આજે 12 ફેબુઆરી બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરત સરથાણાના મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ એક કાર્યક્રમમાં આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. મહિલા PSIએ પાટીદાર યુવાનોમાં વધતા વ્યસન અને ગુનાખોરી મુદ્દે વ્યથા વ્યક્ત કરી હતી. મહિલા PSIએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે, સુરતમાં પાટીદાર સમાજનાં યુવકોમાં દારૂનું વ્યસન વ્યાપી રહ્યું છે.
દારૂના વ્યસનની સાથે સાથે સાયબર ફ્રોડનાં ગુનામાં પણ 50ટકા કેસમાં પાટીદાર યુવાનો આરોપી હોય છે તેવું પણ મહિલા PSIએ જણાવ્યું હતું. જે પાટીદાર સમાજનાં યુવકોનાં આવા કૃત્ય સમાજ માટે નામોશી નોતરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનાં ચકડોળે ચઢ્યો છે. કેટલાક લોકો મહિલા PSIની ટિપ્પણીને સુરતના અમુક વિસ્તાર પુરતી સિમિત ગણાવી રહ્યા છે તો કેટલાક સમાજ માટે ચેતવણીરૂપ ગણાવી રહ્યા છે.
સુરતનાં સરથાણાનાં મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ એક કાર્યક્રમમાં આપેલા નિવેદન સામે પાટીદાર સમાજના અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પાટીદાર સમાજના યુવાનોમાં દારૂનાં વ્યસન અંગે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ કહ્યું કે, સમાજને આ બાબતે મંથન કરવુ જોઇએ. પરંતુ જો પોલીસ અધિકારી જ વાત સ્વીકારે છે તેનો અર્થ એ છે કે દારૂબંધીનો કડકાઇથી અમલ નથી થઇ રહ્યો.
અમદાવાદ શહેર કાગડાપીઠ વિસ્તારનાં મજુર ગામમાં ડુંગર મોતીની ચાલી સામે જાહેર રોડ ઉપર લગ્ન પ્રસંગ હતો. જેમાં મોડી રાત્રે ખુની ખેલ ખેલાયો. ઢોલ વગાડનાર યુવક મહેન્દ્ર ઉર્ફે કરણ સોલંકીનો હાથ નાચી રહેલા કેટલાક શખ્સને અડી જતા બબાલ થઇ. ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધું સિંધવ, જયેશ ઉર્ફે જગો રાઠોડ અને જીગ્નેશ ઉર્ફે જીગો સિંધવ નામના શખ્સોએ છરીના ઘા મારી યુવકનું ઢીમ ઢાળી નાખ્યું…યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. તમામ ચારેય આરોપી ફરાર થઇ ગયા પણ પોલીસે તેમને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપી અને મૃતકના નામે અગાઉ ગુના નોંધાયેલા છે..
સુરતમાં રિલના ચક્કરમાં જોખમી સ્ટંટ કરનાર યુવકને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. ઓલપાડના કીમ ગામે ઓવરબ્રિજ પર છૂટ્ટા હાથે બાઇક ચલાવીને જોખમી સ્ટંટ કર્યો હતો. યુવકે છૂટા હાથે બાઇક ચલાવીને પોતાનો અને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મુક્યો હતો. ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસે યુવક સામે કાર્યવાહી કરી. જોખમી સ્ટંટ કરનાર યુવક સામે કાયદાનો કોરડો વિંઝાતા યુવકે બે હાથ જોડીને માફી માગી હતી અને ભવિષ્યમાં આવા જોખમી સ્ટંટ ન કરવા ખાતરી આપી હતી.
અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી પુનઃ શરૂ કરવા માગ ઊઠી છે. હરણી ઘટના બાદ બંધ કરાયેલી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા કોન્ટ્રાક્ટરો માગણી કરી રહ્યા છે સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકોનો દાવો છે કે સરકારની નવી ગાઇડલાઈન મુજબ તમામ તૈયારીઓ હોવા છતાં હજુ ફરીથી સ્પોર્ટ્સ એક્ટિવિટીને મંજૂરી નથી મળી. એક્ટિવિટી બંધ થતાં મોંઘી બોટ ધૂળ ખાઈ રહી હોવાનો સંચાલકોનો દાવો.
