22 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ત્રીજી ટર્મમાં આપણે મોટા લક્ષ્યો હાંસલ કરવાના છે, PM મોદીનું USમાં નિવેદન
આજે 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકા મુલાકાતના ભાગરૂપે ફિલાડેલ્ફિયા પહોંચ્યા છે.પીએમ મોદીએ આજે ભારતીય સમય અનુસાર 9:30 વાગ્યે તેઓ ન્યૂયોર્ક સિટીમાં યુએસ કાર્યક્રમને સંબોધિત કરશે.
આજે પીએમ મોદી અને જો બાઈડન સાથે મુલાકાત કરશે. બાઈડન સાથે દ્વીપક્ષીય મંત્રણા થશે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી તરીકે આતિશીએ શપથ લીધા. શપથ પૂર્વે તેઓ કેજરીવાલને પગે લાગ્યા હતા. આતિશી સાથે 5 મંત્રીઓએ પણ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા
ગુજરાતમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર શિક્ષક સકંજામાં આવી ગયો છે. તેની સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યુ આ રાક્ષસી કૃત્ય છે નહીં ચલાવી લેવામાં આવે. આ તરફ સુસતના સરથાણામાં નકલી ચલણી નોટ છાપતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. રૂપિયા 100ના દરની નક્લી નોટો છપાતી હતી. ત્રણ ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
LIVE NEWS & UPDATES
-
ભારતમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવવામાં આવી – PM મોદી
છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવવામાં આવી છે. દરરોજ બે નવી કોલેજો બનાવવામાં આવે છે. દરરોજ નવી ITI સ્થપાય છે. 10 વર્ષમાં ટ્રિપલ આઈટીની સંખ્યા 9થી વધીને 25 થઈ ગઈ છે. આઈઆઈટી અને IIMની સંખ્યામાં પણ વધારો થયો છે.
-
અમે સોલર, ગ્રીન હાઇડ્રોન, ન્યુક્લિયર એનર્જીમાં રોકાણ કરી રહ્યા છીએ
અમે લીલા સંક્રમણનો માર્ગ પસંદ કર્યો છે. પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના મૂલ્યોએ આપણને માર્ગદર્શન આપ્યું છે. એટલા માટે અમે સોલર, ગ્રીન હાઇડ્રોન, ન્યુક્લિયર એનર્જીમાં રોકાણ કરી રહ્યા છીએ. 2014 થી, ભારતે તેની સૌર ઊર્જા ક્ષમતામાં 30 ગણો વધારો કર્યો છે.
-
-
અમેરિકામાં પણ મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ – PM મોદી
ભારતમાં સેમી કંડક્ટર યુનિટ પણ શરૂ કરવામાં આવ્યા છે. એ દિવસ આવવાનો દૂર નથી જ્યારે તમે અમેરિકામાં પણ મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ જોશો. આ મોદીની ગેરંટી છે. ભારતમાં સુધારાની પ્રતિબદ્ધતા અભૂતપૂર્વ છે. દુનિયાને બરબાદ કરવામાં અમારી કોઈ ભૂમિકા નથી.
-
ભારતીયો હવે તેમના દસ્તાવેજોને ભૌતિક ફોલ્ડરમાં રાખતા નથી – PM મોદી
ભારતમાં લોકોના ફોનમાં ઈ-વોલેટ છે. ભારતીયો હવે તેમના દસ્તાવેજોને ભૌતિક ફોલ્ડરમાં રાખતા નથી. તેની પાસે હવે ડિજીલોકર છે. ભારત હવે અટકવાનું નથી. ભારત હવે અટકવાનું નથી. ભારત ઈચ્છે છે કે વિશ્વમાં વધુને વધુ ઉપકરણો મેડ ઈન ઈન્ડિયા ચિપ્સ પર ચાલે.
-
ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક
અમે મેડ ઇન ઇન્ડિયા ટેક્નોલોજી પર કામ કર્યું. આજે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક છે. અમે હવે મોબાઈલ નિકાસકારો બની ગયા છીએ. ભારત હવે નવી સિસ્ટમ બનાવે છે અને તેનું નેતૃત્વ કરે છે. ભારતે વિશ્વને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)નો નવો કોન્સેપ્ટ આપ્યો છે.
