26 સપ્ટેમ્બરના મોટા સમાચાર : ગુજરાતના પશુપાલનમાં મહિલાઓનું મોટુ યોગદાન: PM મોદી

|

Sep 26, 2023 | 11:51 PM

Gujarat Live Updates : આજ 26 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 સપ્ટેમ્બરના મોટા સમાચાર : ગુજરાતના પશુપાલનમાં મહિલાઓનું મોટુ યોગદાન: PM મોદી

Follow us on

આજે 26 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Sep 2023 11:50 PM (IST)

    Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગમાં ઘમાસાણ, HOD પર માનસિક ત્રાસનો મહિલા પ્રોફેસરનો આરોપ

    Ahmedabad: ઉચ્ચ શિક્ષણનું ધામ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) વારંવાર વિવાદોમાં આવતી રહે છે. જેમાં વધારો થતાં મહિલા પ્રોફેસરને વિભાગીય વડા માનસિક હેરાન કરતા હોવાની ફરિયાદ સાથે વધારો થયો છે. શૈક્ષણિક કારકિર્દી માટે જરૂરી રિફ્રેશર કોર્સ માટે મંજૂરી ના આપવી, વાહન ભથ્થા માટેની ફાઇલ પર સહી ના કરી માનસિક હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે કુલપતિને મેઈલ કરવામાં આવ્યો. સામે પક્ષે જેમના પર આક્ષેપ છે તે વિભાગીય વડાએ આક્ષેપોને નકાર્યા છે. આ સમગ્ર મામલો હવે કુલપતિ સુધી પહોંચ્યો છે.

  • 26 Sep 2023 11:30 PM (IST)

    ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ

    ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને (Shahnawaz Hussain) હૃદયરોગનો હુમલો આવતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, હાઈ બીપીના કારણે શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતા. બીજેપી નેતા શાહનવાઝ હુસૈનની એન્જીયોગ્રાફી કર્યા બાદ ડોક્ટરને જાણવા મળ્યું કે તેમના હૃદયમાં બ્લોકેજ છે. તેથી તેમને લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બીજેપી નેતા શાહનવાઝ હુસૈનની હાલત સ્થિર છે અને થોડા સમય બાદ તેમને ખાનગી વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતા છે.


  • 26 Sep 2023 11:07 PM (IST)

    સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આતંક, 100થી વધુ લોકોને ભર્યા બચકા

    સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. 100થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે. નવાઈની વાત તો એ છેકે, હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર મોટાભાગે માસૂમ બાળકો છે. સુરેન્દ્રનગરના ટાવરચોક વિસ્તારથી આંબેડકર ચોક સુધી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    સ્થિતિ એટલી ગંભીર છે કે, સ્ટાફની સંખ્યા વધારવાની ફરજ પડી છે. બીજી તરફ અનેક બાળકોને પેટ અને હાથના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે. જેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ એક જ દિવસમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ગાંધી હોસ્પિટલમાં હડકાવાની રસી ખૂટી પડી છે. ત્યારે લોકો તંત્ર સામે જલ્દી સારવાર મળે તેવી માગ કરી રહ્યા છે.

  • 26 Sep 2023 10:41 PM (IST)

    Amreli: અમરેલીની વડલી ગામની શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, મધ્યાહન ભોજન માટેના અનાજમાંથી નીકળી ઈયળ

    Amreli: એક તરફ સ્વસ્થ ગુજરાત સુપોષિત ગુજરાતના દાવા કરાય છે. બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે શાળાઓમાં મધ્યાહન ભોજન અપાય છે પરંતુ જો આ ભોજનમાં વપરાતું અનાજ યોગ્ય ન હોય, તો પોષણ ક્યાંથી મળે? અમરેલીના જાફરાબાદમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. મધ્યાહન ભોજન માટે લવાયેલા અનાજમાં જોવા મળી સળવળતી ઈયળો. અનાજ પણ તદ્દન સડેલું. આ સડેલું અનાજ વડલી ગામની શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાવવાનું હતું.

    જો કે, અનાજ સડેલું હોવાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય પણ શાળામાં પહોંચ્યા હતા અને અનાજ સડેલું તેમજ ઈયળોવાળું હોવાની તપાસ કરી. આ અનાજ બાળકોને ન આપવા સૂચના અપાઈ છે. સાથે જ અપીલ કરાઈ છે કે, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવું અનાજ ન આપવું.

