Rajkot : 150 ફૂટ રિંગરોડના જાહેરનામા અંગે ટ્રાવેલ્સ સંચાલકોમાં નારાજગી, સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય રમેશ ટિલાળાને કરી રજૂઆત
રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર ખાનગી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ લગાડતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેને લઈ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા આજે સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય રમેશ ટિલાળાને રજૂઆત કરી છે.
Rajkot: શહેર પોલીસ કમિશનર દ્વારા 150 ફૂટ રિંગરોડ પર ખાનગી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ લગાડતું જાહેરનામું બહાર પાડ્યું છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેને લઇને હવે ખાનગી લક્ઝરી બસો 150 ફૂટ રીંગરોડ પ્રવેશ નહિ કરી શકે. જેને લઇને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા આજે સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય રમેશ ટિલાળાને રજૂઆત કરી છે.
“સાંસદ અને ધારાસભ્યનો સકારાત્મક પ્રત્યુતર મળ્યો”: ટ્રાવેલ્સ એસોસિયેશન
ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય રમેશ ટિલાળાને રજૂઆત કરીને તેઓને પડતી મુશ્કેલી અંગે જણાવ્યું હતું.ટ્રાવેલ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે ખાલી ટ્રાવેલ્સ સંચાલકોને મુશ્કેલી પડશે એવું નથી પરંતુ મુસાફરોને પણ તકલીફ પડવાની છે. શહેરમાં પહેલાથી જ પ્રતિબંધ છે જ અને તેનો ટ્રાવેલ્સ સંચાલકો અમલ પણ કરી રહ્યા છે.
ત્યારબાદ અમને 150 ફૂટ રિંગરોડ પર છુટ આપવામાં આવી જેથી અમારું બધું સેટ અપ 150 ફૂટ રિંગરોડ પર લાવ્યા છીએ. લાખો કરોડો રૂપિયાની ઓફિસો લીધેલી છે.આ ઉપરાંત ટ્રાવેલ્સ સંચાલકોએ દાવો કર્યો હતો કે મુસાફરોને પણ આ નિર્ણયના લીધે ખૂબ તકલીફ પડવાની છે.
જાહેરનામા પહેલા 150 ફૂટ રિંગરોડ પર કોઈ પણ પિક પોઇન્ટ પરથી બસમાં ચડી શકાતું અથવા ઉતરી શકાતું હતું. જે હવે લોકોને માધાપર ચોકડી અથવા પુનિત નગર સુધી જવું પડશે જેનું મસમોટું રીક્ષા ભાડું ચૂકવવું પડશે. ટ્રાવેલ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે તેઓને સાંસદ અને ધારાસભ્ય તરફથી સકારાત્મક પ્રત્યુતર મળ્યો છે. આવનારા દિવસોમાં અમારા હિતમાં કોઈ નિર્ણય લેવાશે તેવી આશા રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો : RMCના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી આવી સામે, કેમિકલ એનેલાઈઝર, CBC મશીન સહિતના કિંમતી સાધનો ખાઇ રહ્યા છે ધૂળ
પોલીસ કમિશનર અને ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે મધ્યસ્થી કરી યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરશુ: ધારાસભ્ય
ધારાસભ્ય રમેશ ટિલાળાએ Tv9 સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે લોકોને પડતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. ટ્રાવેલ્સ સંચાલકોની રજૂઆત મળી છે. પોલીસ કમિશનર સાથે અમે બેઠક કરી લોકોને પણ તકલીફ ન પડે અને ટ્રાવેલ્સ સંચાલકોની રજૂઆતનું નિરાકરણ આવે તેવો પ્રયાસ કરીશું. હવે જોવાનું રહેશે કે ધારાસભ્ય અને ટ્રાવેલ્સ સંચાલકોની રજૂઆતને લઈને આ જાહેરનામામાં કોઈ ફેરફાર થાય છે કે પછી આ જ જાહેરનામું યથાવત રહે છે.