-
-
પીએમ મોદી સ્ટેડિયમની અંદર પહોંચ્યા
પીએમ મોદી હવે સ્ટેડિયમની અંદર પહોંચી ગયા છે. જ્યાં તે કલાકારોને મળી રહ્યો છે.
માનવામાં આવે છે કે પીએમ મોદીના આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે. પીએમ મોદીના સંબોધનને લઈને ભારતીયોમાં ઉત્સાહની સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી.
-
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે : ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે તેવી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે આગાહી કરી છે. 10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.
-
કચ્છના ભચાઉ નજીક અકસ્માતમાં કારમાં સવાર 3 મહિલાના મોત
કચ્છના ભચાઉ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. સ્કોર્પિયો કારે કાબુ ગુમાવતા ડમ્પર સાથે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર 3 લોકોના મોત થયા હતા. કારમાં સવાર અન્ય ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત અંગે, ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારમાં સવાર 3 મહિલાના મોત
-
કડીના બાવલું નજીક હાઈ પ્રોફાઈલ જુગારનો અડ્ડો ઝડપાયો
કડીના બાવલું નજીક હાઈ પ્રોફાઈલ જુગારનો અડ્ડો ઝડપાયો છે. રૂ.59 લાખના મુદ્દામાલ સાથે 59 શખ્સ જુગાર રમતા ઝડપાયા છે. બાવલું નજીક દેલ્લા પાસે માઈનોર કેનાલ પાસેથી જુગારનો અડ્ડો ઝડપાયો છે. સૈયદ ફાર્મ હાઉસમાં જુગાર રમતા નબીરાઓ ઝડપાઈ ગયા છે. રૂ.2.14 લાખ રોકડ, 51 મોબાઈલ, 10 ગાડી, 10 કીટ ગંજી પાના જપ્ત કરવામાં આવ્યા છે. મેવાતી મોહસીનખાન અબ્દુલ રહેમાન હમિદખાન સહિત 59 શખ્સ વિરૂદ્ધ બાવલું પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
-
ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનાવાશે
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત વિવિધ જિલ્લાઓના ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના માર્ગોને કોન્ક્રીટના માર્ગ બનાવવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોના 1020 કિ.મી. લંબાઈના 787 માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા 668 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
-
કચ્છમાં લાંચ માંગતા તલાટી ઉપરાંત અન્ય એકની ACBએ કરી ધરપકડ
કચ્છમાં મકાનની આકારણી દાખલ કરાવવા માટે લાંચ માંગવાનો કેસમાં તલાટી કમ મંત્રી સહિત અન્ય એકની ધરપકડ કરવામાં આવી છે. ACBએ તલાટી કમ મંત્રી સહિત અન્ય એકની ધરપકડ કરવામાં આવી છે. 4 લાખની કુલ લાંચની કરાયેલ માંગણીમાંથી, એડવાન્સ પેટે 2 લાખ રૂપિયા માંગ્યા હતા. તલાટી કમ મંત્રી વાઘસિંહ વાઘેલા અને નીરવ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
શાળામાં સેનેટાઈઝરથી દાઝી ગયેલ વિદ્યાર્થિનીનું મોત, બેદરકારી બદલ આચાર્યા-શિક્ષિકા સસ્પેન્ડ
પંચમહાલના ગોધરાના કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળાની વિદ્યાર્થિની શાળામાં દાઝી જવાથી મોત થવાની ઘટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઇન્ચાર્જ આચાર્ય અને બે શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગંભીર બેદરકારી દાખવવા બદલ ઇન્ચાર્જ આચાર્ય જયશ્રીબેન, શિક્ષિકા પાર્વતીબેન અને ભૂમિકાબેનને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાજીવાડા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ગોધરાની કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં રિસેસના સમયે ક્લાસરૂમમાં સેનેટાઈઝરથી વિદ્યાર્થિની દાઝી હોવાની ઘટના બની હતી. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં એક મહિનાથી વધુ સમય સારવાર મેળવ્યા બાદ વિદ્યાર્થીનીનું ગઈકાલે મોત થયું.
