ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. દેશમાં કોરોના બાદ હવે H1N1થી મ્યુટેટ થયેલા H3N2 વાયરસે હાહાકાર મચાવ્યો છે. કર્ણાટક અને હરિયાણા બાદ ગુજરાતમાં વડોદરામાં પણ એક વ્યક્તિનું H3N2 વાયરસથી મોત થયુ છે. આમ H3N2 વાયરસથી મોતનો ભારતમાં આંક ત્રણ થયો છે. ગુજરાતમાં હાલ H1N1ના 77 જેટલા કેસ છે. ત્યારે આ વાયરસના લક્ષણો જાણવા અને તેનાથી બચવુ ખૂબ જરુરી છે.
કર્ણાટકના મૃતકની ઓળખ 87 વર્ષીય હીરે ગૌડા તરીકે કરવામાં આવી છે, જેઓ કર્ણાટકની હોસ્પિટલમાં 24 ફેબ્રુઆરીના રોજ સારવાર માટે દાખલ થયા હતા. જ્યારે હરિયાણાના 56 વર્ષીય દર્દીને ફેફસાનું કેન્સર હતું અને તેઓને જાન્યુઆરીમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બંને મૃતકોમાં H3N2ના લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારે વડોદરાની પ્રૌઢા નવા વાયરસના ચેપનો ભોગ બની હતી. શહેરના ફતેગંજ વિસ્તારના 58 વર્ષિય મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. મહિલાની SSG હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલતી હતી. મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા અને વેન્ટિલેટર પર હતા. H1N1થી મ્યુટેટ થયેલા H3N2 વાયરસથી દેશમાં આ ત્રીજુ મોત છે.
H3N2 ફ્લૂના લક્ષણો વિશે વાત કરીએ તો, તેમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા સામેલ છે. ડોકટરોના મતે, આ ફ્લૂ સામાન્ય રીતે 5 થી 7 દિવસ સુધી રહે છે. ચિંતાજનક વાત એ છે કે ફ્લૂના ત્રીજા દિવસે તાવ ઉતરી જાય છે, પરંતુ તેમાંથી આવતી ઉધરસ 3 અઠવાડિયા સુધી રહી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દિલ્હી-એનસીઆરમાં 40 ટકા લોકો આ ફ્લૂ સામે લડી રહ્યા છે. એટલું જ નહીં, ઘણા લોકો પોસ્ટ વાયરલ બ્રોન્કાઇટિસના કારણે હોસ્પિટલમાં આવી રહ્યા છે.
2011 માં, એવિયન, સ્વાઈન અને હ્યુમન ફ્લૂ વાયરસના જનીનો સાથેનો ચોક્કસ H3N2 વાયરસ અને 2009ના H1N1 રોગચાળાના વાયરસમાંથી M જીન પ્રથમ વખત મળી આવ્યો હતો. આ વાયરસ 2010 થી ડુક્કરમાં ફરતો હતો અને 2011 માં પ્રથમ વખત માનવોમાં જોવા મળ્યો હતો. 2009 M જનીનનો સમાવેશ આ વાયરસને અન્ય સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કરતાં લોકોને વધુ સરળતાથી સંક્રમિત કરવાની મંજૂરી આપે છે.
હેલ્થ એક્સપર્ટના મતે આ વાયરસ દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં દસ્તક દે છે. તેનું કારણ હવામાનમાં આવેલ ફેરફાર છે. જો કે, આ સમય દરમિયાન લોકોએ પોતાની જાતની ખૂબ કાળજી લેવાની જરૂર છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે 5 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આ વાયરસનું જોખમ વધારે છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.