13 જૂનના મહત્વના સમાચાર : સાળંગપુરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ કોપીરાઇટનો વિવાદ વધુ વકર્યો, સાધુ-સંતો ઉતર્યા મેદાને, તો ભક્તોમાં પણ ઉગ્ર રોષ, કોંગ્રેસે કાયદાકીય લડતની ઉચ્ચારી ચીમકી
Gujarat Live Updates આજ 13 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 13 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જામનગરઃ સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી કિશોરનું મોત
જામનગરઃ સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી કિશોરનું મોત થયુ છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં 14 વર્ષનો કિશોર ડૂબ્યો. પરિવાર સાથે રિસોર્ટમાં નાહવા આવ્યો હતો. સારવાર મળે તે પહેલા જ કિશોરનું મોત થયુ છે. હાલ પરિવારમાં માતમ ફેલાયુ છે.
-
વડોદરા: પ્રફૂલ સોલંકીના પિતાએ ડેસર પોલીસ પર કર્યા ગંભીર આરોપ
વડોદરા: સાવલી ભાજપ યુવા મોરચાના પ્રમુખે આપઘાત કરી લેતા પ્રફૂલ સોલંકીના પિતાએ ડેસર પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ કર્યા છે. ડેસર PI કે.સી. પટેલ સામે ખોટી રીતે પરેશાન કરવાનો આક્ષેપ કર્યો છે. ખોટા કેસમાં ફસાવી લોકઅપમાં ગોંધી રાખવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અદાવતમાં હેરાનગતિ કરવાનો આક્ષેપ કર્યો છે. દબાણના કારણે પુત્રએ આપઘાત કર્યાનો પરિવારનો દાવો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
-
-
કચ્છ: નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ
કચ્છ: નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ છે. ભુજ-માધાપર માર્ગ પર પાણીની પાઇપલાઇન તૂટી જતા 20 ફૂટથી વધુ ઊંચા પાણીના ફુવારા દેખાયા. પાઇપલાઇન ભંગાણથી લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે. પાણીના ફુવારા વચ્ચે વાહનચાલકોએ વાહનો ધોતા નજરે પડ્યા હતા.
-
જુનાગઢ: મેંદરડામાં પણ સાળંગપુરનો મુદ્દો ઉઠ્યો
જુનાગઢ: મેંદરડામાં પણ સાળંગપુરનો મુદ્દો ઉઠ્યો છે. ખાખીમઢી રામજી મંદિરના ગાદીપતિ સુખરામદાસ બાપુએ જણાવ્યુ છે કે સનાતનને ન સમજીને કોપીરાઈટ લેનારા સાધુઓ પર ધીક્કાર છે. ભગવાનને વ્યાપાર ગણીને કોપીરાઈટ લેવાયા. ભગવાનના ક્યારેય કોપીરાઈટ ન હોય, 18 વર્ણના લોકો તેમને પૂજે છે.