-
વડોદરામાં 50થી વધુ ગુનામાં સંડોવાયેલ કુખ્યાત ફરાર આરોપી ઝડપાયો
વડોદરામાં 50થી વધુ ગુનામાં સંડોવાયેલ કુખ્યાત ફરાર આરોપી ઝડપાયો છે. વડોદરાના વારસિયા વિસ્તારનો કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વડોદરા મધ્યસ્થ જેલથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ, આરોપી ફરાર હતો. અલ્પુ સિંધી વિરુદ્ધ વિદેશી દારૂ, ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ, ખંડણી, મારામારી, જેલમાંથી બોગસ ડોક્યુમેન્ટ આધારે જામીન પર છુટવા સહીતના 50 થી વધુ ગુના નોંધાયેલા છે. ફરાર આરોપી કરજણ નજીક આવેલ દિલ્હી-મુંબઇ એક્ષપ્રેસ હાઇવે પરથી ઝડપાયો છે.
-
મહેસાણાના ખેરાલુમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતાં એકની અટકાયત
મહેસાણાના ખેરાલુમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતાં એકની અટકાયત કરવામાં આવી છે. રશીદ ખાન સિંધી નામના ફેસબુક એકાઉન્ટ ઉપર વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી. હિન્દુ તેમજ મુસ્લીમ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ કરવામાં આવી હતી. ખેરાલુમાં શાંતિ ડહોળાય તથા હિન્દુ તેમજ મુસ્લીમ સમાજ વચ્ચે ધાર્મિક લાગણી દુભાય તેવો પ્રયત્ન આ પોસ્ટ દ્વારા કરવામાં આવી હતી. બે કોમ વચ્ચે વૈમનસ્ય તથા વર્ગ વિગ્રહ ફેલાય તેવો પ્રયત્ન કરાયા હોવા સબબ પોસ્ટ કરનારાની અટકાયત કરવામાં આવી છે.
-
દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં બાળકી હત્યા અંગે આચાર્યાની ધરપકડ
દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતના કેસમાં શાળાના આચાર્યાની ધરપકડ કરવામાં આવી છે. શાળાના આચાર્ય ગોવિન્દ નટે બાળકીની હત્યા કરી હોવાનુ તપાસ દરમિયાન બહાર આવ્યુ છે. પોલીસ દ્વારા આચાર્યની ધરપકડ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 19/9/24 ના રોજ બાળકીની કરાઈ હતી હત્યા.
-
ભાવનગરઃ યુવરાજ જયવીરરાજસિંહનો શંકરસિંહ સામે સવાલ
ભાવનગરઃ યુવરાજ જયવીરરાજસિંહનો શંકરસિંહ સામે સવાલ ઉઠાવ્યા. યુવરાજે જણાવ્યુ કે શંકરસિંહે અયોગ્ય સંયે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી હતી. મારા દાદાના મૃત્યુના 6 દિવસ બાદ શંકરસિંહની આવી વાત અયોગ્ય હતી. મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું ક્યારેય રાજનીતિ નહીં કરુ. વડીલોને માન સન્માન, પણ ખોટુ થાય તો યુવાનોએ વિરોધ કરવો જોઈએ. પરિવાર કે પૂર્વજોના નામે રાજનીતિ થઈ તો હું આવા લોકો સામે ઉભો રહીશ. ક્ષત્રિય સમિતિમાંથી ભાવનગર રાજવી પરિવારનું નામ કાઢો તો શું અસ્તિત્વ રહેશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે ક્ષત્રિય એક્તા માટે દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી. ક્ષત્રિય સમાજે વિચારવાનું કે આપણે કઈ દિશામાં જવું છે.
