27 મેના મહત્વના સમાચાર : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17, રાજકોટમાં 4, વલસાડમાં 1 કેસ નોંધાયો
આજે 27 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 27 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 66 નવા કેસ મળ્યા, મુંબઈમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 66 નવા કેસ નોંધાયા છે. આમાંથી સૌથી વધુ 31 દર્દીઓ મુંબઈમાં મળી આવ્યા છે. આ પછી, પુણેમાં 18, થાણેમાં 7, નવી મુંબઈમાં 4, પનવેલમાં 3 અને સાંગલીમાં 1 દર્દી મળી આવ્યા છે. જ્યારે, નાગપુરમાં બે નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે.
-
ગાંધીનગરના પેથાપુરમાં આવેલ વિરાજ એપાર્ટમેન્ટમાં લાગી આગ
ગાંધીનગરના પેથાપુરમાં આવેલ વિરાજ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આગના સમાચાર મળતા જ ગાંધીનગર ફાયર વિભાગે ત્વરીત પહોચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં ઘરવખરીને ખૂબ મોટા પાયે નુકશાન થયું હોવાનુ સામે આવ્યું છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
-
-
પાટણના શંખેશ્વરના લોલાડા ગામે તળાવમાં ડૂબવાથી 2 બાળકીના મોત
પાટણના શંખેશ્વરના લોલાડા ગામે તળાવમાં ડૂબવાથી 2 બાળકીના મોત થયા છે. તળાવમાં કપડા ધોવા માટે પરિવારના સભ્યો સાથે બાળકીઓ ગઈ હતી. પરિવારના અન્ય સભ્યો કપડા ધોતા હતા ત્યારે બન્ને બાળકીઓ તળાવમાં નાહવા માટે પડી હતી. જ્યા બન્ને ડૂબી જતા મોત થયું છે. શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે બન્ને બાળકીના મૃતદેહને પીએમ ખસેડાયા છે.
-
શેર માર્કેટમાં રોકાણ કરાવાના બહાને ઠગાઇ કરતી ટોળકીને બેંક ખાતાઓ ભાડે આપનારા ઝડપાયા
વડોદરા પોલીસે, શેર માર્કેટમાં રોકાણ કરાવાના બહાને ઠગાઇ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનારા ઝડપી પાડ્યા છે. વડોદરા સાયબર ક્રાઈમે ત્રણ ઈસમોને આ મામલે રાજકોટથી ઝડપ્યા છે. શેર બજારમાં સારો નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદીને લિંક મોકલતા હતા. ફરિયાદી ઠગોની લાલચમાં આવી ભેજાબાજોના ખાતામાં અત્યાર સુધી, 1.25 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે રાજકોટના ભેજાબાજ રવિ વાળા, ફિરોઝ ડોડીયા અને મહંમદ અકીલ બેલીમની ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા ભેજાબાજો પાસેથી 10થી વધુ બેંક ખાતાઓની વિગતો મળી આવી છે.
-
વલસાડ જિલ્લામાં કોરોનાનો એક કેસ, દર્દીને ક્વોરોન્ટાઈન કરાયા
વલસાડ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ 75 વર્ષીય દર્દી કોરોના પોઝીટીવ છે. વાપીના 75 વર્ષીય દર્દી વિરમગામ જઈ આવ્યા બાદ તબિયત લથડી હતી. આરોગ્ય વિભાગે સેમ્પલ સુરત ખાતે તપાસ અર્થે મોકલ્યા બાદ, કોરોના પોઝીટીવ આવતા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોના પોઝીટીવ દર્દી ને કવોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
-
-
પોરબંદર ચોપાટીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ 2 કલાક બાદ હાથ લાગ્યો
પોરબંદર ચોપાટી પર નાહવા પડેલા યુવકોમાંથી એક યુવક ડૂબી ગયો હતો. જેની ભારે શોધખોળ કરવામાં આવી હતી. આખરે સાહિલ મલેક નામના વ્યક્તિનો મૃતદેહ ચોપાટી નજીકથી મળી આવ્યો છે. બે કલાકની જહેમતભરી કામગીરી બાદ ફાયર બ્રિગેડની ટીમે સમુદ્રમાં ડૂબેલા યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો છે.