-
ઘાતક હથિયારો સાથે ફરતા આરોપીઓ સામે સુરત પોલીસનો સપાટો
સુરતમાં છરી, ખંજર અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા આરોપીઓ સામે SOGએ સપાટો બોલાવ્યો. અઠવા, રાંદેર, ખટોદરા, મહિધરપુરા, સલામતપુરા અને સિંગણપોર સહિતના વિસ્તારમાં SOGએ ‘ઑપરેશન રેમ્બો-2’ હેઠળ ઘાતક હથિયારો સાથે ફરતા આરોપીને દબોચ્યા. કુલ 52 શખ્સ સામે હથિયારબંધીના જાહેરનામા હેઠળ કાર્યવાહી. ઝડપાયેલા આરોપીઓમાં હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મોબાઈલ સ્નેચિંગ, ચોરી, મારામારી, લૂંટ, ડ્રગ્સ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે
-
-
અમદાવાદઃ વસતી ગણતરીની કામગીરી અંગે શૈક્ષિક સંઘનું નિવેદન
અમદાવાદઃ વસતી ગણતરીની કામગીરી અંગે શૈક્ષિક સંઘે કામગીરીને ઓન ડ્યુટી ગણવા માગ કરી છે. 80 ટકા શિક્ષકોને વસતી ગણતરીની કામગીરી સોંપાઈ છે. તમામ 27 વિભાગોને સરખા ભાગે કામ સોંપાઈ તેવી રજૂઆત કરાઈ છે. શિક્ષકોને પોતાના ઘરથી 20થી 25 કિમી દૂર સુધીની કામગીરી સોંપાઈ છે. વસતી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને પડતી મુશ્કેલી અને હાલાકી અંગે શૈક્ષિક મહાસંઘે અવાજ ઉઠાવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં DEOએ શાળા સમય બાદ વસ્તી ગણતરીની કામગીરીના પરિપત્ર કરતા નારાજગી છે. રાજ્યમાં 55થી 56 ટકા મહિલાઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળા અને ઘરની કામગીરી બાદ વસતી ગણતરીની કામગીરી અશક્ય છે. રાષ્ટ્રીય કામગીરી માત્ર શિક્ષકોની જ નહીં અધિકારીઓની પણ છે. રાષ્ટ્રીય કામગીરી સુગમતાથી પૂર્ણ થાય તે માટે યોગ્ય આયોજન કરવા શૈક્ષિક મહાસંઘે અપીલ કરી છે.
-
મહેસાણાઃ ખારી-રૂપેણ નદીમાં પ્રદુષિત પાણીથી માછલીઓના મોત
મહેસાણાઃ ખારી-રૂપેણ નદીમાં પ્રદુષિત પાણીથી માછલીઓના મોત થયા છે. કરસનપુરાથી સુજાણપુરા સુધી નદીમાં કાળું પાણી અને અસહ્ય દુર્ગંધ આવતા ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકી સર્જાઈ છે. કરસનપુરાની બે કંપનીઓ સામે કેમિકલયુક્ત પાણી છોડવાનો આરોપ લાગ્યો છે. પ્રદૂષણ મામલે દેલવાડા ગ્રામ પંચાયતે TDOને રજૂઆત કરી છે. GPCBએ તપાસ કરી કંપની સામે પગલાં લેવાની ખાતરી આપી છે.
-
અમદાવાદઃ જાતિય સતામણીના આરોપ લાગતા GSRTCના ઈજનેર સસ્પેન્ડ
અમદાવાદઃ જાતિય સતામણીના આરોપ લાગતા GSRTCના ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચંડોળા ડિવિઝનલ ઈજનેર હિરેન રાવલ સામે વર્કશોપના હેલ્પર દ્વારા ઘરે બોલાવી નશાની હાલતમાં જાતિય સતામણી કરવાનો આરોપ લાગ્યો છે. હેલ્પર સાથે શારીરિક અડપલાના CCTV સામે આવ્યા છે. કર્મચારીઓએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. હેલ્પરો પાસે ગાડીની સફાઈ અને ઘરકામ કરાવવાના આરોપ પણ થયા છે. ચા પત્તી લેવાની ના પાડતા હેલ્પરને લાફા માર્યાનો દાવો કરાયો છે. રજાના દિવસે ઘરે બોલાવી બળજબરીથી દારૂ પીવડાવવાનો તેમજ જાતિ વાચક શબ્દો બોલી માનસિક હેરાન કરાતા હોવાના આક્ષેપ થયા છે.
-
રાજકોટઃ ગેરકાયદે ખનન પર પોલીસના દરોડા
રાજકોટઃ ગેરકાયદે ખનન પર પોલીસે દરોડા કર્યા. જસદણના દેવપરા ગામે ગેરકાયદે ખનનો પર્દાફાશ થયો છે. પથ્થરનું ગેરકાયદે ખનન ઝડપાયું છે. 5 મશીન સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
-
મહીસાગરઃ છેતરપિંડી કેસમાં ફરાર બે મહિલા આરોપીઓ ઝડપાઈ
મહીસાગરઃ છેતરપિંડી કેસમાં ફરાર બે મહિલા આરોપીઓ ઝડપાઈ છે. SOGએ ગોધરા-નડીયાદ આરોપીઓની ધરપકડ કરી છે. એક મહિલા લૂંટેરી દુલ્હનના કેસમાં ફરાર હતી. લૂંટેરી દુલ્હન સહિત બે મહિલા આરોપીઓ પોલીસ સકંજામાં આવી છે.
