વડોદરામાં ભાજપના નેતાના પુત્રની અંતિમ યાત્રામાં ઉમટી ભારે ભીડ, વિધાનસભા દંડકે કહ્યુ- ‘ફરી નવો બાબર પેદા ન થવો જોઇએ’
વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ શહેરમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. આરોપીઓની ધરપકડ થઈ છે છતાં લોકોમાં રોષ છે. ભાજપના નેતાઓએ ઝડપી ન્યાય અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની માંગ કરી છે. પોલીસની કાર્યક્ષમતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઘટનાને લઈને શહેરમાં તંગદિલીનો માહોલ છે.
વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યા બાદ શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. આખી ઘટનાને લઈને શહેરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે મૃતક યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહેરમાં તેની અંતિમ યાત્રા દરમિયાન ભારે ભીડ અને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. લોકોએ અને ખાસ કરીને આરોપી બાબર હાય હાયના નારા લગાવ્યા હતા.
વડોદરામાં ફરી નવો બાબર પેદા ન થવો જોઇએ- બાલકૃષ્ણ શુક્લા
મૃતકના અંતિમ સંસ્કારમાં ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. તેઓએ પણ પરિવારને સાંત્વના પાઠવી હતી. સાથે જ રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાબુ શુક્લનું કહેવું છે કે મુખ્યમંત્રી પોતે આ કેસને ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને જે પણ આરોપીઓ છે તે તમામ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે, કોઈને બક્ષવામાં નહી આવે.
વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યુ કે વડોદરામાં ફરી નવો બાબર પેદા ન થવો જોઇએ. બાબર સહિત તેની ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. ગૃહમંત્રીએ કડક કાર્યવાહીની હૈયાધારણ આપી છે, ટુંક સમયમાં પડઘો પડશે.
કુલ 8 આરોપીઓની થઇ ધરપકડ
પોલીસે 6 આરોપીઓની ધરપકડ બાદ વધુ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. SOGએ ફરાર આરોપી મહેબૂબ પઠાણ અને સોનું પઠાણ નામના બંન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ બંને આરોપી મુખ્ય આરોપી બાબરના ભાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે સાથે જ આરોપી મેહબૂબ વિરૂદ્ધ 15થી વધુ ગુના દાખલ છે જ્યારે કે આરોપી સોનું વિરૂદ્ધ પણ અગાઉ 1 ગુનો નોંધાયેલો છે.
આ મામલે ભાજપના ધારાસભ્ય મનિષાબેન વકીલનું કહેવુ છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઇએ. અને કડકમાં કડક સજા થવી જ જોઈએ. જો તમામ ધારાસભ્યો જ્યારે કડકમાં કડક પગલાની વાત કરતા હતા ત્યારે જ ધારાસભ્ય યોગેશ પટેલે સરકાર અંગે જ બોલવા લાગ્યા. તેઓએ કહ્યુ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યા બાદ પણ કાર્યવાહી ન થયાનો વસવસો તેઓએ વ્યક્ત કર્યો.
યોગેશ પટેલે કહ્યુ કે પત્રમાં વડોદરા શહેર પોલીસ વિભાગની ઘટ મુદ્દે રજૂઆત કરી હતી. પોલીસની અપૂરતી સંખ્યાને પગલે શહેરમાં ગુનાખોરી વધી રહી છે. સાથે જ તેઓએ કહ્યુ કે પહેલા ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતરી કાર્યવાહી કરતા હતા અને હવે પોલીસ અધિકારીઓ ઓફિસમાં બેસી રહે તે નહીં ચાલે.