Ahmedabad: ગણેશ ચતુર્થીના અવસરે, સુરત અને અમરેલી જિલ્લામાંથી થયા બે અંગદાન, 83 વર્ષના વૃદ્ધાના લીવરનું મળ્યુ દાન
Ahmedabad: ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગુજરાતમાં બે અંગદાન થયા છે. જેમા સુરતના 43 વર્ષિય વ્યક્તિનું બ્રેનડેડ થતા તેમના અંગોના દાનની પરિવારે સંમતિ દર્શાવી અને બે કિડની અને હ્રદયનું દાન મળ્યુ છે. જ્યારે અમરેલીના 83 વર્ષિય વૃદ્ધાનું બ્રેઈન હેમરેજ થતા બ્રેનડેડ થયા હતા. તેમના લીવરનું દાન પ્રાપ્ત થયુ છે.

Ahmedabad: દેવોમાં જેમનું ઉચ્ચ સ્થાન છે તેવા વિધ્નહર્તા ગણેશજીના વધામણા સમગ્ર દેશમાં ગણેશચતુર્થીએ શરૂ થયા છે. ગુજરાતમાં ગણેશચતુર્થીના પાવન અવસરે અંગદાન ક્ષેત્રે વિરલ ઘટના બની છે. ગણેશચતુર્થીના દિવસે સુરત અને અમરેલી જિલ્લામાંથી એક –એક અંગદાન થયું છે. અમરેલી જિલ્લામાં ગણેશ ચતુર્થીના અવસરે અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં ગણેશજીના આશીર્વાદ વરસ્યા છે અને પ્રથમ વખત અમરેલી જિલ્લામાં અંગદાન થયું છે જેમાં એક લીવરનું દાન મળ્યું છે.
43 વર્ષિય વ્યક્તિને બ્રેઈનડેડ થતા 2 કિડની અને લીવરનું મળ્યુ દાન
સુરત જિલ્લામાં થયેલ અંગદાનની વિગતો જોઇએ તો, 43 વર્ષના બિપિનભાઇ વાધાડિયાને બ્રેઇન હેમરેજ થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેઓ બે દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. પરિવારજનોના આ ઉમદા ભાવને હોસ્પિટલના સમગ્ર તંત્રએ બિરદાવ્યું. બિપિનભાઇના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાનો પ્રારંભ થયો. અંદાજીત 6 થી 7 કલાકની મહેનતના અંતે બે કિડની અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી. જે બંને અંગોને સુરતની જ ખાનગી હોસ્પિટલમાં SOTTO માં રજીસ્ટ્રર દર્દીઓના અગ્રતા ક્રમ પ્રમાણે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
અમરેલીમાં સૌપ્રથમ અંગદાન, 83 વર્ષિય વૃદ્ધાના લીવરનું દાન
અમરેલીમાં પ્રથમ વખત થયેલ અંગદાનની વિગતો જોઇએ તો, 83 વર્ષના વયોવૃધ્ધ દમયંતિબેન મહેતાના પણ બ્રેઇનહેમરેજ થતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ચાર દિવસની સારવાર બાદ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ પરોપકારભાવ સાથે અંગદાન માટેની ઇચ્છા વ્યક્ત કરી. જેમાં બ્રેઇનડેડ દમંયતિબેનના લીવરનું દાન મળ્યું. જેને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.
હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ- ડૉ પ્રાંજલ મોદી
SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સંદર્ભે જણાવ્યું હતુ કે,હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ છે. તેઓ વિધ્નહર્તા છે. આજે આ પવિત્ર દિવસે રાજ્યમાં બે બ્રેઇનડેડ યુવક અંગદાનથી ચાર જરૂરિયાતમંદોના જીવનના વિધ્નહર્તા બન્યા છે.આમ આ બંને અંગદાન અને ચાર ટ્રાન્સપ્લાન્ટથી ગણેશ ચતુર્થીની ઉજવણી ખરા અર્થમાં સાર્થક થઇ છે. અમદાવાદ મેડિસીટી સ્થિત GUTS(ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાઇન્સીસ) અને SOTTO(State Organ Tissue And Transplant Organisation) દ્વારા રાજ્યમાં કેડેવર રીટ્રાઇવલ અને ટ્રાન્સપાલન્ટનો વ્યાપ વધે, લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમ ડૉ. મોદીએ ઉમેર્યુ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





