10 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથદાદાને ઝૂકાવ્યું શીશ, રોડ શોમાં ઉમટી જંગી જનમેદની, 3 હજાર ડ્રોન થકી રજૂ કરાઇ સોમનાથની અદભૂત મહાગાથા
આજે 10 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 10 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડાપ્રાન મોદી થયા શિવમય, ઓમકારના નાદથી ગૂંજ્યુ મંદિર પરિસર
VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટથી બેઠક પૂર્ણ થાય બાદ પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. દિગ્વિજય દ્વાર પાસે સાધુ સંતોનું અભિવાદન ઝીલીને વડાપ્રધાને સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આ વખતે સમગ્ર સોમનાથ મંદિર પરિસર ‘મોદી મોદી’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું. વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને આગેવાનો જોડાયા.
સોમનાથદાદાના દર્શન કર્યા બાદ પીએમ મોદી 72 કલાકના અનુષ્ઠાન જાપમાં જોડાયા. ઓમકારના નાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. જે બાદ સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો યોજાયો. 3 હજાર ડ્રોન થકી સોમનાથની ભવ્ય મહાગાથા અદભૂત રીતે રજૂ કરવામાં આવી. ડ્રોન શોમાં વીર હમીરજીની ઝાંખી તેમજ આકાશમાં નવગ્રહોની કૃતિનો અલૌકિક નજારો જોવા મળ્યો.
-
ગીર સોમનાથ: સોમનાથમાં આવતીકાલે યોજાશે સ્વાભિમાન યાત્રા
ગીર સોમનાથ: સોમનાથમાં આવતીકાલે યોજાશે સ્વાભિમાન યાત્રા. યાત્રામાં 108 અશ્વ સાથે પોલીસ જવાનો પણ જોડાશે. સાંસ્કૃતિક વેશભૂષા સાથે પોલીસ ઘોડે સવારો અશ્વ યાત્રામાં જોવા મળશે. પ્રથમ વાર 108 અશ્વ સાથે સોમનાથમાં ભવ્ય અશ્વ યાત્રા યોજાશે. સ્વાભિમાન પર્વને લઈને સ્વાભિમાન યાત્રાનું ભવ્ય આયોજન કરાયુ છે.
-
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. સોમનાથમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો યોજાયો. PM મોદીના સ્વાગત માટે હજારોની જનમેદની ઉમટી હતી. PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. આવતીકાલે PM મોદી સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા કરશે. સોમનાથ મંદિરમાં દર્શન બાદ શૌર્ય યાત્રામાં PM મોદી ભાગ લેશે. સોમનાથમાં 1 કિમી શૌર્ય પર્વ યાત્રા નીકળશે.
-
રાજકોટના હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી “સોમનાથ સ્વાભિમાન પર્વ”માં સહભાગી થશે. અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે. ત્યારપછી, રાત્રે લગભગ 8 વાગ્યે, વડાપ્રધાન મોદી ‘ઓમકાર મંત્ર જાપ’માં ભાગ લેશે અને સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શો પણ નિહાળશે. આ ડ્રોન શો માં 3 હજાર ડ્રોનથી મહાદેવની ગાથા દર્શાવવામાં આવી છે. આવતીકાલે એટલે કે 11 જાન્યુઆરીના રોજ સવારે પીએમ મોદી ઐતિહાસિક શૌર્ય યાત્રામાં ભાગ લેશે. સાથે જ સોમનાથદાદાની પૂજા અને દર્શન કરશે. ત્યાર બાદ પીએમ મોદી જાહેર સભાને સંબોધિત કરશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ રાજકોટ આવશે.. જ્યાં પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટનું ઉદ્ઘાટન કરાવશે.
