24 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસ્યો વરસાદ
આજે 24 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

UNની મહાસભામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું, શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા થાય. આતંકવાદને ગંભીર ખતરો ગણાવ્યો. દાહોદનાં તોરણીમાં બાળકીની હત્યાનો આરોપી આચાર્યને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. વકીલોએ આરોપીનો કેસ ન લડવાની જાહેરાત કરી. દાહોદની ઘટના પર રાજનીતિ ગરમાઈ. કોંગ્રેસે દીકરીઓની સુરક્ષા માટે સમિતી નીમવાની માગ કરી. તો પ્રફૂલ પાનસેરિયાએ ઝડપી ન્યાયની ખાતરી આપી. સુરતમાં રેલવે લાઈનના પેડલોડ કાઢનારો રેલવેનો જ કર્મચારી નીકળ્યો. પ્રમોશન મેળવવા જાતે જ ઘટનાને ઉપજાવી કાઢી. રાજકોટમાં 756 પશુના મોત પર રાજનીતિ ગરમાઈ. માલધારી સમાજે કોર્પોરેશન સામે સવાલ ઊભા કર્યા, તો સ્ટેન્ડિંગ કમિટીએ લૂલો બચાવ કર્યો. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 138.02 મીટર થઇ. જળસ્તર સંપૂર્ણ સપાટીથી માત્ર 66 સેન્ટીમીટર દૂર છે.
LIVE NEWS & UPDATES
-
દ્વારકામાં IT ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા
દ્વારકા સ્થિત ઇન્કમટેક્ષ કચેરીમાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર રૂ. 3000ની લાંચ લેતા ઝડપાયા છે. જામનગર એસીબી ટીમની દ્વારકામાં લાંચ અંગે ટ્રેપ કરવામાં આવી હતી. નવું પાન કાર્ડ રદ કરવા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનીલ કુમાર મીના 3000ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા.
-
આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ 37 તાલુકામાં એક મિ.મી.થી લઈને 25 મિ.મી સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વઘુ વરસાદ નવસારીના ખેરગામમાં 25 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વલસાડમાં પણ 24 મિલીમીટર વરસાદ વરસ્યો છે. નવસારીના ચિખલી અને વડોદરામાં આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
-
-
CM ઓફિસથી આદેશ છુટતા જ, વડોદરાની વિશ્વામિત્રી નદીનાં દબાણો સામે કાર્યવાહી
ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વિશ્વામિત્રી નદીનાં દબાણો સામે કાર્યવાહી કરવાના આદેશ છૂટતા જ તંત્રનો હથોડો ગેરકાયદે દબાણો પર પડ્યો છે. વડોદરા મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે. માર્જીનની જગ્યા ના છોડનારના દબાણો તોડી પડાશે. દબાણ કરનારાઓને પાલિકાનું 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અઘોરા મોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કુલ, કારેલીબાગ એસ્ટેટ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલને મહાનગરપાલિકાએ કડક શબ્દોમાં નોટિસ ફટકારી છે. વિવાદિત અઘોરા મોલની કમ્પાઉન્ડ વોલ, ક્લબ હાઉસે દબાણ સર્જયું હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
-
પંચમહાલના હાલોલની મધ્ય આવેલા તળાવમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું
પંચમહાલના હાલોલની મધ્ય આવેલા તળાવમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું છે. અરાદ રોડ તરફ પાણીના પ્રવાહમાં કોથળામાંથી ડી કમ્પોઝ હાલતમાં એક માનવ કંકાલ મળી આવ્યું છે. કપડાં ધોઈ રહેલી મહિલાઓને ઘ્યાને આવતાં, હાલોલ ટાઉન પોલીસને જાણ કરવામા આવી હતી. પોલિસે માનવ કંકાલને હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી તપાસ હાથ ધરી છે.
-
ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યોઃ DGP વિકાસ સહાય
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે દાવો કર્યો છે કે, ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો છે. સાયબર ક્રાઇમમાં છેતરાયેલા લોકોને ગુજરાત પોલીસે ઓગસ્ટ માસમાં 26 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. ઓગસ્ટ મહિનામાં પોલીસે નાસતા ફરતા 825 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત પોલીસ તેરા તુજ કો અર્પણ ઝુંબેશ ચલાવે છે. જેના અંતર્ગત ઓગસ્ટ માસમાં 327 તેરા તુજ કો કાર્યક્રમ યોજાયા છે. જેમા 17.05 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને સોપાયો છે. વ્યાજખોરો સામે 111 ગુનાઓ ઓગસ્ટ માસમાં નોંધાયા છે. 163 વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ છે. ઓગસ્ટમાં કુલ 33 કરોડનો ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ થયો છે.