મહેસાણાના ઝુલાસણમાં અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું. ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું..શાળાના લોકાર્પણ બાદ CM ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોને સંબોધન પણ કર્યું હતું. જે દરમિયાન CMએ કહ્યું ઝુલાસણ ગામમાં 5 હજાર લોકોની વસ્તી છે. જેમાંથી 2 હજાર લોકો તો અમેરિકા રહે છે.. ગામમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તમામ મદદ આપવાની સરકારની તૈયારી છે.. સાથે જ ગામના વધુમાં વધુ બાળકો શાળામાં શિક્ષણ મેળવવા આવે તેવી મુખ્યપ્રધાને અપીલ કરતા કહ્યું. શાળામાં બાળકો આવશે તો શાળા બનાવીશું ને. વધુમાં તેઓએ કહ્યું કે ગામની દીકરીઓ અને બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે વિકાસના કામો કરવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહેશે.
ગાંધીનગર RTO નજીક કારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. SOGએ બાતમીના આધારે તપાસ કરતા કારમાંથી ગાંજો ઝડપાયો. ગાંજા, કાર સહિત કુલ 5 લાખ 13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો તે અંગે તપાસ હતો.
અમદાવાદઃ ગેરકાયદે વસવાટ કરતા 15 બાંગ્લાદેશીઓને ડિપાર્ટ કરાયા છે. ત્યાર સુધીમાં ગેરકાયદેસર વસતા 50 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ 35 ને આવનારા સમયમાં ડિપોટ કરવામાં આવશે. બાંગ્લાદેશ દ્વારા પણ પોતાના નાગરિકો હોવાનું સ્વીકાર્યુ.
આજે માઘ માસની પૂર્ણિમાની તિથિ છે. અને સાથે જ મહાકુંભમાં મહાસ્નાનનો પાંચમો અવસર છે. ત્યારે આજે વહેલી સવારથી જ મહાકુંભમાં ભાવિક ભક્તોનો ધસારો જોવા મળ્યો. વહેલી સવારે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમે પહોંચ્યા હતા. અને તેમાં આસ્થાની ડૂબકી લગાવી. મા ગંગાની આરાધના કરી હતી.
વડાપ્રધાન મોદી આજે અમેરિકાની મુલાકાતે. ફ્રાન્સની મુલાકાત બાદ અમેરિકાની યાત્રા પર PM મોદી. ડોનાલ્ડ ટ્રમ્પના બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ મુલાકાત હશે. બન્ને દેશોના સંબંધો મજબૂત બનાવવા પ્રયાસ થશે. વેપાર ક્ષેત્ર, AI ટેક્નોલોજી, રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધશે. ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવા અંગે પણ ચર્ચા થઈ શકે.
મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અક્સ્માત સર્જાયો છે. બસ પલટી મારી જતાં 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં 40થી વધુ લોકો મુસાફરો સવાર હતા.મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શને જતા સમયે અક્સ્માત સર્જાયો. તમામ ઈજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માત સર્જાયા બાદ બસનો ડ્રાઈવર નાસી છૂટ્યો. અન્ય મુસાફરોને બીજા વાહન મારફતે રવાના કરાયા.
ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. દર્શ હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓેને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. બે દિવસ પહેલા ચાઇનીઝ ફૂડ ખાધા બાદ તબિયત બગડી હતી.
પેટમાં દુખાવો થતાં વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. દવા લીધા બાદ વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી શરૂ થયા હતા.આરોગ્ય વિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદથી દિલ્લી જતી એર અકાસાની ફ્લાઇટ રદ થતા બબાલ થઇ. ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરો વિફર્યા. પરેશાન મુસાફરોએ ફ્લાઇટના કર્મચારીઓ પર રોષ ઠાલવ્યો.
Published On - 7:30 am, Wed, 12 February 25