19 મેના મહત્વના સમાચાર : મોડાસાના ગાજણ ગામે લગ્ન પ્રસંગમાં ઘર્ષણ, કાર ચલાવી લગ્નમંડપ-ખુરશીઓની કરી તોડફોડ
આજે 19 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

આજે 19 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
નૌકાદળના વડા પીએમ મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા
નૌકાદળના વડા દિનેશ કુમાર પ્રધાનમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે. જ્યાં તેઓ પીએમ મોદીને મળશે. ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી, પીએમ મોદી સતત સેનાના અધિકારીઓ સાથે બેઠકો કરતા જોવા મળ્યા છે.
-
મોડાસાના ગાજણ ગામે લગ્ન પ્રસંગમાં ઘર્ષણ, કાર ચલાવી લગ્નમંડપ-ખુરશીઓની કરી તોડફોડ
અરવલ્લીના મોડાસાના ગાજણ ગામે લગ્ન પ્રસંગમાં ઘર્ષણ થયું હતું. લગ્ન પ્રસંગમાં રાત્રી સમયે ખુલ્લી તલવાર સાથે ભય ફેકલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લગ્નમાં બાંધેલ મંડપ અને ખુરશીઓ ઉપર કાર દોડાવી તોડફોડ કરી હોવાની ફરિયાદ લખાવાઈ છે. સગાસબંધીઓ અને જાનૈયાઓ પર કાર ચઢાવવાનો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ બાદ પોલીસવડાને ન્યાયની માંગ સાથે રજુઆત કરાઈ છે.
-
-
સુરેન્દ્રનગરના થાન નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, રાજકોટના દંપતિનુ મોત, 3ને ઈજા
સુરેન્દ્રનગરના થાન નજીક ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના દંપતિનું મોત થયું છે. રાજકોટથી પરિવાર કોઢ ગામે માતાજીના માંડવામાં જઈ રહ્યો હતો, તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના પ્રેમજીભાઈ અને તેમના ધર્મ પત્ની લાભુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતનુ પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
રાજકોટના કોઠારિયામાં વિજ્ઞાન જાથાની ટીમ-પોલીસ ઉપર ટોળાનો હુમલો
.રાજકોટના કોઠારિયા વિસ્તારમાં પશુબલી અટકાવવા જતા બબાલ થવા પામી છે. વિજ્ઞાન જાથાની ટીમ પહોંચતા થઇ બબાલ. ધાર્મિક કાર્યમાં પશુબલી ચડાવતા હોવાની વિજ્ઞાન જાથાને ફરિયાદ મળી હતી. જેના આધારે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે કોઠારિયા વિસ્તારમાં પહોંચતા ટોળું વિફર્યું હતું. વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો. પોલીસે 6 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી.
-
જામનગર જિલ્લાના દરિયા કિનારાના 100 ગામમાં સાયરન લગાવાશે
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી સર્જાઈ છે. તેમજ થોડા દિવસો પહેલા ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત પશ્ચિમ ભારતમાં બ્લેકઆઉટ કરવાની પણ ફરજ પડી હતી. અનેક પરીબળોને ધ્યાને લઈને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 100 ગામમાં ઈમરજન્સી સાયરન લગાવવામાં આવશે. પ્રાથમિકતા મુજબ દરીયા કાંઠાના ગામમાં પ્રથમ સાયરન લગાવવામાં આવશે.
-
-
બચુ ખાબડે રાજીનામું આપવુ જોઈએ, જો ના આપે તો ભૂપેન્દ્ર પટેલે પડતા મુકવા જોઈએ
મનરેગાના કરોડો રૂપિયાના આર્થિક કૌંભાડમાં પોલીસ દ્વારા, ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોની ધરપકડ કરાયા બાદ ગુજરાતમાં કોંગ્રેસે ભાજપની ભય, ભુખ અને ભ્રષ્ટાચાર વગરની કહેવાતી ભૂપેન્દ્ર પટેલની સરકારને નિશાને લીધી છે. કોંગ્રેસે કહ્યું છે કે, નૈતિકતાના મુદ્દે બચુભાઈ ખાબડે મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દેવુ જોઈએ. જો બચુભાઈ ખાબડ રાજીનામું ના આપે તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, બચુભાઈ ખાબડને મંત્રીમંડળમાંથી પડતા મુકવા જોઈએ.