-
સુરેન્દ્રનગરઃ વઢવાણનામાં ઐતિહાસિક કૂવો તોડાતા લોકોમાં રોષ
સુરેન્દ્રનગરઃ વઢવાણનામાં ઐતિહાસિક કૂવો તોડાતા લોકોમાં રોષ ફેલાયો છે. દબાણ શાખા દ્વારા કૂવાની દિવાલ તોડી દેવામાં આવી. કૂવાની દિવાલ તોડી પડતા રહીશોએ વિરોધ નોંધાવ્યો. ઐતિહાસિક વારસાનું સંરક્ષણ કરવાને બદલે ડિમોલિશન કરવાનો આક્ષેપ કર્યો. કૂવાને ફરીથી મૂળ સ્વરૂપમાં બનાવી જાળવણી કરવા માગ ઉઠી છે.
-
સુરત: નાસીર નગર ભૂતિયા ડિમોલિશન કેસની તપાસ
સુરત: નાસીર નગર ભૂતિયા ડિમોલિશન કેસની તપાસ હાથ ધરાઈ. રસ્તાના રેકર્ડ જોવા માટે સિટી સરવે વિભાગમાં SMCની ટીમ પહોંચી હતી. અલગ અલગ વિભાગોમાં ડોક્યુમેન્ટ મેળવવા ટીમ તપાસમાં જોતરાઈ હતી. ડિમોલિશન થઈ ગયા બાદ રસ્તો શોધવા તપાસ ટીમ નીકળી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1980 બાદ આ રસ્તાની જરૂર પડી ન હોવાથી BPMC એક્ટ મુજબની કાર્યવાહીની પાલિકાને જરૂર પડી ન હતી. પરંતુ ભૂતિયા ડિમોલિશનનો વિવાદ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનરોએ સિટી સરવેમાં જમીનના નકશા ઉથલાવી તપાસ કરી છે. સુરતમાં ભૂતિયા ડિમોલિશન મામલે રાજ્યસરકારના મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યુ અને કહ્યું કે આ કોર્પોરેશનની કામગીરી છે. દરેક મોટા શહેરોમાં તેની કોર્પોરેશન કામ કરે છે. તેમણે કામગીરી કરી છે.
-
વડનગરના પ્રાચીન મંદિરના ટ્રસ્ટમાં સરકારી વહીવટદારની નિમણૂક
મહેસાણાના વડનગરના પ્રાચીન મંદિરના ટ્રસ્ટમાં સરકારી વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. નાયબ ચેરીટી કમિશનર અને નિરીક્ષકને કામચલાઉ વહીવટદાર તરીકે ચાર્જ સોંપાયો છે. ટ્રસ્ટમાં કોઈ કાયદેસરનું ટ્રસ્ટી મંડળ અસ્તિત્વમાં ન હોવાથી મોટો નિર્ણય લેવાયો છે. હાલના વહીવટકર્તાઓને ૧ સપ્તાહમાં તમામ હિસાબો, સાહિત્ય અને ચાવીઓ સોંપવા આદેશ કરાયો છે. મંદિરની દાનપેટીઓ દર 15 દિવસે ૨ સ્વતંત્ર પંચની હાજરીમાં ખોલી સીલ કરવા હુકમ કર્યો. દાનપેટીમાંથી નીકળતી તમામ રકમ ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે. આગામી 6 મહિનામાં કાયદેસરના નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે. વ્યવસ્થા જાળવવા અને કાયદાકીય મદદ માટે પોલીસને પણ જાણ કરાઈ છે. મહેસાણા ઇન્ચાર્જ સંયુક્ત ચેરીટી કમિશનર એન. સી. પાટડીયાએ મહત્વનો હુકમ કર્યો છે. હાલના કોઈ ટ્રસ્ટીઓ હાજર નહીં રહેતા 15 જૂન 12 વાગે ટ્રસ્ટીઓને હાજર રહેવા હુકમ કરાયો છે.