-
અમદાવાદ: નારોલ-વિશાલા બ્રિજ ધીમી કામગીરી મુદ્દે MLA અમિત ઠાકર એક્શનમાં
અમદાવાદમાં નારોલ-વિશાલા બ્રિજ ધીમી કામગીરી મુદ્દે MLA અમિત ઠાકર એક્શનમાં આવ્યા છે. 9 મહિના વીત્યા છતાં કામગીરી અધૂરી રહેતા સ્થળ મુલાકાત લીધી હતી. બ્રિજનું નિરીક્ષણ કરી ધીમી ગતિએ થતી કામગીરીને ઉજાગર કરી, જેમા મહારાષ્ટ્રની કોન્ટ્રાક્ટર કંપની રિ-બિલ્ટની બેદરકારી સામે આવી. ડિસેમ્બર 2023માં કંપનીએ બ્રિજની કામગીરી પૂરી કરવાની હતી અને હજુ પણ કામ અધૂરુ છે. ડિસેમ્બર 2024 સુધી કામ લંબાતા ધારાસભ્ય અમિત ઠાકરે સવાલ ઉઠાવ્યા છે. ધારાસભ્યે જણાવ્યુ કે ફેબ્રુઆરી સુધીમાં બ્રિજનું કામ પૂરૂં થવું જોઇતું હતું. અમિત ઠાકર AMCની સંકલન સમિતિમાં પણ અનેક રજૂઆત કરી ચુક્યા છે. 3.5 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે
-
અમદાવાદ: થલતેજમાં 2019થી શરૂ કરાયેલા આવાસનું કામ હજુ પણ અધ્ધરતાલ
રાજ્યમાં અંધેર વહીવટનો સૌથી મોટો નમૂનો. સરકારની જ આવાસ યોજનાઓમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાભાર્થીઓને લાભ આપવાના નામે આવાસો તો મોટાપાયે બની રહ્યા છે. પણ, તેના હાલ કેવાં છે તેની સાબિતીના એકબાદ એક પૂરાવા સામે આવી રહ્યા છે. બે દિવસ અગાઉ વટવામાં 15 વર્ષ અગાઉ 180 કરોડના ખર્ચે બનેલા આવાસો કોઈને ફાળવાયા જ નહીં. અને આખરે તેને તોડી પાડવાનો વારો આવ્યો. થોડાં સમય બાદ પાલનપુરમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં. કારણ કે અહીં 63 કરોડના ખર્ચે બનેલા આવાસો 8 વર્ષથી ફાળવાયા વિનાના પડ્યા છે અને હાલ ખંડેર હાલતમાં છે. શહેરી લાભાર્થીઓ માટે શહેરમાં આ આવાસ બનવાના હતા પણ, તેને બદલે પાલિકાએ તેને ગામડામાં બનાવી દીધાં. 8 વર્ષથી જમીનના હેતુફેરની દરખાસ્ત મુકી છે. જે હજુ મંજૂર જ નથી થઈ. ચિંતાજનક સ્થિતિ તો અમદાવાદના થલતેજમાંથી પણ સામે આવી રહી છે. અહીં વર્ષ 2019થી આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ, આવાસનું કામ આજ દિન સુધી પૂરું જ નથી થયું. અનેક લાભાર્થીઓના 3 લાખ રૂપિયા પણ અટવાઈ પડ્યા છે. મુદ્દો એ છે કે ગુજરાતમાં આ કેવો અંધેર વહીવટ ચાલી રહ્યો છે ?