-
-
સુરતમાં જવેલરી બનાવતી ફેકટરીમાં બ્લાસ્ટ, 14 જણા દાઝ્યા
સુરતમાં જવેલરી બનાવની ફેકટરીમાં બ્લાસ્ટ થતા 14 લોકો દાઝી ગયા હતા. LPG ની લાઈનમાં લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટને કારણે લાગેલી આગમાં 14 લોકો દાઝ્યા હતા. જે પૈકી 2 જણા 90 ટકાથી વધુ દાઝી જતા બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
-
અમદાવાદ રાજકોટ હાઇવે પર ઈંધણ ભરેલ ટેન્કર પલટ્યું
પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કરે પલટી મારતા અફડા તફડી મચી જવા પામી હતી. બગોદરા હાઇવે પર ટોલટેક્સ પાસે ટેન્કર ચાલેકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હાઇવે પર ટેન્કર પલટી મારી ગયું હતું. જેના પગલે, ટેન્કરમાંથી ઈંધણ નીચે ઢોળાવવાનું શરૂ થતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જો કે કોઈ જાનહાનીના અહેવાલ નથી. ટેન્કર ચાલક લીમડી તરફથી બગોદરા તરફ જઈ રહ્યો હતો. બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી છે.
-
લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાસેથી રૂ. 46 લાખ વસૂલવા પ્રાદેશિક કમિશનરનો હુકમ
મહીસાગરના લુણાવાડા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ જયેન્દ્રસિંહ વાય સોલંકી પાસેથી રૂપિયા 46 લાખ ઉપરાંતની રકમ વસૂલ કરવા પ્રાદેશિક કમિશનરની કચેરીએ કર્યો હુકમ. સત્તાનો દુરૂપયોગ કરી 46 લાખથી વધુના નાણાંની રકમ ટેન્ડર કર્યા વગર ચૂકવી દેવાતા કરાઇ કાર્યવાહી. તત્કાલીન નગરપાલિકા પ્રમુખ પાસેથી દિન 30માં 46 લાખની રકમ વસૂલ કરવા પાલિકા ચીફ ઓફીસરને પ્રાદેશિક કમિશનરે સૂચના આપી. ટાઉન હોલ બનાવવાં માટે મંજૂરી વગરની જમીન પર માત્ર ખાડો કરી આચરાયું હતું કૌભાંડ.
-
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.33 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થવા પામ્યો છે. ઉપરવાસમાંથી 1,53,059 ક્યુસેક પાણીની સરદાર સરોવર નર્મદા ડેમમાં આવક થઈ રહી છે. વર્તમાન ચોમાસામાં પ્રથમવાર નર્મદા ડેમની જળસપાટી 138.33 મીટરે પહોચી છે. નર્મદા નદીમાં ટોટલ 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના 5 દરવાજા 0.50 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે. ડેમ સંપૂર્ણ ભરાવવા માટે 138.68 મીટરથી માત્ર 35 સે.મી. દૂર છે જળસપાટી.
-
ગોધરા પાલિકાના ઉપપ્રમુખ- રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમન સહીત 7ને કોર્ટે ફટકારી ચાર વર્ષની કેદની સજા
પંચમહાલ જિલ્લાના ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ અને ગોધરા રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન સહિત 9ને ગોધરા કોર્ટે ફટકારી 4 વર્ષની સાદી કેદની સજા. વર્ષ 2014 માં ખાનગી ટ્રાવેલ્સના ધંધા બાબતે થયેલી મારામારીની ઘટનાના કેસમાં કોર્ટે સજા ફટકારી છે. મારામારીની ઘટનામાં હાલના ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનીલ લાલવાણી અને રેડ ક્રોસ ગોધરા શાખાના વાઇસ ચેરમેન સુરેશ દેરાઈ સહિત અન્ય 7 ઈસમોને ગોધરાના એડિશનલ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટે સજા ફટકારી છે. રેડ ક્રોસ ગોધરા શાખાના વાઇસ ચેરમેન સુરેશ દેરાઇ પંચમહાલ ભાજપના વેપારી સેલના સભ્ય પણ છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દીધા છે.