-
કચ્છ: અંજારના ટપ્પર વાડીમાંથી કરોડોના વિદેશી દારૂનો પર્દાફાશ થયો છે.
કચ્છ: અંજારના ટપ્પર વાડીમાંથી કરોડોના વિદેશી દારૂનો પર્દાફાશ થયો છે. રેન્જ આઈજી એલસીબીની ટીમે દરોડા પાડીને પર્દાફાશ કર્યો છે. દારૂ અને બિયરના 1200થી વધુ બોક્સ જપ્ત કરાયા છે. પોલીસે 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને વાહન જપ્ત કર્યું. દારૂ કોણે મંગાવ્યો હતો તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
-
ભરૂચ: રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન
ભરૂચ: રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કર્યુ. કાર્યકરોએ “મોંઘવારીની જેલ” બનાવી અનોખો વિરોધ નોંધાવ્યો. મોંઘવારી, બેરોજગારી અને NEET પેપર લીક મુદ્દે વિરોધ કર્યો. ખેડૂતોને ખાતર ન મળવાની ઘટનાને પણ કોંગ્રેસે વખોડી. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. મોંઘવારી દૂર કરવા કોંગ્રેસ કાર્યકરોએ સૂર ઉઠાવ્યો.
-
છેલ્લા 100 દિવસમાં 243 જેટલા આરોપીઓની ધરપકડ
સુરત પોલીસે” ઓપરેશન ટ્રેપ” અંતર્ગત છેલ્લા 100 દિવસમાં 243 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. વિવિધ રાજ્ય અને શહેર જિલ્લા પોલીસ ચોપડે ફરાર હતા. જે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે વિશેષ અભિયાન હાથ ધર્યું. ઓપરેશન ટ્રેપ અંગે સુરત પોલીસના એડિશનલ સીપી કરણરાજ સિંહ વાઘેલાે પત્રકાર પરિષદ દરમિયાન માહિતી આપી કે છેલ્લા 30 વર્ષમાં દાખલ થયેલા ગુન્હામાં ફરાર આરોપીઓને પકડવા સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું. પહેલી માર્ચ થી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત અને જિલ્લા મુજબ એનાલિસિસ કરવામાં આવ્યું. એક માર્ચ થી 1 જૂન સુધીમાં પેરોલ અને નાસ્તા ફરતા 243 આરોપીઓને ઝડપી પાડ્યા. જેમાં 7 આરોપીઓ ઈનામી આરોપીઓ ની ધરપકડ કરી. જેમાં લૂંટ,હત્યા,હત્યા પ્રયાસ,બળાત્કાર,ખંડણી,ચોરી, પ્રોહિબિશન જેવા જઘન્ય ગુનાના આરોપીઓની ધરપકડ કરી. વિવિધ ગેંગો ની પણ ધરપકડ કરવામાં આવી. જેમાં ઉતરપ્રદેશ ની “શોલે “ગેંગને પણ સુરત પોલીસે ઝડપી પાડી. શહેર પોલીસની 200 જેટલી ટીમો દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. જે ટીમો દ્વારા સત્તત વર્કઆઉટ કરી ઓપરેશ પાર પાડવામાં આવ્યું. જે ઓપરેશન આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
-
વડોદરા: સાવલી ભાજપ યુવા મોરચાના પ્રમુખે કર્યો આપઘાત
વડોદરા: સાવલી ભાજપ યુવા મોરચાના પ્રમુખે આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ. પ્રફૂલ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. તેઓ છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. ડેસર પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરતમાં પથરીના ઓપરેશન બાદ યુવકનું મોત, હોસ્પિટલ સામે પરિવારનો હોબાળો
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે દાખલ કરાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ સામે વિરોધ નોંધાવ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે યુવકનું મોત થયું છે. ઘટનાથી રોષે ભરાયેલા સ્વજનોએ મૃતદેહ લઈને હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેતા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
15 જૂન બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે: અંબાલાલ પટેલ
15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ બનવાની સંભાવના છે. ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદી માહોલની શરૂઆત થશે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધતા ખેડૂતો સહિત લોકોમાં રાહતની આશા જાગી છે.