  • 26 Sep 2023 10:17 PM (IST)

    Monsoon 2023: રાજ્યમાં ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્

    રાજ્યમાં આ વરસે ચોમાસુ સારુ રહ્યુ છે અને જેને લઈ રાજ્યના અનેક ડેમ જળાશયો છલકાયા હતા. જોકે ચોમાસા પહેલાથી જ વરસાદની શરુઆત અને વચ્ચે જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી. જોકે સપ્ટેમ્બર મધ્યમાં વરસાદનુ જોર વધવા લાગ્યુ હતુ અને નર્મદા, કડાણા અને ઉકાઈ સહિતના ડેમ છલકાઈ જવા પામ્યા હતા. હવે જોકે રાજ્યમાં આગામી સપ્તાહમાં માત્ર છૂટો છવાયો જ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન વરસાદનુ જોર હવે ધીમુ રહેશે.

  • 26 Sep 2023 09:58 PM (IST)

    Surendranagar: વસ્તડી પૂલ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી, લેખિતમાં ફરિયાદ અપાઈ હોવા છતા નિષ્ક્રિય બેસી રહ્યુ તંત્ર

    Surendranagar: સુરેન્દ્રનગરમાં પ્રશાસનની બેદરકારીના કારણે વસ્તડી-ચુડા ગામને જોડતો પુલ રવિવારે તૂટી પડ્યો. પુલ પરથી ડમ્પર અને બાઇક ચાલક સહિત 4 લોકો નીચે પટકાયા હતા. સદનસીબે કોઈને ગંભીર ઇજા પહોંચી નથી પરતું આ દુર્ઘટનાના  14 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું. પણ પુલ દુર્ઘટના પાછળ આ બેદરકારી કોની તેવા સવાલના જવાબમાં તંત્ર એકબીજા પર ઠીકરું ફોડતા સાંભળવા મળ્યા. ત્યારે ગામના સરપંચે પુલ જર્જરિત હોવાથી ગમે ત્યારે પુલ તૂટી શકે છે. જેની લેખિતમાં ફરિયાદ કરી હતી છતાં પણ તંત્ર જાણેમોટી દુર્ઘટનાની રાહે હતુ.

  • 26 Sep 2023 09:17 PM (IST)

    Gandhinagar : પૂરગ્રસ્ત વિસ્તારમાં વેપારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય, નાના વેપારીઓને સરકાર આપશે સહાય

    Gandhinagar : નર્મદા નદીના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો (Farmers) બાદ હવે રાજ્ય સરકારે વેપારીઓ માટે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. વેપારીઓ ફરી પોતાના ધંધાને પાટે ચઢાવી શકે તે માટે સરકાર સહાય આપશે. કેબિનેટની બેઠક બાદ મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે. લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનના અસરગ્રસ્ત વેપારીઓને સહાય આપવામાં આવશે. આ અંગે ટુંક સમયમાં જ એક પરિપત્ર જાહેર કરાશે.

  • 26 Sep 2023 08:22 PM (IST)

    RSSના વડા મોહન ભાગવત 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં સંઘની સંગઠનાત્મક બેઠકો સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા મંગળવારથી ગુજરાતના પ્રવાસે આવશે. સંઘના ગુજરાત મીડિયા પ્રભારી વિજય ઠાકરના જણાવ્યા અનુસાર ભાગવત બુધવારે અંગદાનના ક્ષેત્રમાં કામ કરતી એનજીઓ ડોનેટ લાઈફ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

  • 26 Sep 2023 08:06 PM (IST)

    વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી

    એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ મહિલાઓને સંબોધતા કહ્યું કે આજે મહિલા અનામતનું સપનું સાકાર થયું છે. વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી છે. રક્ષાબંધન પર ઘણી બહેનોએ મને રાખડી મોકલી હતી. જેમના માટે આ બિલ સ્વરૂપે ભેટ પહેલાથી જ તૈયાર રાખી હતી. તમે જે મારા પર વિશ્વાસ મુક્યો હતો એમાં વધુ એક કામ કરી દીધું છે.