-
26 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદના ડોકી ખાતે સંબોધશે સભા
દાહોદ વડાપ્રધાનના આગમનને લઈ તંત્ર દ્વારા પુર જોશમાં કામગીરી શરુ કરવામાં આવી છે. 26 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદના ડોકી ખાતે સંબોધશે સભા. દાહોદ નવીન બનેલ 20 હજાર કરોડના ખર્ચ રેલવે કારખાનામા બનેલ 9000 HPનુ પાયલટ એન્જિન લોકાર્પણ કરાશે. આ એન્જિન દેશનું પ્રથમ લોકો પાયલટ એન્જિનછે. આ ઉપરાંત દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત બનેલ વિવિધ વિકાસના કામો પણ વડાપ્રધાન ના હસ્તે કરાશે લોકાર્પણ. વડાપ્રધાનના આગમનને લઈ ડોકી ખાતે તંત્ર દવારા કામગીરી શરુ કરાઇ છે.
-
ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે, અરબ સાગરની વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તીત થશે
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રિમુનસૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવનાઓ છે. અત્યારે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે. એ તે સિસ્ટમ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે અરબ સાગર સંપૂર્ણ સક્રિય છે, જેથી 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે.
-
ચંડોળા તળાવની જમીન પરના ગેરકાયદે બાંધકામ દૂર કરવા બીજો તબક્કો હાથ ધરાશે
અમદાવાદના ચંડોળા તળાવની જમીન પર દબાણ દૂર કરવા મહાનગરપાલિકાએ ચક્રો ગતીમાન કર્યાં છે. ચંડોળા તળાવની જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે બીજા તબક્કાની કામીગીરી હાથ ધરાશે. આના માટે મહાનગરપાલિકા દ્વારા ચંડોળા તળાવ ફરતે ના તમામ ગેરકાયદે એકમો ખાલી કરવા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સતત એનાઉન્સમેન્ટ કરીને ઘરવખરી અને અન્ય જીવનજરૂરી સહિતની ઉપયોગી વસ્તુઓ લઈ જવા સુચના આપવામાં આવી રહી છે. આજે રાત સુધીમાં તમામ એકમો ખાલી કરી દેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
-
કોર્પોરેટરો-સ્ટે. કમિટીના ચેરમેનની ફરિયાદ બાદ રાજકોટ મ્યુ. કોર્પો.ના આરોગ્ય અધિકારીની સત્તા છીનવી લેવાઈ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની સત્તાઓ છીનવી લેવામા આવી છે. આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણી સામે ચોમેરથી વિરોધ સર્જાતા, મ્યુનિસિપલ કમિશનરે આરોગ્ય અધિકારીની સત્તા છીનવી લીધી છે. આના માટે જરૂરી ઓર્ડર પણ કરી દેવાયા છે. આરોગ્ય વિભાગની કામગીરી પર હવેથી મધ્યાહન ભોજન યોજનાની જવાબદારી સંભાળતા નાયબ કલેક્ટર દેખરેખ રાખશે. જ્યારે નાણાકીય વ્યવહારો અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેખરેખ રાખશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરોએ આરોગ્ય અધિકારી સામે ફરિયાદો કરી હતી.
-
પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પારિવારિક ઝઘડામાં પોલીસ મથકે આવેલી મહિલાએ પોલીસ કોન્સ્ટેબલનું ગળું દબાવી હત્યા કરવાની ધમકી આપી હતી. મહિલાની સાથે આવેલા અન્ય બે NGOના કર્મચારીઓએ પણ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારી પર હુમલો થતાં ફરિયાદ નોંધાઈ હતી. નરોડા પોલીસે ગુનો નોધીને 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
અમદાવાદના ચંડોળા બાદ વડોદરાના રાજા રાણી તળાવ પર કાર્યવાહીની તૈયારી
અમદાવાદના ચંડોળા બાદ વડોદરાના રાજા રાણી તળાવ પર કાર્યવાહીની તૈયારી શરુ થઇ છે. રાજા રાણી તળાવ પર બાંધેલા ગેરકાયદે ઝૂંપડાઓ સામે કાર્યવાહી થશે. ઝૂંપડામાં રહેતા સ્થાનિકોને વહિવટી વિભાગ દ્વારા નોટિસ અપાઈ. તળાવ પર 174 જેટલાં ઝૂંપડા હોવાનો અંદાજ છે. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સ્થાનિકોએ તંત્ર પાસે માગ કરી છે. સ્થાનિકોને મામલતદાર કચેરીએ હિયરિંગ માટે બોલાવાયા.
