેમણે ઔપચારિક રીતે રાજીનામું આપ્યું હતું.
અફઘાનિસ્તાન : અશરફ ગની
2021માં અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાનોએ ધીરે ધીરે ત્યાં કબજો કરવાનું શરૂ કર્યું હતું. તાલિબાનનીઓને રોકવામાં આફઘાનિસ્તાન સરકાર અને સેના નિષ્ફળ રહી. આફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિતિ ઘણી નાજુક બનતા ગની સરકાર પર કાબુલ અને અન્ય મોટા શહેરોને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ જવાનું ભારે દબાણ હતું. જેના કારણે સામાજિક અને રાજકીય દબાણ વધતું રહ્યું. કાબુલ પર તાલિબાનના કબજા અને સરકારના તબક્કાવાર પતનને કારણે ગનીએ પોતાને અને પરિવારને જોખમમાંથી બચાવવા માટે ભાગવાનું પસંદ કર્યું.
15 ઓગસ્ટ, 2021ના રોજ તાલિબાને અફઘાન રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો અને આ સાથે જ ત્યાં તાલિબાન શાસન શરૂ થયું. રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનો પ્રવેશ કરે તે પહેલા જ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને સંયુક્ત આરબ અમીરાત ભાગી ગયા હતા.
પાકિસ્તાન : બેનઝીર ભુટ્ટો
બેનઝીર ભુટ્ટો બે વાર સત્તામાં રહ્યા. આ બંને વખતે તેમને અને તેમના પતિ આસિફ અલી ઝરદારીને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો. 1996માં તેમના બીજા કાર્યકાળમાં પણ તત્કાલીન રાષ્ટ્રપતિ ફારૂક એહમદ ખાન લઘારી દ્વારા ભ્રષ્ટાચાર અને ખરાબ ગવર્નન્સના આરોપોને કારણે હટાવી દેવામાં આવ્યા હતા.
તેમની સરકારના પતન પછી બેનઝીર ભુટ્ટો અને તેમના પતિ પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી અને તેઓને સજા થવાની આશંકા હતી. તેથી બેનઝીર ભુટ્ટોએ 1999માં દેશ છોડીને વિદેશમાં શરણાગતિ લીધી હતી.
પાકિસ્તાન : નવાઝ શરીફ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને બે વખત દેશ છોડવો પડ્યો હતો. પહેલીવાર 1999ના કારગિલ યુદ્ધ બાદ તેમને દેશ છોડવો પડ્યો હતો. કારગિલ યુદ્ધ બાદ નવાઝ શરીફ તત્કાલિન આર્મી ચીફ પરવેઝ મુશર્રફને હટાવવા માંગતા હતા. મુશર્રફને આ વાતની ખબર પડી ગઈ હતી. તેમના વફાદારોએ નવાઝ શરીફની અટકાયત કરી અને તેમને જેલમાં ધકેલી દીધા. બાદમાં નવાઝ શરીફને 10 વર્ષ માટે સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યા હતા.
2007માં સુપ્રીમ કોર્ટના આદેશ પર શરીફ પરિવાર સાથે પાકિસ્તાન પરત ફર્યા હતા. 2013માં શરીફ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા. પનામા પેપર્સ લીકમાં તેનું નામ સામે આવ્યા બાદ સમસ્યાઓ વધી ગઈ હતી.
સુપ્રીમ કોર્ટે શરીફ પર આજીવન કોઈપણ સરકારી પદ પર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જુલાઈ 2018માં તેઓ અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષી સાબિત થયા હતા અને તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, શરીફ પાકિસ્તાન છોડીને સાઉદી અરેબિયા ભાગી ગયા હતા.
પાકિસ્તાન : પરવેઝ મુશર્રફ
2013ની ચૂંટણીમાં જીત બાદ નવાઝ શરીફની પાર્ટી PML-N સત્તામાં આવી હતી. શરીફ સરકારે મુશર્રફ સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો. 31 માર્ચ 2014ના રોજ મુશર્રફને આરોપી બનાવવામાં આવ્યા હતા. જો કે, તેઓ 18 માર્ચ 2016ના રોજ દેશ છોડીને સારવારના બાને દુબઈ ભાગી ગયા હતા.
પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના ભૂતપૂર્વ સૈન્ય વડા અને રાષ્ટ્રપતિ એક મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નેતા તરીકે જાણીતા છે. મુશર્રફના શાસન દરમિયાન અનેક વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમ કે 2007માં ન્યાયાધીશ ઈફ્તિખાર ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા. આ નિર્ણયો ભારે વિવાદનું કારણ બન્યા.
2007માં બેનઝીર ભુટ્ટોની હત્યા બાદ મુશર્રફના શાસન માટે વિશ્વમાં અને પાકિસ્તાનમાં વિશ્વસનીયતા પર પ્રહાર થયા. આ ઘટના અને તેની પરિસ્થિતિઓએ મુશર્રફને વધુ પડતા દબાણમાં મૂક્યા. 2008ની વિધાનસભા ચૂંટણીમાં મુશર્રફના સમર્થકોને પરાજય મળ્યો અને તે સમયે નવાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સંયુક્ત સરકાર બનાવવામાં આવી. આ પરિસ્થિતિમાં મુશર્રફ રાજકીય રીતે નબળા પડ્યા.
2008માં અંતે પરવેઝ મુશર્રફે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું. તેમના પર લોકોની નારાજગી અને કાયદાકીય કાર્યવાહીની શક્યતા વધતી હતી. તેથી તેઓએ પાકિસ્તાન છોડીને ભાગવું પડ્યું.
યુક્રેન : વિક્ટર યાનુકોવિચ
ફેબ્રુઆરી 2010માં યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. વિક્ટર યાનુકોવિચ આ ચૂંટણી જીત્યા. યાનુકોવિચે રશિયા તેમજ યુરોપિયન યુનિયન સાથેના સંબંધો સુધારવાનું વચન આપ્યું હતું. નવેમ્બર 2013માં યુરોપિયન યુનિયન યુક્રેન સાથે સમજૂતી પર કરવાનું હતું, પરંતુ યાનુકોવિચે તેમાંથી પીછેહઠ કરી હતી. આ પછી યુક્રેનમાં બળવો થયો હતો.
આ સમય દરમિયાન યાનુકોવિચ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો હતો. 22 ફેબ્રુઆરી, 2014ના રોજ યુક્રેનિયન સંસદમાં યાનુકોવિચને પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર મતદાન થયું. જેમાં 447માંથી 328 સભ્યોએ તેમને હટાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. પરંતુ તે પહેલા યાનુકોવિચ દેશ છોડીને રશિયા ભાગી ગયા હતા.
ઈરાન : રેઝા શાહ પહેલવી
ઈરાન પર પહલવી વંશનું શાસન હતું. ઈરાનનું નવું બંધારણ 1949માં અમલમાં આવ્યું. તે સમયે દેશના રાજા રઝા શાહ પહેલવી હતા. મોહમ્મદ મોસાદ્દીક 1952માં વડાપ્રધાન બન્યા હતા, પરંતુ 1953માં તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને ત્યારબાદ શાહ પહેલવી દેશના નેતા બન્યા હતા.
જનતાને આ બળવો પસંદ ન આવ્યો. લોકોની નજરમાં રેઝા પહેલવી અમેરિકાની કઠપૂતળી બની ગયા હતા. તે સમયે શાહ પહલવીનો વિરોધ કરનાર નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેની હતા. 1964માં શાહ પહલવીએ ખોમેનીને દેશનિકાલ કર્યો.
સપ્ટેમ્બર 1978માં ઈરાનમાં શાહ પહેલવી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. લાખો લોકો રસ્તા પર આવી ગયા. તેમને ઇસ્લામિક ક્રાંતિ પણ કહેવામાં આવે છે. 16 જાન્યુઆરી, 1979ના રોજ શાહ પહેલવી પરિવાર સાથે ઈરાન છોડીને અમેરિકા ભાગી ગયા હતા. ફેબ્રુઆરી 1979માં ખોમેની ફ્રાન્સથી ઈરાન પરત ફર્યા હતા.
આ પણ વાંચો હિટલરથી લઈને શેખ હસીના સુધી…જાણો વિશ્વના કયા કયા દેશોમાં થયો છે તખ્તાપલટ