     

  • 26 Sep 2023 07:18 PM (IST)

    PM મોદીનું અમદાવાદમાં આગમન, એરપોર્ટ ખાતે કરાયું સ્વાગત

    Ahmedabad : વડાપ્રધાન મોદીનું (PM Modi) ગુજરાતમાં આગમન થયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. બે દિવસના પ્રવાસમાં PM મોદી ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. જેમાં સંસદમાં નારી શક્તિ વંદન બિલ પાસ થવા પર મહિલાઓ વડાપ્રધાન મોદીનો આભાર માનશે. મહિલા અનામત બિલ પાસ કરવા પર વડાપ્રધાન મોદીનું નારીશક્તિ દ્વારા સન્માન કરવામાં આવશે. પીએમને આવકારવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ એરપોર્ટ પર ઉમટી પડી છે. ઢોલ-નગારા સાથે મહિલાઓ મોદીને સન્માનવા ઉત્સુક છે.

  • 26 Sep 2023 06:37 PM (IST)

    Vadodara: MS યુનિવર્સિટીમાં નમાઝના Viral Video નો મામલો, સત્તાધીશોએ ઘટનાની લીધી ગંભીર નોંધ

    વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નમાઝનો વીડિયો વાયરલ થવાને પગલે મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. સત્તાધીશોએ ગંભીર નોંધ લેતા કોમર્સ ફેકલ્ટીના ડીન અને વિજલન્સ પાસે વિગતો માંગવામાં આવી છે. સમગ્ર મામલે શિસ્ત સમિતિની સામે રજૂ કરવામાં આવશે. એટલે કે આ વિદ્યાર્થીઓને હાઈપાવર કમીટી પાસે બોલાવવામાં આવશે અને આ અંગે શુ પ્રયોજન હતુ એ અંગેની વિગતો મેળવીને તે મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

    પીઆરઓ ડિમ્પલ ઉપાધ્યાયે આ અંગેની જાણકારી આપી હતી. કોમર્સ ફેકલ્ટીના ડીનનુ પણ નિવેદન સામે આવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને સમજાવવામાં આવશે અને તેમનુ કાઉન્સીલીંગ કરવામાં આવશે. આ પ્રકારની પ્રવૃત્તિ ના થાય એ પ્રકારે સમજાવવામાં આવશે. અમે તેમના વાલીને પણ વાત કરીશુ. વાતાવરણ ડહોળાય નહીં એ પ્રકારની કાર્યવાહી કરાશે. એમએસ યુનિવર્સિટીમાં નમાઝનો આ ત્રીજીવારનો વીડિયો સામે આવ્યો છે.

  • 26 Sep 2023 06:09 PM (IST)

    ભારત પર વિશ્વની નજર, ક્લીન, ક્લિયર અને સ્ટેબલ સરકાર ખુબ જ જરૂરી: PM મોદી

    PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે ભારત મંડપમ ખાતે G20 કનેક્ટ ફિનાલેને સંબોધિત કર્યું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મેક ઈન્ડિયાથી લઈને ચંદ્રયાન-3 સુધીની વાત કરી. આ સાથે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને ગરીબી નાબૂદી માટે લેવાયેલા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. PMએ દેશને આગળ લઈ જવા માટે સ્વચ્છ, સ્પષ્ટ અને સ્થિર સરકારની પણ વાત કરી છે.

  • 26 Sep 2023 05:38 PM (IST)

    Kutch: ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ભંગારના વાડામાં ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી

    કચ્છ જિલ્લામાં ગાંધીધામ વિસ્તારમાં ભંગારવાડા વિસ્તારમાં આગની ઘટના બની છે. GIDC વિસ્તારમાં આ આગ લાગી છે. GIDC વિસ્તારમાં આગ લાગવાને લઈ 4 જેટલા ફાયર ફાયટરની ટીમો સ્થળ પહોંચી હતી. ભંગારના સામાનમાં આગને લઈ સ્થાનિક ફાયર ટીમોએ તેને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી. આગની ઘટનામાં રાહતની વાત એ હતી કે, કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા. આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

  • 26 Sep 2023 05:12 PM (IST)

    Banaskantha: પાલનપુર હાઈવે પરથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી

    Banaskantha : પાલનપુર (Palanpur) હાઈવે પરથી એક હજારથી વધુ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પાલનપુર પોલીસે પીકઅપ વાનમાંથી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના બાડમેરથી શંકાસ્પદ ઘી અમદાવાદ લઈ જવાતું હોવાનું સામે આવ્યું છે. ફુડ વિભાગે ઘીના સેમ્પલ લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે તો પાલનપુર તાલુકા પોલીસે ઘીનો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • 26 Sep 2023 04:23 PM (IST)