-
ગીર સોમનાથ: સિંહ સાથે સેલ્ફીનો વીડિયો વાયરલ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના છાણા વાકીયા ગામે એક યુવક દ્વારા સિંહ સાથે સેલ્ફી લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં યુવક સિંહની એકદમ નજીક જઈ તેની સામે ઉભો રહી સેલ્ફી લેતો જોવા મળે છે, જેના કારણે તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વન્યપ્રાણી સાથે આવી બેદરકારીભરી હરકતને લઈને લોકોમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાયરલ વીડિયો બાદ સિંહ અને સ્થાનિક લોકોની સુરક્ષા માટે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
-
નવસારીઃ પોક્સો અને અપહરણ કેસમાં ફરાર આરોપી ઝડપાયો
-
જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે લિફ્ટ અચાનક બંધ
જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અચાનક બંધ થઈ જતાં એક વ્યક્તિ અંદર ફસાઈ ગયો હતો. લિફ્ટ અડધો કલાક સુધી અટકી રહેતાં કાર્યાલયમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ લિફ્ટનું દરવાજું ખોલી અંદર ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિએ ભારે ગભરાટનો સામનો કરવો પડ્યો હતો.
-
અમદાવાદઃ S.S ડિવાઈન સ્કૂલમાં LC અને રેકોર્ડની ઉઠાંતરી
અમદાવાદની S.S ડિવાઈન સ્કૂલમાં LC સહિતના મહત્વના શૈક્ષણિક રેકોર્ડની ઉઠાંતરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્કૂલ સંચાલકોએ નિર્માણ સ્કૂલ એક્સલન્સ એજ્યુકેટર્સ LLP પર દસ્તાવેજોની ઉઠાંતરી કરવાનો આરોપ લગાવ્યો છે. S.S ડિવાઈન સ્કૂલે કરાર આધારે શાળાનું સંચાલન નિર્માણ સ્કૂલ એક્સલન્સ એજ્યુકેટર્સ LLPને સોંપ્યું હતું, પરંતુ ડમી સ્કૂલ ચલાવવાના ગંભીર આરોપો બાદ સંસ્થાનો વહીવટ પરત લેવામાં આવ્યો હતો. વહીવટ પરત લેવાની કાર્યવાહી દરમિયાન LC સહિતના અગત્યના દસ્તાવેજો અને રેકોર્ડ લઈ જવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓના શૈક્ષણિક કામો અટવાઈ ગયા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ S.S ડિવાઈન સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેના આધારે હવે વધુ તપાસની માંગ ઉઠી છે.
-
બનાસકાંઠાના જિલ્લા શિક્ષણાધિકારીએ છેડ્યો વિવાદનો મધપૂડો, પરિપત્ર બહાર પાડી કહ્યું- વસ્તી ગણતરીનું કાર્ય ઓન ડ્યુટી નહીં
બનાસકાંઠાના જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર બહાર પાડીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. વસ્તી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોની ઓન ડ્યુટી નહીં ગણાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. શાળાના સમય બાદ શિક્ષકો વસ્તી ગણતરીનું કાર્ય કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બનાસકાંઠા શિક્ષણ વિભાગના પરિપત્રોમાં વિસંગતતા જોવા મળી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો શિક્ષક સંઘે કર્યો વિરોધ. શિક્ષકો માટે મોબાઈલ પર પણ પ્રતિબંધનો પણ થયો વિરોધ. મોબાઇલમાં હાજરી પુરવાની મોબાઇલમાં અન્ય વિગતો આપવાની વસ્તી ગણતરી પણ મોટેભાગે મોબાઇલમાં કરવાની અને જેને લઈને પણ વિવાદ. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં મહિલા કર્મચારી વસ્તી ગણતરી કરી શકતા નથી સુરક્ષિત વિસ્તારો નથી. આ વિવાદિત પરિપત્ર પાછો નહીં ખેંચાય તો રાજ્ય શિક્ષક સંઘના આદેશ મુજબ કાર્યવાહી થશે.