-
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. અમદાવાદ છેલ્લા 24 કલાકમાં 17 કેસ કોરોનાના નોંધાયા છે. અત્યાર સુધી માં 76 એક્ટિવ કેસ છે. બે દર્દીઓ સારવાર હેઠળ છે. ચાલુ માસમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. 13 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
-
સવારના 6થી સાંજના 6 સુધીમાં 35 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યથી સાંજના છ વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા રાજ્યના મહેસુલ વિભાગે જાહેર કર્યાં છે. સત્તાવાર વરસાદના આંકડા અનુસાર દિવસના 12 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં એક મિલીમીટરથી લઈને 60 મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવા અને ભરુચના હાંસોટમાં 60 મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે.
-
મોરબીના આમરણ નજીક એસટી બસ-કાર વચ્ચેના અકસ્માતમાં 2ના મોત
મોરબીના આમરણ નજીક એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. આમરણ નજીક હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલ એસટી બસની પાછળ કાર ઘુસી ગઈ હતી. વહેલી સવારે બનેલા આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા હતા જ્યારે બેનો આબાદ બચાવ થવા પામ્યો હતો. રામાનુજ ચારુલુ (ઉમર 53) અને કાસ્યારામ (ઉમર 67) નુ મોત થયું છે. આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળેલ લોકોને અકસ્માત નડ્યો હતો. કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા, આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
-
રાજકોટ શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. રાજકોટ શહેરના શિવપાર્ક, ગોવિંદ નગર , શિવાજી પાર્ક અને સિલ્વર સાઈન વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. હાલ ચારેય દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગે હજુ સુધી કોઈ વિગત સામે નથી આવી. કોરોનાના કેસને લઈને સિવિલ હોસ્પિતલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયા છે. 20 ઓક્સિજન બેડની પણ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.
-
આવકવેરા વિભાગે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2025-26 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરી છે. આવકવેરા વિભાગના આ નિર્ણયથી લાખો કરદાતા લોકોને રાહત મળશે.
-
ગુજરાત કોંગ્રેસમાં બધુ સમુસુતરુ નથી, MLA જીજ્ઞેશ મેવાણીએ કડી વિધાનસભા બેઠકના પ્રભારી તરીકેની જવાબદારી વહન કરવા કર્યો ઈન્કાર
ગુજરાત કોંગ્રેસમાં બધુ સમુસુતરુ ચાલતુ નથી તેવા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ, કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગુજરાત કોંગ્રેસે, જીજ્ઞેશ મેવાણીના નનૈયા બાદ, અન્ય નેતાને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રભારીની જવાબદારી સોપી છે. હવે જીજ્ઞેશ મેવાણીના સ્થાને શાહપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટેના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ તેની સાથે જ પ્રભારીઓના નામની જાહેરાત કરી હતી. જો કે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે કરેલી જાહેરાત બાદ, મેવાણીએ નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરતા પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારવા ઇનકાર કર્યો હતો. જ્યારે જીજ્ઞેશ મેવાણીની નજીકના સૂત્રોએ કહ્યું હતું કે જીજ્ઞેશ મેવાણી પાસે રાષ્ટ્રીયસ્તરે અન્ય જવાબદારીઓ હોવાથી પ્રભારી તરીકેની જવાબદારી વહન કરવાનો ઈન્કાર કર્યો હતો.
-
દ્વારકાના દરિયાકાંઠે સતત ત્રીજા દિવસે જોવા મળ્યો ભારે કરંટ, ઘાટ નજીક ના જવા પ્રવાસીઓને તંત્રની આપીલ
દેવભૂમિદ્વારકાના યાત્રાધામ દ્વારકાના દરિયાકાંઠે સતત ત્રીજા દિવસે પણ ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારકામાં આવેલ અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરીયાકાંઠે 15 થી 20 ફૂટ સુધી ઉંચા મોજાં ઉછળી રહ્યાં છે. મોજાં ઉછળવાના દ્રશ્યો જોવા માટે સહેલાણીઓનો જમાવડો જામ્યો છે. સંગમ ઘાટ, લાઇટહાઉસ અને ગોમતી ઘાટ નજીક દરિયાના મોજાં કાંઠા સાથે અફળાઈ રહ્યાં છે. સહેલાણીઓની ભીડ અને મોજાંની તીવ્રતા ધ્યાનમાં રાખીને, કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે નગરપાલિકા દ્વારા ફાયર વિભાગના જવાનો તથા સિક્યુરિટી ગાર્ડની તૈનાત કરાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા સહેલાણીઓને સાવચેતી રાખવા અને ઘાટ નજીક ના જવા અપીલ પણ કરવામાં આવી છે.