-
જુનાગઢ: સાયબર પોલીસનું ઈ-મેઈલ ID હેક કરનાર ઝડપાયો
જુનાગઢ: સાયબર પોલીસનું ઈ-મેઈલ ID હેક કરનાર ઝડપાયો. આરોપી નકલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની ઈ-મેઈલ ID હેક કરીને બેંકોને મેઈલ કરતો હોવાનો ખુલાસો થયો છે. ફ્રીઝ કરાયેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મેઈલ કર્યા. આરોપીએ ફ્રીઝ કરાયેલા બેંક ખાતામાંથી 75 લાખ સેરવી લીધા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.
-
અમરેલી: જાફરાબાદના દરિયામાં દેખાયેલી અજાણી બોટ મામલે ખુલાસો
અમરેલી: જાફરાબાદના દરિયામાં દેખાયેલી અજાણી બોટ મામલે ખુલાસો થયો છે. બોટમાં સવાર બન્ને માછીમારો વલસાડના હોવાનું સામે આવ્યું છે. દરિયામાં બોટ બગડી જતા ધુમાડો નીકળ્યો હતો. વલસાડ જિલ્લા SOG અને LCB પોલીસની તપાસ કરાઇ. બોટમાં સવાર 2 માછીમારીની આકરી પૂછપરછ કરાઈ હતી. જાફરાબાદના દરિયામાં સ્થાનિક માછીમારોને ગેરસમજ થઈ હતી. રવિ નામની બોટ વલસાડની હોવાની માહિતી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી.
-
પ્રધાન બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની ધરપકડ
દાહોદ મનરેગા કૌભાંડ મામલે પ્રધાન બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે. APO દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી TDO રસિક રાઠવાને પણ પકડ્યા છે. બળવંત ખાબડ બાદ બીજા પુત્રને પણ પોલીસે કસ્ટડીમાં લીધા. 71 કરોડથી વધુનું મનરેલા કૌભાંડ સામે આવ્યા બાદ ફરિયાદ થઈ હતી.
-
પાટણ: સિધ્ધપુરના ખળી હાઈવે નજીક ખાનગી બસ પલટી
પાટણ: સિધ્ધપુરના ખળી હાઈવે નજીક ખાનગી બસ પલટી ગઇ છે. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો. બસમાં સવાર 14 મુસાફરો ઈજાગ્રસ્ત થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારતો હોવાનો દાવો છે. અકસ્માત બાદ ખાનગી બસનો ડ્રાઈવર ફરાર થઇ ગયો. પોલીસે ડ્રાઈવરને પકડવા તજવીજ હાથ ધરી
-
ગુજરાત પર ફરી માવઠાનું સંકટ
ગુજરાત પર ફરી માવઠાનું સંકટ તોડાઇ રહ્યુ છે. 24 મે સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આજે 20 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે.
-
38 બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી
રાજકોટઃ બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. 38 બુટલેગરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. 38 બુટલેગરોની 60થી વધારે જમીન ખુલ્લી કરાઈ. બુટલેગરોના આશ્રયસ્થાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. નવા 150 ફુટ રિંગરોડ, રૈયાધાર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી. 6 કરોડથી વધારે કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ. DCP, ACP સહિત પોલીસ કાફલો તૈનાત કરાયો. મોટાભાગના ગુનેગારો પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. મર્ડર, શરીર સબંધી ગુનાઓ સહિત હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી કરવામાં આવી.
-
પોરબંદરઃ દરિયામાં શંકાસ્પદ બોટ દેખાવા મુદ્દે મોટા સમાચાર
પોરબંદરઃ દરિયામાં શંકાસ્પદ બોટ દેખાવા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. દરિયામાંથી તમામ બોટને પરત બોલાવવાનો આદેશ અપાયો. જાફરાબાદના દરિયાથી 22 નોટીકલ માઇલ દૂર અજાણી બોટ દેખાઇ હતી. અજાણી બોટ દેખાયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. પોરબંદર ફિશરીઝ વિભાગે બોટના ટોકન ઇસ્યુ કરવાના બંધ કર્યા. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી હાલ માછીમારી કરવા પર પ્રતિબંધ. રિર્ટન થઇ રહેલી બોટોની ફરજિયાત એન્ટ્રી કરાવવા આદેશ અપાયા.
Published On - May 19,2025 7:40 AM