-
ગીર સોમનાથના થોરડી ગામે ત્રણ ખેડૂત પર દિપડાએ કર્યો હુમલો
ગીર સોમનાથમાં દીપડાએ ત્રણ વ્યકિત પર કર્યો હુમલો. થોરડી ગામે કાકા ભત્રીજા પર દીપડાનો હુમલો કર્યો છે. કેળાના બગીચામાં કામ કરી રહેલા કાકા ભત્રીજા પર દીપડાએ હુમલો કર્યો હતો. કેશુભાઈ નારણ મોઢકિયા પર કર્યો હુમલો. પહેલા કાકા ભત્રીજા પર હુમલો કરી નજીકની વાડી વિસ્તારમાં વધુ એક ખેડૂત પર હુમલો કર્યો.
-
સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મૃતકની ઓળખ 22 વર્ષીય આલોક રાજપુત તરીકે થઈ. આલોક મૂળ બિહારના રહેવાસી, સુરતમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા. રાત્રે આશરે 11:30 વાગ્યે રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યા. પરિવારના જણાવ્યા મુજબ કોઈ પ્રકારનું ટેન્શન કે વિવાદ નહોતો. ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પાંડેસરા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી.
-
તલાલામાં કેસર કેરીનુ વિક્રમી વેચાણ, છેલ્લા 55 દિવસમાં 9.12 લાખ બોક્સમાં રૂ 200 કરોડની કેરીની થઈ હરાજી
ગીર સોમનાથ તલાલામાં કેસર કેરીએ રેકોર્ડ તોડ્યા. આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયા 200 કરોડની કેરીની હરાજી થઈ છે. છેલ્લા 55 દિવસ માં 9.12 લાખ બોક્સની થઈ આવક. હજુ 10 દિવસ સુધી સીઝન ચાલે તેવી શક્યતા છે. ગત વર્ષ 44 દિવસની સીઝનમાં 4.49 લાખ બોક્સની આવક થઈ હતી. વર્તમાન વર્ષે, માત્ર 55 દિવસમાં 9 લાખથી વધુ બોક્સની આવક થઈ છે.
-
મહેસાણાની નદીમાં બે કંપનીએ છોડ્યુ કેમિકલયુક્ત પાણી, માછલીઓનાં થયા મોત !
મહેસાણાની નદીમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતાં માછલીઓનાં મોત થયા છે. કરસનપુરાથી બહુચરાજીના સુજાણપુરા સુધી પહોંચ્યું કાળા પાણીનું વહેણ. નદીમાં કાળું પાણી અને અસહ્ય દુર્ગંધ ફેલાતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતા. મોઢેરા પંથકના બે ખેડૂત યુવાનોએ 25 કિલોમીટર તપાસ કરી પ્રદૂષણનું મૂળ શોધ્યું. બે કંપનીઓના નાળામાંથી કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો દાવો. પ્રદૂષણ મામલે દેલવાડા (ખાંટ) ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારીને કરી લેખિત રજૂઆત. પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ તપાસ કરી કંપનીઓ સામે પગલાં લેવાની અપાઈ ખાતરી. ,
-
આસામના જોરહાટમાં ઈન્ડિયન એરફોર્સનું વિમાન ક્રેશ
આસામના જોરહાટમાં ભારતીય વાયુસેનાનું AN-32 પરિવહન વિમાન તુટી પડ્યું હતું, આસામના જોરહાટ વાયુસેના એરપોર્ટ પર આ કાર્ગો વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે.
An AN-32 transport aircraft of the Indian Air Force has met with an accident at the Jorgat Air Force station in Assam. More details are awaited: Indian Air Force pic.twitter.com/XdybiLdljq
— ANI (@ANI) June 13, 2026
-
દિલ્હીવાસીઓ પર ભાજપ સરકારે લાદયો બોજો, વીજળી કરી મોંધી
દિલ્હીમાં જૂન 2026થી વીજળીના દરમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. નવા દરમાં 1થી 3.30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો મુખ્યત્વે એવા ગ્રાહકોને અસર કરશે જેઓ દર મહિને 500 યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ કરે છે. આવા ગ્રાહકોના જૂન મહિનાના વીજળી બિલમાં વધારો જોવા મળી શકે છે. જોકે, 0 થી 200 યુનિટ અને 200થી 400 યુનિટ રેન્જમાં વપરાશ ધરાવતા ગ્રાહકોને હાલ પૂરતી વીજદર વધારાની કોઈ અસર થશે નહીં.
-
સુરતના નાસીર નગર ડીમોલેશન મામલે મોટો ખુલાસો, લાગતા વળગતાના મેળાપીપણાથી કરાઈ હતી તોડફોડ
સુરત નાસીર નગર ડીમોલેશન વિવાદ મામલે નવો વળાંક સામે આવ્યો છે. તેજુ રાજપુત સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર છે. શ્રીરામ એજન્સીનો માલિક છે તેજુ રાજપુત. મોટો ખુલાસો થયો કે બધાની મીલીભગતથી આ ડીમોલેશન થયું. SMC અધિકારી સુજલ પ્રજાપતિ અને તેજુ રાજપૂત જગ્યા પર ભેગા હતા. તેજુ રાજપૂતે મોસીન ફ્રુટવાળા પાસે મંગાવ્યું હતું જેસીબી. આ આખા મામલામાં સૌથી મોટો રોલ ભજવ્યો હોય તો તે છે સુજલ પ્રજાપતિ. SMC ની તપાસ કમિટી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ચાર દિવસ વીતી ગયા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી સામે નથી આવી રહી.
-
રાજકોટના સાંઢિયા બ્રિજનુ આજે સત્તાવાર લોકાર્પણ, ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ
રાજકોટના શહેરીજનોને મળશે નવા બ્રિજની ભેટ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંઢિયા પુલનું લોકાર્પણ કરશે. લોકાર્પણ થતાની સાથે જ હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ. દરરોજ આશરે 70 હજાર થી 1 લાખ જેટલા વાહન આ બ્રિજ પરથી થાય છે પસાર. કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલનું નવ નિર્માણ. છેલ્લાં 2 વર્ષ જેટલા સમયથી સાંઢિયા પુલનું ચાલતુ હતું કામ. 15 માર્ચ 2024ના દિવસે બ્રિજનું નિર્માણ કરાયુ હતુ શરુ.
-
Flipkart ના વેર હાઉસમાં બેઠેલા શખ્સો અસલી પ્રોડક્ટ કાઢીને ગ્રાહકને ડુપ્લીકેટ વસ્તુ આપતા, 5 સામે ગુનો દાખલ
Flipkart પર ઓનલાઇન ઓર્ડર કરી પ્રોડક્ટ મંગાવતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લામાં કામરેજમાં બ્રાન્ડેડ અને ઓરિજનલ પ્રોડક્ટના નામે નકલી સામાન પધરાવવાનું મોટું નેટવર્ક પકડાયું છે. કામરેજ ખાતે Flipkart ના વેર હાઉસમાં બેઠેલા શખ્સો અસલી પ્રોડક્ટ કાઢી લેતા અને પેકિંગમાં ડુપ્લીકેટ વસ્તુ ભરીને ગ્રાહકોના ઘરે મોકલી આપતા હતા. એક ગ્રાહકે એપલ કંપનીનું ડુપ્લીકેટ લેપટોપ રીટર્ન કરતા Flipkart ના ટીમ લીડરના ધ્યાને આવતા તે કામરેજ ખાતે દોડી આવ્યા. વેર હાઉસના CCTV ચેક કરતા કોઈ ડેટા ના મળી આવ્યા. હાજર સ્ટાફની પૂછતાછ કરતા તેઓ સમગ્ર બાબતની અજાણ હોવાનું નાટક કર્યું. વેર હાઉસના રહેલ પ્રોડક્ટો ચેક કરતા 7 લેપટોપ, 9 મોબાઈલ, અને 105 પ્રોસેસર સહિત કુલ 170 એવી વસ્તુઓ છે જે ડુપ્લીકેટ નીકળી જેની કિંમત 82.73 લાખ થાય છે. આખરે સમગ્ર ઘટના ની જાણ કામરેજ પોલીસને કરાઈ. કામરેજ પોલીસે વેન્ડર, ડીલેવરી બોય સહિત કુલ પાંચ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
-
અમદાવાદના ઓઢવમાં જય કેમિકલ કંપની પાસે કચરાના ઢગલામા લાગી આગ, 1નુ મોત
અમદાવાદના ઓઢવમાં જય કેમિકલ કંપની પાસે કચરામાં લાગી આગ. ભીષણ આગની ઘટનામાં એકનું વ્યક્તિનું મૃત્યુ થયું છે. કચરાના ઢગલામાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે. આગ કાબૂમાં લીધા બાદ તપાસમાં વ્યક્તિનો મૃતદેહ મળ્યો. મૃતક વ્યક્તિનું નામ પ્રતાપ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોલીસે મકસ્માત મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ.
