Gujarati Video: અમરેલીની વડલી ગામની શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, મધ્યાહન ભોજન માટેના અનાજમાંથી નીકળી ઈયળ
Amreli: અમરેલીના વડલી ગામની શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત હોવાનું સામે આવ્યુ છે. અનાજ પણ સડેલુ હોવાનું ધ્યાને આવ્યુ છે. બાળકોમાં કુપોષણનો દર ઘટાડવા માટે શાળામાં જ બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના અમલી છે પરંતુ આ મધ્યાહન ભોજનમાં જ સડેલુ અનાજ વપરાશે તો બાળકોને પોષણ કેવી રીતે મળશે?
Amreli: એક તરફ સ્વસ્થ ગુજરાત સુપોષિત ગુજરાતના દાવા કરાય છે. બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે શાળાઓમાં મધ્યાહન ભોજન અપાય છે પરંતુ જો આ ભોજનમાં વપરાતું અનાજ યોગ્ય ન હોય, તો પોષણ ક્યાંથી મળે? અમરેલીના જાફરાબાદમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. મધ્યાહન ભોજન માટે લવાયેલા અનાજમાં જોવા મળી સળવળતી ઈયળો. અનાજ પણ તદ્દન સડેલું. આ સડેલું અનાજ વડલી ગામની શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાવવાનું હતું.
જો કે, અનાજ સડેલું હોવાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય પણ શાળામાં પહોંચ્યા હતા અને અનાજ સડેલું તેમજ ઈયળોવાળું હોવાની તપાસ કરી. આ અનાજ બાળકોને ન આપવા સૂચના અપાઈ છે. સાથે જ અપીલ કરાઈ છે કે, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવું અનાજ ન આપવું.
જો કે સૌથી મોટો સવાલ એ છે કે બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી મધ્યાહન ભોજન શાળામાં આપવામાં આવે છે ત્યારે શું આવા સડેલા અનાજમાંથી બાળકોનુ ભોજન તૈયાર થાય છે? આવા સડેલા અનાજમાંથી બનેલુ ભોજન ખાઈને શું બાળકો બીમાર નહીં પડે? આ તો ખરા સમયે અગાઉ જાણ થઈ ગઈ, પરંતુ જો જાણ ન થઈ હોત તો આ જ અનાજ બાળકોને પીરસવાનું હતુ? બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમવાનો પરવાનો કોણે આપ્યો?
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો