શરૂ થતા જ હંગામાને ભેટ ચડી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા, વશરામ સાગઠિયાને ટીંગાટોળી કરી બહાર કઢાયા- જુઓ Video
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હંગામો થયો. પ્રશ્નોતરી દરમિયાન વિપક્ષે પેટા પ્રશ્ન પૂછવા બાબતે શાબ્દીક ટપાટપી થઈ હતી અને સભામાં ભારે હંગામો થતા મેયરના આદેશથી નેતા વિપક્ષને સભામાંથી ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થતા જ વિપક્ષના હંગામાને ભેટ ચડી. પ્રશ્નોતરી દરમિયાન વિપક્ષના સદસ્યોએ પેટા પ્રશ્નો પૂછતા ભારે હંગામો મચ્યો. જેમા ભારે હંગામાને પગલે મેયરે નેતા વિપક્ષને સભામાંથી બહાર મોકલવાનો આદેશ કર્યો જેમા નેતા વિપક્ષ વશરામ સાગઠિયાને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવ્યા હતા. પ્રશ્નોતરી દરમિયાન વિજિલન્સની ટીમ અને વશરામ સાગઠિયા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
RMCનુ જનરલ બોર્ડ મળે એ પહેલા વિપક્ષના કોર્પોરેટરનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ, જેમા કોઈ વાંધાજનક વસ્તુ ન લઈ જઈ શકે તેના માટે આ ચેકિંગ કરાયુ હતુ. વિપક્ષના નેતાઓએ ચેકિંગ સામે સવાલ ઉઠાવ્યા હતા કે શું અમે આતંકવાદી છીએ કે જેથી આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવે છે. તેને જ લઈને શાસક વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા.
ભાજપ વિપક્ષના સવાલોથી ડરી રહ્યું છેઃ વશરામ સાગઠીયા
જે બાદ જનરલ બોર્ડમાં પણ પ્રશ્નોતરીને લઈને વિવાદ થયો હતો. સામાન્ય સભામાં હંગામો થતા મેયરના આદેશથી સાર્જન્ટો દ્વારા નેતા વિપક્ષ વશરામ સાગઠિયાને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવ્યા હતા. વિજીલન્સની ટીમ અને સાગઠિયા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. વશરામ સાગઠિયાને બોર્ડની બહાર કાઢી મુકાતા તેમણે શાસક પક્ષ સામે ગંભીર આરોપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વિપક્ષના સવાલોથી ડરી રહ્યુ છે અને વિપક્ષને બહાર કાઢી તેઓ મનફાવે તેવી દરખાસ્તો મંજૂર કરાશે. ભાજપ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે કૌભાંડો આચરે છે. શું સામાન્ય સભામાં રોગચાળા મુદ્દે ચર્ચા કરવી એ ગુનો છે? રોજેરોજ મોત થાય છે પરંતુ શાસકોના પેટનું પાણી હલતુ નથી.
વિપક્ષ રોગચાળા મુદ્દે રજૂઆત કરવાના હતા પરંતુ તેમની રજૂઆતને કાને લેવામાં ન આવી અને આ જ બાબતે વિજિલન્સની ટીમ સાથે શાબ્દિક ટપાટપી થતા મેયરના આદેશથી વશરામ સાગઠિયાને સભાની બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા.ટ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો