ગુજરાતનું એક એવુ ગામ જ્યાં કૂવામાં બે રોટલા નાખીને નક્કી કરાય છે વરસાદનો વરતારો – જુઓ Video
આપણે વરસાદને લઈને અનેક આગાહીકારો છે. જેઓ વિવિધ વસ્તુઓના માધ્યમથી ચોમાસુ કેવુ રહેશે તેની આગાહી કરતા હોય છે, ગ્રહો-નક્ષત્રોની ચાલ જોઈને તો વરસાદ અંગે આગાહી વિશે આપણે જાણીએ છીએ પરંતુ જામનગરના આમરા ગામના લોકોની આ 400 વર્ષ જૂની આ પરંપરા જાણીને આપને પણ નવાઈ લાગશે.
જામનગરના આમરા ગામમાં લગભગ છેલ્લાં 400 વર્ષથી એક અનોખી જ પરંપરા જોવા મળે છે. અહીં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે એક કૂવામાં બે રોટલા નાંખવા આવે છે અને આ રોટલા. જે દિશામાં જાય તે ઉપરથી અનુમાન લગાવવામાં આવે છે કે આ વખતે ચોમાસું નબળું રહેશે કે સબળું ? વરસાદ સારો રહેશે કે પછી માઠો ? આ વરતારો અહીં રોટલાનો વરતારો તરીકે ઓળખાય છે. તેને નિહાળવા આખું ગામ એકઠું થઈ જાય છે. આમ તો આ વાત. સાંભળીને પણ નવાઈ લાગે. પણ કહે છે કે પેઢી દર પેઢીથી અહીં આ જ રીતે વરતારો જોવાની પ્રક્રિયા ચાલતી આવી છે.
400 વર્ષની પ્રાચીન પરંપરાનું રહસ્ય
અષાઢ મહિનાના પહેલાં સોમવારે આમરા ગામમાં ઉત્સવ જેવો માહોલ હોય છે. રોટલાના વરતારા માટે જે રોટલાનો ઉપયોગ કરવાનો હોય. તે રોટલા પરંપરાગત રીતે ચૂલા પર જ બનાવવામાં આવે છે. રોટલા તૈયાર થઈ જાય એટલે નક્કી થયા મુજબ વ્યક્તિનું આગમન થાય છે. તે રોટલાને સફેદ વસ્ત્રમાં બાંધીને લઈ જાય છે. કહે છે કે પહેલાં તો આ વિધિ નિહાળવા આમરાની આસપાસના 20 ગામના લોકો એકઠા થતાં. હવે અન્ય ગામના લોકો તો નથી આવતા. પરંતુ આમરા ગામના રહેવાસીઓએ આ પરંપરા આજે પણ જાળવી રાખી છે.
વાજતે-ગાજતે ગામના લોકો રોટલા સાથે ગામના વેરાઈ માતાના મંદિરે પહોંચે છે. અહીં માતાના દર્શન કરે છે. ત્યારબાદ જે વ્યક્તિએ કૂવામાં રોટલા નાંખવાના હોય તેને કૂવાના પાણીથી જ સ્નાન કરાવવામાં આવે છે.
‘રોટલો’ કહેશે, કેવો રહેશે વરસાદ,
આખરે માતાજીના નામની જય બોલાવીને રોટલાને કૂવામાં નાંખવામાં આવે છે અને રોટલા જો ઉગમણી દિશામાં એટલે કે પૂર્વ કે ઈશાન દિશામાં જાય તો ચોમાસું સારું રહેશે અને જો આથમણી દિશામાં જાય તો ચોમાસું થોડું નબળું રહેશે. તેવું અનુમાન લગાવવામાં આવે છે. સ્થાનિકો માટે તો હવામાન વિભાગની આગાહી કરતાં પણ આ રોટલાના વરતારાનું જ વધારે મહત્વ છે. ત્યારે આ વખતે રોટલા પરથી એવું અનુમાન નીકળ્યું છે કે પાછોતરો વરસાદ વધારે સારો રહેશે.