-
વડોદરા: વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશો પરેશાન
વડોદરા: વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. કોર્પોરેશને TP 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ થતા રહીશો વિરોધ કરતા જોવા મળ્યા હતા. તેમનુ કહેવુ છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. વિવિધ પ્લે કાર્ડ સાથે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો. તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી આપવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગ પર અસામાજીક તત્વોનો ત્રાસ હોવાનો આક્ષેપ કરાયો છે. માર્ગ બંધ કરવામાં આવશે તો રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
-
અમદાવાદમાં વધુ એક બિલ્ડરની દાદાગીરી સામે આવી, હોટેલમાં કરી મારામારી
અમદાવાદમાં વધુ એક બિલ્ડરની દાદાગીરી સામે આવી છે. બોપલના ઉપેન્દ્રસિંહ ચાવડાએ એસજી હાઈવે પર આવેલી એક હોટલમાં મારામારી કરી, જેના પગલે અન્ય ગ્રાહકો ગભરાઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા. અગાઉ પણ બિલ્ડર ઉપેન્દ્રસિંહે બોપલમાં ફાયરિંગ કર્યું હતું. હાલ સરખેજ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ: વસ્ત્રાપુરમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપાઈ
અમદાવાદ: વસ્ત્રાપુરમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપાઈ છે. ગોયલ ઈન્ટરસિટી એપાર્ટમેન્ટમાં પોલીસે બાતમીના આધારે દરોડા કર્યા હતા. આ દરમિયાન ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 9 યુવકોને ઝડપી લેવાયા હતા. દારૂની 5 બોટલ અને 12 મોબાઈલ જપ્ત કરાયા છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
પાટણ: રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન દુર્ઘટના, શ્રમિકનું મોત
પાટણ: રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે, એકાએક માટીની ભેખડ ધસતા મજૂર દટાયો હતો, દટાવાને લીધે મજૂર વિનોદસિંહ ગોડનું મોત થયુ છે. મજૂરને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે ખસેડાયો હતો. સારવાર મળે તે પહેલાં જ મજૂરનું મોત થયુ. મૃતક વિનોદસિંહ મૂળ મધ્યપ્રદેશનો વતની હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.
-
જામનગરમાં ટ્રાવેલ્સ સંચાલકનું અપહરણ કરી માર માર્યો
જામનગરમાં ટ્રાવેલ્સ સંચાલકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો. હાઇવે હોટલના સંચાલક સહિત 6 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકને જમવા બાબતે હાઇવે હોટલના સંચાલક સાથે તકરાર થઇ હતી. હોટલ સંચાલકે મન:દુખ રાખી યુવકને માર માર્યો. પોલીસે CCTVના આધારે તમામની શોધખોળ હાથ ધરી.
-
ભાવનગર: શહેર ભાજપના પૂર્વ નગરસેવકે જ લગાવ્યા ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ
ભાવનગર: શહેર ભાજપના પૂર્વ નગરસેવકે જ લગાવ્યા ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. મહેશ અડવાણીએ વિકાસના કામોમાં થતી કટકી મુદ્દે આક્રોશ ઠાલવ્યો છે. ઓડિયો ક્લિપ વાયરલ કરી ભાજપના નગરસેવકો પર 20 ટકા કટકીનો આરોપ લગાવ્યો છે. મહેશ અડવાણીએ આરોપ લગાવ્યો કે મારી પાસેથી 20 ટકા કટકી લઈ ન શકે એટલે મારું કામ ન થયું. ઘર પાસે વરસાદી પાણી ભરાતા પૂર્વ નગરસેવકે અનેકવાર રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત છતાં ભ્રષ્ટાચારને લીધે કામ ન થતાં હોવાનો આક્ષેપ કરાયો છે. મહેશ અડવાણી વર્ષ 2010થી 2015 વચ્ચે નગરસેવક હતા. કટકીબાજ નગરસેવકોને ઉઘાડા પાડવાની મહેશ અડવાણીએ ચીમકી ઉચ્ચારી છે.
-
ભરૂચ ટોલનાકા પર મારામારીનો વીડિયો વાયરલ
ભરૂચ ટોલનાકા પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે. ટોલ કર્મીઓએ આઇસર ચાલકને ઢોર માર્યો. 3 કર્મચારીઓએ મળીને પટ્ટા જેવી વસ્તુથી માર માર્યો. વીડિયો ભરૂચ પાસેના ટોલનાકાનો હોવાનું અનુમાન છે. મારામારી કેમ થઇ તે અંગેની હકીકત સામે નથી આવી
-
ડાંગ: સાપુતારા ઘાટ માર્ગમાં બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવર ક્લિનરને ગંભીર ઈજા
ડાંગ: સાપુતારા ઘાટ માર્ગમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ટ્રક પલટી ગયો. એક ડ્રાઇવર અને એક ક્લીનરને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાના પગલે સાપુતારા વધઈ ધોરીમાર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
-
અમેરિકાના અલબામા માં ફાયરિંગમાં 4 લોકોના મોત
અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. અલબામાં કરાયેલી ગોળીબારીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના પર પોલીસે તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ: રીલની ઘેલછામાં યુવાનો ભૂલ્યા ભાન
અમદાવાદ: રીલની ઘેલછામાં ફરી યુવાનો ભાન ભૂલ્યા છે અને જોખમી રીતે કાર હંકારી રીલ બનાવવાનો વીડિયો વાયરલ થયો છે. અજિત મિલ ચાર રસ્તા નજીકનો વીડિયો હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયામાં લાઈકના ચક્કરમાં યુવાનો હદ વટાવી રહ્યા છે. વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં ચાલુ વાહને રીલ બનાવી હતી. રીલના ચક્કરમાં અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુક્યા હતા.
-
જામનગર: એક શખ્સે દારૂ પીને કર્યું ધીંગાણું
જામનગરમાં એક શખ્સે દારૂ પીને બબાલ કરતો જોવા મળ્યો. દારૂના નશામાં આખા વિસ્તારને બાનમાં લીધો. દિગજામ સર્કલ પાસે નશામાં ધૂત આ શખ્સનો વીડિયો વાયરલ થયો છે. નશાખોર પોતાને આર્મીમેન હોવાનું જણાવતો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચીને નશેડીની ધરપકડ કરી હતી.
-
ભારતની અમેરિકા સાથે મેગા ડ્રોન ડીલ, કોલકાતામાં સ્થપાશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચેની મુલાકાતે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને નવો આયામ આપ્યો છે. ભારતે આકાશ અને સમુદ્રની સુરક્ષા માટે અમેરિકા પાસેથી 31 ગાર્ડિયન ડ્રોન ખરીદ્યા છે અને કોલકાતામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે.
-
શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર, ડાબેરી દિસાનાયકે બનશે નવા રાષ્ટ્રપતિ
અનુરા કુમારા દિસાનાયકેએ શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. તેઓ શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ હશે. વર્તમાન પ્રેસિડેન્ટ રાનિલ વિક્રમસિંઘે ત્રીજા સ્થાને પાછળ રહી ગયા છે. સાજીથ પ્રેમદાસા ફરી એકવાર મુખ્ય વિપક્ષી નેતાના રોલમાં જોવા મળશે.
-
કાનપુરમાં ફરી એકવાર ટ્રેન પલટવાનું સામે આવ્યુ ષડયંત્ર, રેલ્વે ટ્રેક પરથી નાનો ગેસ સિલિન્ડર મળ્યો
કાનપુરમાં રેલવે ટ્રેક પર ફરી એકવાર નાનો LPG સિલિન્ડર મળ્યો છે. જોકે, સિલિન્ડર સાથે અથડાતા પહેલા જ લોકો પાયલોટે માલગાડીને રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ પહેલા કાલિંદી એક્સપ્રેસના આગળના ટ્રેક પર એલપીજી સિલિન્ડર સિવાય પેટ્રોલ અને ગનપાઉડર પણ જોવા મળ્યા હતા.
-
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 137.81 મીટર થઈ
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 137.81 મીટર થઈ. ડેમની સંપૂર્ણ સપાટી 138.68 મીટરથી માત્ર 87 સેમી દૂર છે. ઉપરવાસમાંથી 95 હજાર 394 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં કુલ 64 હજાર 746 ક્યુસેક પાણી છોડાયુ છે. નર્મદા ડેમનો એક દરવાજો 0.65 મીટર ખૂલ્લો છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામો એલર્ટ પર છે.
-
બોટાદ: ઢસાના લંપટ શિક્ષક સામે આક્રોશ, ગામલોકોએ કર્યો ચક્કાજામ
બોટાદઃ ઢસાના લપંટ શિક્ષક સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામલોકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો. વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર શિક્ષક સામે ગામલોકોમાં ભારોભાર આક્રોષ છે. સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. શિક્ષક સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની ઉગ્ર માગ છે.