-
અમદાવાદઃ ગ્રામ્ય વિસ્તારમાં ગર્ભપાતના રેકેટનો SOGએ કર્યો પર્દાફાશ
અમદાવાદઃ ગ્રામ્ય વિસ્તારમાં ગર્ભપાતના રેકેટનો SOGએ પર્દાફાશ કર્યો છે. ગર્ભ પરીક્ષણ કર્યા બાદ હોટલમાં ગર્ભપાત કરવામાં આવતો હતો. SOG એ બાવળાની પનામા ગેસ્ટ હાઉસમાંથી રેકેટ ઝડપ્યું. મહિલા નર્સ હેમલતા દરજી ગર્ભપાતનું રેકેટ ચલાવતી હતી. ગર્ભવતી મહિલાને એનેસ્થેસિયા આપીને ગર્ભપાત કરતી હતી. ગર્ભપાત કરવા માટે રૂપિયા 5 હજાર પડાવાતા હતા. SOGએ મહિલા નર્સ હેમલતા દરજીની ધરપકડ કરી.
-
ભાવનગર: બહુમાળી ભવનમાં છતનો સ્લેબ ધરાશાયી
ભાવનગર: બહુમાળી ભવનમાં છતનો સ્લેબ ધરાશાયી થયો છે. નાયબ ખેતીવાડી નિયામકની કચેરીમાં સ્લેબ ધરાશાયી થયો છે. કચેરીમાં કોમ્પ્યુટર સહિતના સાધનોમાં નુકસાન પહોંચ્યુ છે. સવારના સમયે કચેરી બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી.
-
પીએમ મોદીએ જાહેર સભામાં કહ્યું, કાંટો દૂર કરવો પડશે
લોકોને સંબોધિત કરતી વખતે, પીએમએ કહ્યું કે શરીર ગમે તેટલું મજબૂત કે સ્વસ્થ હોય, એક કાંટો સતત પીડા પેદા કરી શકે છે અને અમે નક્કી કર્યું છે કે કાંટો દૂર કરવો જ જોઇએ. ભાગલા દરમિયાન, મા ભારતી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી, અને તે જ રાત્રે, મુજાહિદ્દીન દ્વારા કાશ્મીર પર પહેલો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જો તેમને તે સમયે નાબૂદ કરવામાં આવ્યા હોત, તો આ 75 વર્ષની વેદના ટાળી શકાઈ હોત.
-
હજુ તો કઇ કર્યુ નથી, તો પણ પાકિસ્તાનનો પરસેવો છુટી ગયો -PM મોદી
સંબોધિત કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે હજુ સુધી ઘણું બધું કર્યું નથી પરંતુ અમે તેમાં પરસેવો પાડી રહ્યા છીએ. અત્યારે અમે અમારા બંધની સફાઈ કરી રહ્યા છીએ અને તેના કારણે ત્યાં પૂર આવી રહ્યું છે. મિત્રો, આપણને કોઈની સાથે દુશ્મનાવટ નથી, આપણે બધાનું કલ્યાણ ઈચ્છીએ છીએ.
-
આ વખતે આપણે કોઈ પુરાવા આપવાની જરૂર નથી: પીએમ મોદી
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ સેનાની કાર્યવાહીના પુરાવા માંગનારા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે આ વખતે તેમને પુરાવા આપવાની જરૂર રહેશે નહીં, કારણ કે આ વખતે ભગવાન પુરાવા આપી રહ્યા છે. પીએમએ એમ પણ કહ્યું કે, હું બે દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદમાં હતો અને આજે ગાંધીનગરમાં. હું જ્યાં પણ ગયો, ત્યાં મને ગર્જના કરતો સિંદૂરનો સમુદ્ર અને લહેરાતો ત્રિરંગો દેખાયો; મેં લોકોના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ અને દેશભક્તિની લહેર જોઈ. આ દ્રશ્ય ફક્ત ગુજરાતનું નથી, તે ભારતના દરેક ખૂણામાં છે, તે દરેક ભારતીયના હૃદયમાં છે.
-
અમરેલી: રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ
અમરેલી: રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. બંને તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વઢેરા, મીતીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.
-
ગાંધીનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીનો ગાંધીનગરમાં રોડ શો યોજાઇ રહ્યો છે. સેક્ટર 17થી મહાત્મા મંદિર સુધીનો 2.5 કિમીનો રોડ શો છે. ઑપરેશન સિંદૂરની ભવ્ય સફળતા માટે PM મોદીનું અભિવાદન કરવામાં આવી રહ્યુ છે. લોકો તિરંગા સાથે ઉમટ્યા છે.
-
આણંદ રેડ ક્રોસ પાસેની અંબિકા ફરસાણ માર્ટ સીલ
આણંદ રેડ ક્રોસ પાસેની અંબિકા ફરસાણ માર્ટ સીલ કરવામાં આવી. મનપાના આરોગ્ય વિભાગને તપાસ દરમિયના ગંભીર ક્ષતિ જોવા મળી હતી. ફરસાણની દુકાનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. અખાદ્ય બટાકાનો પણ જથ્થો મળી આવ્યો હતો.
-
સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ
સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થોડા વિરામ બાદ સવારે ફરી વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. કતારગામ, લાલદરવાજા, રાંદેરમાં વરસાદ વરસ્યો, અમરોલી, વરાછા, જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
-
સુરત: રેસ્ટોરન્ટ અને કેફેમાં ચોરી કરતો શખ્સ ઝડપાયો
સુરત: રેસ્ટોરન્ટ અને કેફેમાં ચોરી કરતો શખ્સ ઝડપાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ફૂલવાડી વિસ્તારમાંથી રીઢો ગુનેગાર ઝડપ્યો. આરોપી કેફે અને રેસ્ટોરન્ટમાં નોકરીનાં બહાને જોડાતો હતો. નોકરી દરમિયાન રેકી બાદ આપતો ચોરીને અંજામ આપતો હતો. અગાઉ સુરત અને મધ્યપ્રદેશમાં 9 વાર આ આરોપી ઝડપાઇ ચુક્યો છે.
-
હરિયાણાઃ પંચકુલામાં 7 લોકોની સામૂહિક આત્મહત્યા
હરિયાણાઃ પંચકુલામાં સામૂહિક આત્મહત્યાથી ચકચાર મચી છે. ત્રણ બાળકો સહિત 7 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી છે. દાદા, માતા-પિતા અને બાળકોએ કારમાં આપઘાત કર્યો. ઉત્તરાખંડના પરિવારે ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું. બાગેશ્વર બાબાની કથાથી ઘરે પરિવાર પરત ફરી રહ્યો હતો. દેહરાદૂન પરત ફરતી વખતે આખા પરિવારે આપઘાત કર્યો. પોલીસે મૃતદેહોનો પી.એમ અર્થે ખસેડયા. પોલીસે પરિવારની ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી. આર્થિક સંકડામણને કારણે પરિવારે જીવન ટૂંકાવ્યું.
-
ડાંગ : સાપુતારામાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
ડાંગ : સાપુતારામાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ગુજરાત અને મહારાષ્ટ્રના હદ વિસ્તારના ગામોમાં વરસાદ ખાબક્યો છે. પ્રવાસીઓએ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો.
-
જામનગર: શહેરમાં કોરોનાના 7 નવા કેસ
જામનગર: શહેરમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા છે. એક જ પરિવારના 4 સહિત 7 નવા કોરોના કેસ નોંધાયા છે. ગોકુલનગર, ઘાંચીવાડ વિસ્તારમાં કોરોનાના દર્દી નોંધાયા. હાલ જામનગરમાં કોરોનાના 10 એક્ટિવ કેસ છે. તમામ લોકોને ક્વોરન્ટાઇન રખાયા.
Published On - May 27,2025 7:41 AM