-
બરવાળા તાલુકાનાં રોજીદ ગામે ગૌચર સહીત 85 હેક્ટર જમીન પરના દબાણો દૂર કરવા કામગીરી
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામની 85 હેક્ટર જમીનમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. 30 હેક્ટર જેટલી જમીનનું દબાણ દુર કરાયું તો અન્ય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રખાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. બરવાળા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ સરપંચની હાજરીમાં દબાણો દૂર કરાયા છે. 3 જેસીબી મારફતે દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. પાકા બાંધકામ તેમજ વાવણી કરાયેલ ખુલ્લા ખેતરોના વાવેતર તેમજ તાર ફેન્સીંગને પણ હટાવાઈ છે. ગૌચર દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં માલધારીઓ ગૌચરની જમીનમાં પશુઓ ચરાવવા પહોંચ્યા હતા.
-
અમરેલીના લાઠી પંથકમાં વરસ્યો વરસાદ
અમરેલીના લાઠી પંથકમાં વરસ્યો વરસાદ. લાઠી શહેર સાથે લાઠી ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. લાઠીમાં ધીમીધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને પગલે, ભાદરવાની ગરમીમાંથી લાઠી વિસ્તારને રાહત મળવા પામી હતી.
-
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી કરી છે. 12 દેશી પિસ્તોલ અને 50 જેટલા જીવતા કારતૂસ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી છે. એક આરોપી પાલનપુર લૂટનો વોન્ટેડ છે. બીજો આરોપી કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે. ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે.
-
રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ થશે શરૂ
રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. 26, 27 અને 28 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શિયરઝોનના કારણે વરસાદ પડી શકે. અમદાવાદમાં પણ 26,27 અને 28 તારીખે ભારે વરસાદ પડી શકે છે.
-
ગાંધીનગર: ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોએ ફરી ખોલ્યો મોરચો
ગાંધીનગર: ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોએ ફરી મોરચો ખોલ્યો. ઘણા સમયથી પડતર માગનો ઉકેલ ન આવતા ઉમેદવારોએ વિરોધ દર્શાવ્યો. વિરોધ દરમિયાન ઉમેદવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પથિકાશ્રમ પાસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરાઈ.
-
પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ડીઝલ બાળકીએ રમત-રમતમાં પીધું
સુરત: માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ડીઝલ બાળકી રમત-રમતમાં પી ગઇ હતી. દોઢ વર્ષની બાળકીનું 12 દિવસની સારવાર બાદ મોત થયુ છે. બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાહ હેઠળ હતી. બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે.
-
આણંદ: બોરસદ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો
આણંદ: બોરસદ કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને એક વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે. બોરસદના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ચૂકાદો આપ્યો છે. બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં ઘટના બની હતી. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો હતો. શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
-
બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પાળીયાદ,બોડી,પીપરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ટાવર રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. કપાસના પાકને મોટું નુકસાન થઈ શકે છે.
-
પંચમહાલ: ગોધરાના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો
પંચમહાલ: ગોધરાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદને લીધે કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
-
લાંબા વિરામ બાદ દાહોદમાં ધોધમાર વરસાદ
લાંબા વિરામ બાદ દાહોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજા ભરપૂર વરસ્યા છે. વીજળીની કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી ગુલ થઈ ગઇ. દાહોદ, સિંગવડ નગર, લીમડી, મીરાખેડી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસીય મહારાષ્ટ્ર પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરો સાથે વાત કરવા માટે આજથી બે દિવસીય મહારાષ્ટ્રની મુલાકાતે છે. શાહ નાગપુર અને છત્રપતિ સંભાજીનગર (અગાઉના ઔરંગાબાદ)માં પાર્ટીના અધિકારીઓને મળશે, ત્યારબાદ 25 સપ્ટેમ્બરે નાસિક અને કોલ્હાપુરમાં વાતચીત કરશે.
-
PM મોદી ત્રણ દિવસની મુલાકાત બાદ અમેરિકાથી દિલ્હી જવા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય યુ.એસ.ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થયા હતા, તેમણે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ક્વોડ લીડર્સ સમિટ અને સમિટ ફોર ધ ફ્યુચર (SOTF)માં હાજરી આપી હતી. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી.
#WATCH | Prime Minister Narendra Modi departs for Delhi after the conclusion of his 3-day visit to USA
During his three-day visit, he attended the QUAD Leaders’ Summit and the Summit of the Future (SOTF) at the United Nations in New York. Along with that, he held some key… pic.twitter.com/XpLlq9rEgS
— ANI (@ANI) September 24, 2024
Published On - Sep 24,2024 7:49 AM