    ઓનલાઇન ગેમિંગ પર સરકારની તવાઇ

    GST ઇન્ટેલિજન્સ આજ કાલ ચર્ચામાં છે, તાજેતરમાં જ DGGI એ કસીનો ઓપરેટર ડેલ્ટા કોર્પને અંદાજે 17 હજાર કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલી હતી. DGGIની હવે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર તવાઇ હાથ ધરી છે, પ્રાપ્ત માહિતી અનુસાર 55,000 કરોડ રૂપિયાના GST લેણાં અંગે RMG કંપનીઓને પ્રી-શો નોટિસ મોકલવામાં આવી છે

  • 26 Sep 2023 04:17 PM (IST)

    પાવાગઢ પર્વત પર મકાનો અને દુકાનોના દબાણ દૂર કરાયા, પદયાત્રીઓને ભારે હાલાકી

    પદયાત્રીઓને પડી રહેલી મુશ્કેલીનું કારણ એ છે કે કેટલાક દિવસો પહેલા તંત્રએ માચીમાં તારાપુર દરવાજા સુધી દબાણો દૂર કરી દીધા છે. જેના કારણે હવે પદયાત્રીઓને ચા-પાણી, શરબત અને નાસ્તો મળવાનો બંધ થઈ ગયો છે. પાવાગઢ પર્વત પર ચાલતા જતા ભક્તો માટે તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

  • 26 Sep 2023 04:16 PM (IST)

    અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો

    શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જોઈએ તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 566, મલેરિયાના 137, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 335 કેસ, ટાઈફોઈડના 348, કમળા 162 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે.

  • 26 Sep 2023 03:43 PM (IST)

    સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળ પર ITના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા

    બિનહિસાબી વ્યવહાર પકડાતા સ્વાતિ ગ્રુપના સાકેત અગ્રવાલ અને અશોક અગ્રવાલ સામે કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોન સહિત સ્વાતિ કન્સ્ટ્રક્શન, સ્વાતિ રિયલ્ટી, સ્વાતિ ગ્રુપ, સ્વાતિ સંધ્યા પ્રોકોન અને LLP કંપનીમાં તપાસ હાથ ધરી છે. સ્વાતિ ગ્રુપે છેલ્લા 5 વર્ષમાં જે પણ વ્યવહારો કર્યા તેનો ખુલાસો કરાશે.

  • 26 Sep 2023 03:08 PM (IST)

    Vadodara: MS યુનિવર્સિટીમાં શિવ મંદિર પાસે નમાઝ પઢવાનો વીડિયો વાયરલ

    વડોદરાની MS યુનિવર્સિટીમાં (MS University) ફરી એકવાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયો છે. ફરી એકવાર મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાના ધામમાં કેટલાક લોકો કોમર્સ ફેકલ્ટી નજીક આવેલા શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ પઢી રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે આ મામલે રોષ ફેલાતા યુનિવર્સિટી સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. વીડિયો જોવા માટેે અહીં ક્લિક કરો.

  • 26 Sep 2023 02:49 PM (IST)

    ગણેશ મંડપમાં નાચતા-નાચતા ઢળી પડ્યો યુવક

    ગણેશ ચતુર્થીના કાર્યક્રમ દરમિયાન એક યુવકનું મોત થયું હતું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોટ મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીના આગમન બાદ છોકરાઓ મંડપમાં ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે ડાન્સ કરતી વખતે છોકરો અચાનક અટકી જાય છે અને માત્ર 5 સેકન્ડમાં તેનું મોત થઈ જાય છે. તે ત્યાં લાકડીનો સહારો લેવાનો પ્રયત્ન કરે છે પણ તેમ છત્તા તે નીચે પડી જાય છે. વીડિયો જોવા અહીં ક્લિક કરો.

  • 26 Sep 2023 02:48 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે

    બે દિવસમાં વડાપ્રધાન ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે.

  • 26 Sep 2023 02:16 PM (IST)

    નીતીશ કુમાર એનડીએમાં આવશે તો તેનું સ્વાગત છે: પશુપતિ પારસ

    કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો નીતિશ કુમાર ફરીથી એનડીએમાં આવે છે તો તેમનું સ્વાગત કરવામાં આવશે. સમય બળવાન છે, જે થશે તે સારું થશે.

  • 26 Sep 2023 01:12 PM (IST)

    Gujarat News Live : દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે અભિનેત્રી વહીદા રહેમાનની પસંદગી

    માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરતા કહ્યું છે કે આ વર્ષે અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે.