-
પંચમહાલ: ગોધરા શહેર એ ડિવિઝનના PI પી.એમ.જુડાલ શંકાના દાયરામાં
પંચમહાલ: ગોધરા શહેર એ ડિવિઝનના PI પી.એમ.જુડાલ શંકાના દાયરામાં આવી છે. PI પી.એમ.જુડાલ સામે ગોધરા સેશન કોર્ટે ખાતાકીય પગલા લેવાનો આદેશ કર્યો. PI પી.એમ જુડાલની બદલી કરી LIB શાખામાં મુકાયા. ચોરીના કેસમાં PI જુડાલે કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યુ. જ્વેલર્સના શોરૂમમાંથી ઘરેણાની ચોરીના મુખ્ય આરોપી નિમેશ ઠકવાણીને બચાવ્યાનો આરોપ છે. ગત ચોથી ઓગસ્ટે ધનરાજ જ્વેલર્સના શો રૂમમાં 1.26 કરોડના ઘરેણાંની ચોરી થઈ હતી.
આરોપીની આગોતરા જામીન અરજી પર ફેંસલો આવે તે પહેલા આરોપીને ઝડપી તે જ દિવસે કોર્ટમાં રજૂ કરી જામીન મળી જાય તે પ્રકારની કાર્યવાહી કરી જામીન અપાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું, તપાસ અધિકારી પી.એમ.જુડાલે આરોપીના વકીલ તરીકેની ભૂમિકા ભજવી હોવાનું પણ કોર્ટે નોંધ્યું. આરોપી નિમેષ ઠકવાણીના જામીન મંજુર કરનાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા પણ પ્રોપર મેનરમાં એક્ટ ન કર્યું હોવાનું પણ ગોધરા સેશન કોર્ટ જજે નોંધ્યુ છે.
-
સુરત: નકલી કસ્ટમ અધિકારીની વધુ એક ઠગાઇ આવી સામે
સુરત: નકલી કસ્ટમ અધિકારીની વધુ એક ઠગાઇ સામે આવી. સ્યાદલા ગામે 3.54 લાખથી વધુનું ડીઝલ પૂરાવી પૈસા ન આપ્યા. પોતે હજીરા ખાતે સેલ ટેક્સ ઓફિસર હોવાનું કહી ઠગાઇ આચરી. અલગ અલગ વાહનો મોકલી ઉધારમાં ડીઝલ પુરાવી દીધુ. ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. પેટ્રોલ પંપ માલિકે કિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. પોલીસે ટ્રાન્ફર વોરંટના આધારે આરોપીને પકડવાની કવાયત હાથ ધરી.
-
અમેરિકાઃ PM મોદી ન્યુયોર્ક પહોંચ્યા, અનેક દ્વિપક્ષીય બેઠકમાં થશે સામેલ
અમેરિકાઃ PM મોદી ન્યુયોર્ક પહોંચ્યા છે. આજે ન્યુયોર્કમાં અનેક દ્વિપક્ષીય બેઠકમાં તેઓ સામેલ થશે. પીએમ મોદી UNની સમિટમાં પણ હાજરી આપશે. આજે રાત્રે 9.30એ પીએમ મોદી ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.
-
માઉન્ટ આબુમાં ફરી રીંછનું ટોળું જોવા મળ્યું
માઉન્ટ આબુમાં ફરી રીંછનું ટોળું જોવા મળ્યું. એકસાથે ચાર રીંછ લટાર મારતા નજરે પડ્યા. દેલવાડા જવાના માર્ગ પર રીંછની લટારથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક પર્યટકો તેમની કાર ઊભી રાખી મોબાઇલ કેમેરામાં દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા.
-
કચ્છમાં ભુજ અને આસપાસના વિસ્તારમાં સવારથી તંત્રની કાર્યવાહી
કચ્છમાં ભુજ અને આસપાસના વિસ્તારમાં સવારથી તંત્રએ કાર્યવાહી કરતા પાણીના વહેણ પર થયેલા દબાણ જેસીબી દ્વારા દૂર કરાયા છે. ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું. 2 જેટલી દરગાહ સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા.
Published On - Sep 22,2024 8:35 AM