સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખેડૂતોના માથે ત્રાટકી નવી આફત, ઘુડખરોએ ખેતરોમાં અડિંગો જમાવતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન
Surendranagar: જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતોના માથે હવે નવી આફત ત્રાટકી છે. આ આફતનું નામ છે જંગલી ગધેડા, એટલે કે ઘુડખર, પાટડીના નાના રણમાંથી આ ઘુડખરો ખોરાક માટે મૂળીના ગામડાઓ સુધી પહોંચી ગયા છે અને હાલ ખેડૂતોના ખેતરોમાં અડિંગો જમાવી ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. લાચાર ખેડૂતો આ રક્ષિત પ્રાણી સામે કંઈ કરી શક્તા નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના માથે હવે નવી આફત આવી છે. આ નવા આફતનું નામ છે ઘુડખર. રક્ષિત પ્રાણી ગણાતા અને જંગલી ગધેડાના નામથી પણ જાણીતા ઘુડખર ખેડૂતોના પાકનો ઉભા પાકનો સોથ વાળી રહ્યા છે અને ખેડૂતો આ ઘુડખરને કંઈ કરી પણ શક્તા નથી. એકસાથે 25થી30 ઘુડખરોના ટોળાએ ખેડૂતોના ખેતરોમાં અડિંગો જમાવ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યુ છે.
મૂળીના ખેડૂતો માટે ઘુડખર બન્યા માથાનો દુ:ખાવો
જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતો માટે આ ઘુડખર માથાનો દુ:ખાવો બન્યા છે. ઘુડખરના ટોળેટોળા ખુલ્લા ખેતરોમાં ફરી રહ્યા છે. ઘુડખરનું ટોળુ જે ખેતરોમાં ઘુસ્યુ ત્યાં સત્યાનાશ વાળી દે છે. એક તરફ પાણીની દૃષ્ટિએ સુકો વિસ્તાર અને તેમા માંડ માંડ ખેતી કરતા ખેડૂતોના પાકમાં ઘુડખર ત્રાસ બનીને ત્રાટક્યા છે. ખેડૂતોની માગ છે કે વન વિભાગ કે સરકાર તેમને આ ઘુડખરના ત્રાસમાંથી મુક્તિ અપાવે.
ખોરાકની શોધમાં મૂળીના ગામોમાં ખેતરોમાં ઘુડખરોએ જમાવ્યો અડિંગો
આમ તો આ પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે. પરંતુ નાના રણનો વિસ્તાર પાટડી અને ધ્રાંગધ્રા સુધી વિસ્તરેલો હોવાથી ઘુડખરો ખોરાકની શોધમાં મૂળી સુધી આવી જાય છે. એકતરફ ખેડૂતો રાત દિવસ એક કરીને પાકનુ વાવેતર કરે છે. પરંતુ ઉત્પાદન લેવા સમયે આ ઘુડખરો ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દે છે. આ ઘુડખરો ખેડૂતોના ઘઉં, એરંડા, દિવેલા અને શાકભાજી સહિતના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે જેનાથી ખેડૂતો પરેશાન છે. ઘુડખર રક્ષિત પ્રાણીની કેટેગરીમાં આવતુ હોવાથી ખેડૂતો આ ઘુડખરને પોતાના ખેતરમાંથી ભગાડી પણ શક્તા નથી. કારણ કે તેમને કંઈપણ થાય તો એનિમલ એક્ટ મુજબ 5 થા 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.જેના કારણે ખેડૂતો તેમને કંઈ કરી શક્તા નથી
ઘુડખર રક્ષિત પ્રાણી હોવાથી લાચાર ખેડૂતો તેમને તગેડવા પણ જઈ શક્તા નથી
ખેતરોમાં કરેલી 3થી4 ફુટની વાડ કૂદીને આ ઘુડખરોએ ખેતરોમાં અડિંગો જમાવ્યો છે અને પાકનો સોથ બોલાવી રહ્યા છે. હાલ રવિ સિઝન ચાલતી હોવાથી પાક પણ તૈયાર છે અને કાપણીનો સમય પણ નજીક છે એ સમયે આ ઘુડખરો આવી જતા ખેડૂતોને પાકમાં પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.