Sabarkantha: વડાલીમાં કિશાન મોલ સહિત બે સ્થળોને તસ્કરોએ નિશાન બનાવ્યા, શટરના તાળા તોડી ચોરી આચરી
સાબરકાંઠા જિલ્લામાં એક તરફ પોલીસ દ્વારા ચોરી અટકાવવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. બીજી તરફ તસ્કરો પણ બેફામ બન્યા છે. વડાલીમાં વધુ એક ચોરીની ઘટના નોંધાઈ છે.

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી દીધી છે. ચોરીની ઘટના રોજબરોજની બની ચુકી છે. ઉનાળામાં વેકેશનની મજા માણનારા લોકોને લઈને પણ મોકળુ મેદાન તસ્કરોને મળી રહ્યુ છે. તો બીજી ચંદન ચોરી અને દુકાનોના શટર તોડીને ચોરી આચરવાની ઘટનાઓ પણ રોજ બરોજ સામે આવી રહી છે. આ દરમિયાન હવે વડાલી (Vadali) માં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. વડાલીમાં કિસાન મોલ (Kisan Mall) અને એક દુકાનને નિશાન બનાવ્યુ છે. શટર તોડીને મોલ અને દુકાનમાંથી ચોરી આચરી છે. ઘટનાને લઈ વડાલી પોલીસે ચોરીની ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વડાલીમાં ડોભાડા ચાર રસ્તા પર આવેલ સહકાર કોમ્પલેક્ષમાં કિસાન મોલ આવેલો છે. જે ધી લક્ષ્મણપુરા કંપા ગૃપ સેવા સહકારી મંડળી દ્વારા સંચાલીત છે. કિસાન મોલ દ્વારા જીવન જરુરિયાત ચીજો ખેડૂતોને વ્યાજબી ભાવે સારી ગુણવત્તાની મળી રહે એ માટે પ્રયાસ કરવામાં આવે છે. જે મોલમાં ગત શનિવાર-રવિવારની રાત્રીના દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. કિસાન મોલના પાછળના ભાગે આવેલ લોખંડના શટરના તાળા તોડી નાંખી શટર ઉંચુ કરીને તસ્કરોએ અંદર ઘૂસી જઈ મોલમાં રહેલ કરિયાણાના સામાનની ચોરી કરી હતી. આ સાથે મોલના સીસીટીવીનુ ડીવીઆર અને એલસીડી મોનીટર પણ તસ્કરો ઉઠાવીને લઈ ગયા હતા. મોલમાંથી અંદાજે 54,297 રુપિયાની મત્તાની ચોરી તસ્કરોએ આચરી હતી..
તસ્કર ટોળકીએ કિસાન મોલને અડકીને આવેલ પશુઆહારની દુકાનનુ પણ પાછળના ભાગનુ શટર તોડી નાંખ્યુ હતુ. તસ્કરોએ દુકાનમાં ઘુસી જઈને કેશ કાઉન્ટરના ડ્રોઅરમાં મુકેલ રોકડ રકમની ચોરી કરી હતી. લગભગ 28,400 રુપિયાની ચોરી તસ્કરોએ કરી હતી. જ્યારે પશુઆહાર સલામત રહ્યો હતો.
વડાલી પોલીસે ઘટનાને લઈ બંને ચોરી અંગેની ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. બંને ચોરીની ઘટનાઓમાં તસ્કરોએ કુલ 96 હજાર 397 રુપિયાની ચોરી આચરી હોવાને લઈ અજણ્યા તસ્કરો વિરુદ્ધ ફરીયાજ નોંધી. તસ્કરોને શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરી છે. આ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.
થોડાક સમય અગાઉ શિક્ષકના મકાનને નિશાન બનાવ્યુ હતુ
દશેક દિવસ અગાઉ પણ વડાલીમાં ચોરી થઈ હતી. જેમાં વડાલી શહેર આવેલી દુધ ઉત્પાદક મંડળી નજીકમાં ભાડાના મકાનમાં રહેતા શિક્ષક બાબુભાઈ ચૌધરી ઘર બંધ કરીને પરીવાર સાથે બહાર ગામ ગયા હતા. વળી આ અરસા દરમિયાન શાળાઓમાં વેકેશન હોઈ વતનમાં લગ્નમાં પુરી હાજરી આપવા ઉપરાંત રાત્રે પરત ફર્યા નહોતા. આ દરમિયાન બંધ મકાનના મોકાનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ રાત્રી દરમિયાન ઘરમાં તસ્કરોએ ઘૂસી જઈને ચોરી આચરી હતી. તસ્કરોએ તિજોરી કબાટને તોડીને તેમાંથી સોનાનુ બિસ્કીટ અને અન્ય સોના ચાંદીના દાગીનાની ચોરી આચરી હતી. આ ચોરીની ઘટનામાં પણ પોલીસ હજુ સુધી તસ્કરો સુધી પહોંચી શકી નથી. ત્યા હવે વધુ ચોરી નોંધાતા પોલીસ માટે ચોરીના ભેદ ઉકેલવા એ પડકાર સમાન બન્યુ છે.