સાબરમતી નદી (Sabarmati river)ના કિનારે વસેલુ અમદાવાદ(Ahmedabad) શહેર આજે વિકાસનો પર્યાય બનતુ જઇ રહ્યુ છે. જો કે અમદાવાદની સ્થાપનાથી તેના વિકાસવંતુ બનવા પાછળ લાંબો ઇતિહાસ છે.અમદાવાદ શહેરને જ્યારે વસાવવામાં આવ્યું અને તેનો સૌપ્રથમ પાયો હાલના એલિસબ્રિજ (Ellisbridge)ના કિનારે નાખવામાં આવ્યો હતો. 26મી ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઇ હતી.
ચાર અહેમદ અને ગુરુ માણેકનાથજી સાથે અહેમદ શાહે શહેરના કિલ્લાની દિવાલોનું નિર્માણ શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. જયાંથી કિલ્લાની દિવાલને ચણવાની શરૂઆત કરવામાં આવી, તે બુરજને દૂરદર્શી સંત માણેકનાથજીની કાયમી સ્મૃતિ તરીકે “માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું. સુલતાન અહેમદશાહની ઈચ્છા હતી કે જે લોકોએ ક્યારેય પણ બપોરની નમાજ ન છોડી હોય તેવા લોકોને હાથે અહમદાબાદની સ્થાપના કરાવવી, જે કારણસર ચાર લોકોએ અમદાવાદની સ્થાપના કરી અને હાલમાં એલિસ બ્રિજ ના પૂર્વ છેડે જ્યાં માણેક બુરજ છે ત્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ અને ત્યારબાદ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો
નવા શહેરના નિર્માણકાર્યમાં પ્રથમ બાદશાહે કિલ્લાની દીવાલ ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહેનતે ગોઠવાતી ઈંટો અને ચણાતી દિવાલ, રાત પડતા જ ક્કડભૂસ થઈ જતી. એમ કહેવાતું કે જયારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગુંથતા તો કિલ્લાની દિવાલ ઉભી થઈ જતી અને રાત્રે તેમાંથી જેવો દોરો ખેંચી લેતા કે દિવાલ ઢળી પડતી. આ ઘટનાનાં થોડા દિવસો બાદ બાદશાહે સરખેજ સ્થિત એક સુફી સંતની સલાહ માગી. સૂફી સંતે બાદશાહને ગુરુ માણેકનાથજીનાં આશીર્વાદની અનિવાર્યતા સૂચવી.
બાદશાહે સંપૂર્ણ આદરભાવ સાથે માણેકનાથજીનાં આશિષ પ્રાપ્ત કર્યા અને તેમણે શહેરનાં નિર્માણકાર્યમાં દિશાસૂચક થવા વિનંતી કરી. માણેકનાથજીએ બાદશાહને સલાહ આપી કે “તમારો હેતુ યોગ્ય છે અને તમે શહેરનું સંચાલન કરવા સક્ષમ પણ છો. પરંતુ, ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાથી આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકે નહી.” આમ, માણેકનાથજીના જ સૂચનો મુજબ મોહમ્મદ ખટ્ટે શહેરનાં નકશાનું પુનઃનિર્માણ કર્યું.
આજે 600વર્ષ પછી પણ કેટલાય શ્રદ્ધાળુઓનું દ્રઢપણે માનવું છે કે બૂરજને થતી સામાન્ય ક્ષતી પણ શહેરમાં અનહોની અને હોનારતો નોતરી શકે છે. એલિસબ્રીજનાં નવનિર્માણ સમયે બૂરજનાં અમુક ભાગને તોડી પાડવામાં આવ્યો હતો અને પછી તરત જ અમદાવાદ, માનવસર્જિત અકસ્માતો અને પૂર, રમખાણ, મહારોગ, ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં સપડાઈ ગયું. ત્યાં સુધી કે જ્યાં સુધી આ બૂરજનું ઐતિહાસિક મહત્વ અને ધાર્મિક માહત્મય અમદાવાદ દ્વારા ફરી શોધવામાં ના આવ્યું.
આ પણ વાંચો-
આ પણ વાંચો-