  • 26 Sep 2023 12:19 PM (IST)

    Gujarat News Live : કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ સંબંધિત તમામ કેસ HCમાં ટ્રાન્સફર કરવા જોઈએ, SC સુનાવણી માટે તૈયાર

    સુપ્રીમ કોર્ટ મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ વિવાદ સાથે સંબંધિત તમામ પડતર કેસોને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા અંગે હિન્દુ પક્ષની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. આ અંગે 3 ઓક્ટોબરે સુનાવણી થશે.

  • 26 Sep 2023 11:19 AM (IST)

    Gujarat News Live : એમએસ યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો વધુ એક વિવાદિત વીડિયો થયો વાયરલ

    એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી સામે આવેલા શિવ મંદિર પાસે ત્રણ યુવકોએ નમાજ અદા કરી હતી. જાહેરમાં યુનિવર્સિટી કેમ્પસમાં નમાજ પઢવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. કેટલાક વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે કે, એમએસ યુનિવર્સિટીમાં દર વર્ષે એક વખત કોઈના કોઈ રીતે નમાજ અદા કરીને વિવાદ ઊભો કરવામાં આવે છે.

  • 26 Sep 2023 11:13 AM (IST)

    Gujarat News Live : જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં કારમાં ગુંગળાઈ જવાથી પાંચ વર્ષના બાળકનું મોત

    જૂનાગઢના જીઆઈડીસી વિસ્તારમાં એક કારમાં ગુંગળાઈ જવાથી, પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મૃતક બાળકની માતા, તેને નાહવા માટે વારંવાર કહેતી હતી. પરંતુ બાળકને નાહવું ના હોવાથી તે કારમાં સંતાઈ ગયો હતો. જ્યાં તેનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું.

  • 26 Sep 2023 08:54 AM (IST)

    Gujarat News Live : આજે રેલવેનો ફરી મેગા બ્લોક, વલસાડ – સુરત વચ્ચે ટ્રેનસેવા થશે પ્રભાવિત

    પશ્ચિમ રેલવે દ્વારા મેગા બ્લોક જાહેર કરાયો છે. વેડછા યાર્ડમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરકોલિંગનું કામ શરૂ કરવા માટે મેગા બ્લોક જાહેર કરાયો છે. આજે સવારે 9:00 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી 6 કલાકનો મેગા બ્લોક રહેવાની જાહેરાતપશ્ચિમ રેલવે દ્વારા કરાઈ છે. આ મેગા બ્લોકને કારણે વલસાડ અને સુરત વચ્ચે ચાલતી કુલ 26 ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી 30 થી 35 મિનિટ મોડી ચાલશે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેન ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ એસી ડબલ ડેકર જેવી ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી ચાલશે.

     

     

  • 26 Sep 2023 08:14 AM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં વરસ્યો 103 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 164 ટકા

    ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન 103 ટકા વરસાદ વરસ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ કચ્છમાં 163.94 ટકા, સૌરાષ્ટ્રમાં 122.83 ટકા, ઉતર ગુજરાતમાં 96.10 ટકા, મધ્ય ગુજરાતમાં 97.12 ટકા અને દક્ષિણ ગુજરાતામાં 91.70 ટકા વરસાદ નોંધાયો છે.

    સોમવારના સવારના 6 વાગ્યાથી મંગળવાર સવારના છ વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 18 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસી તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 26 Sep 2023 07:30 AM (IST)

    Gujarat News Live : આજે 46 જગ્યાએ રોજગાર મેળો, PM મોદી 51 હજાર યુવાનોને નોકરીના નિણણૂંકપત્ર આપશે

    આજે 51,000 યુવાનોને સરકારી નોકરી મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમણૂક પત્રોનું વિતરણ કરશે. દેશભરમાં 46 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.

  • 26 Sep 2023 06:27 AM (IST)

    Gujarat News Live : ‘પાકિસ્તાનને PoK ખાલી કરવું પડશે’, UNHRCની બહાર થયા સૂત્રોચ્ચાર

    પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના રાજકીય કાર્યકરોએ, કાશ્મીર ખાલી કરવા અને તેમને શાંતિપૂર્ણ જીવન જીવવા દેવા માટે ઈસ્લામાબાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે સોમવારે જિનીવામાં યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના 54મા સત્ર દરમિયાન બ્રોકન ચેર પર યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

Published On - 6:26 am, Tue, 26 September 23