-
ઓમાનના અખાતમાં વધુ એક જહાજ પર હુમલો, 4 ભારતીયના મોતના અહેવાલ, સત્તાવાર પૃષ્ટિ નહીં
માર્શલ આઇલેન્ડ્સના ધ્વજવાળા જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ જહાજમાં ઘણા ભારતીય ક્રૂ સભ્યો છે. એક ક્રૂ મેમ્બરે દાવો કર્યો છે કે. જહાજ પર થયેલા હુમલામાં ચાર ભારતીયોના મોત થયા છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. લિયાકી ફ્રીડમ પર હુમલાનો અહેવાલ સાચો સાબિત થાય છે, તો તે એક જ અઠવાડિયામાં આવી ચોથી ઘટના હશે.લિયાકી ફ્રીડમ એક તેલ ટેન્કર છે જે આજે સવારે ઓમાનના દરિયાકાંઠે શિનાસ બંદર પર પહોંચ્યું હતું.
-
વડોદરાના ગોત્રી વિસ્તારમાં MGVCLની વીજ ડીપી અચાનક રોડ પર ધરાશાયી, 2 ઈજાગ્રસ્ત
વડોદરાના ગોત્રી વિસ્તારમાં MGVCLની વીજ ડીપી અચાનક રોડ પર ધરાશાયી થતા 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ગોત્રી પોલીસ સ્ટેશનથી બનસલ મોલ તરફના માર્ગ પર સર્જાઈ ઘટના. લાભ આઈકોન બિલ્ડિંગ સામે ભારે વીજ ડીપી પડતા અફરાતફરીનો માહોલ. રસ્તેથી પસાર થઈ રહેલા બે લોકો ડીપીની ઝપેટમાં આવી ઈજાગ્રસ્ત. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ સ્થળે પહોંચી. વીજ ડીપી રોડ પર પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાયો. માર્ગ પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામ સર્જાયો. MGVCL અને પોલીસ દ્વારા ડીપી હટાવી સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી શરૂ.
-
શાંતિ મંત્રણા બાદના તબક્કામાં અમેરિકા સાથે પરમાણુ અંગે વાટોઘાટો કરાશેઃ ઈરાન
રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ શુક્રવારે જણાવ્યું હતું કે, અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ફક્ત પછીના તબક્કામાં જ થશે અને પ્રસ્તાવિત વચગાળાના કરાર લાગુ ન થાય ત્યાં સુધી આગળ વધશે નહીં. સરકારી ટેલિવિઝન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અબ્બાસ અરાઘચીએ નોંધ્યું હતું કે વચગાળાના કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને અનેક મોરચે સંઘર્ષોનો અંત લાવવાનો સમાવેશ થશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, હજુ સુધી કોઈ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી અને શરતો હજુ પણ બદલાઈ શકે છે. અરાઘચીએ જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટનું સંચાલન યુદ્ધ પહેલાની સ્થિતિ પર પાછું નહીં ફરે. ઈરાન અને ઓમાન સ્ટ્રેટ પર અધિકારો ધરાવે છે, અને ઈરાન તેમાંથી જહાજોના સુરક્ષિત માર્ગની ખાતરી કરશે.
Published On - Jun 13,2026 7:10 AM