-
કથાકાર મોરારી બાપુનું સોમનાથ મંદિર પર નિવેદન
કથાકાર મોરારી બાપુએ સોમનાથ મંદિર પર જણાવ્યુ કે સોમનાથ અખંડ અને શાસ્વત આસ્થાનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ મંદિર પરના લેખનું અવલોકન કર્યુ છે. 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિરને તોડવામાં આવ્યુ. ત્યારે મૂરત તોડી ગઈ, સુરત કોઈ નહીં તોડ પાયા. સુરત તો શાસ્વત રહેતી હે, તેવુ બાપુએ જણાવ્યુ. વધુમાં તેમણે ઉમેર્યુ કે મૂર્તિ તોડી પરંતુ સોમનાથની આસ્થાને તોડી શકાઈ નહીં. સોમનાથ પર હુમલાના 1000 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રના દરેક નાગરિકોએ આ ઘટનાથી અવગત થવુ જોઈએ. આજે સોમનાથમાં સ્વાભિમાન પર્વ અને શૌર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનો દરેક નાગરિકે આ અવસરને ઓળખવો જોઈએ. ભગવાન શિવ વિશ્વના કલ્યાણ માટે કલ્યાણકારી છે. વડાપ્રધાનના માર્ગદર્શ સાથે સર્વ સાધુઓ સૂર પૂરાવે છે.
-
-
અમદાવાદમાં GAPM 2026ની કોન્ફરન્સનું આયોજન
અમદાવાદમાં GAPM 2026ની કોન્ફરન્સનું આયોજન કરાયુ. કોન્ફરન્સમાં AI ટેકનોલોજીનો વધુ ઉપયોગ થાય તે અંગે ચર્ચા હાથ ધરાઈ. અદ્યતન ટેકનોલોજી અંગે માહિતીનું અદાન પ્રદાન કરાયું. GAPM 2026ની કોન્ફરન્સમાં GAPM પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો થયો. રાજ્યમાં 12 હજાર ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો આક્ષેપ કરાયો. રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો દાવો કરાયો છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય જણાઈ રહ્યુ છે. સરકાર પાસે ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટની કડક અમલવારીની માગ કરાઈ છે.
ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા યોજવામાં આવેલી આ કોન્ફરન્સમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. GAPM પ્રેસિડેન્ટનો દાવો છે કે રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમી રહી છે. જેથી સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટની કડક અમલવારીની કરવી જોઈએ. જેથી દર્દીઓના આરોગ્ય સાથે થતા ચેડાં રોકી શકાય.
-
રાજ્યમાં પતંગબાજો માટે સારા સમાચાર, અંબાલાલની મોટી આગાહી
રાજ્યમાં પતંગબાજો માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણમાં પવન સાનુકૂળ રહેવાની અંબાલાલે આગાહી કરી છે. 10 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સવારે પવનની ગતિ 6થી 7 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી છે. બપોર બાદ પવનની ગતિમાં વધઘટ થવાની શક્યતા છે. 15 જાન્યુઆરીએ પવનની ગતિ વધઘટ જોવા મળશે. ભારે પવનના કારણે પતંગબાજોને ભરપૂર ઢીલ છોડવાનો વારો આવશે.
-
સોમનાથમાં PMના આગમન પહેલા ડ્રોન દ્વારા કરાયુ રિહર્સલ
સોમનાથમાં થોડી જ વારમાં પીએમ મોદી પહોંચવાના છે એ પહેલા સોમનાથના દરિયાકિનારે ડ્રોનનું રિહર્સલ કરવામાં આવ્યુ. સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત 3 હજાર ડ્રોન દ્વારા મોડી રાત્રે આકાશમાં ઈતિહાસનું ચિત્રાંકન કરાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ‘સોમનાથ ગાથા’ વિષયક 3000 થી વધુ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો રજૂ થશે. જેમા સોમનાથનો પ્રાચીન ઈતિહાસ, આક્રમણ સામેનો સંઘર્ષ, પુનર્જાગરણ અને રાષ્ટ્ર ગૌરવ આકાશમાં જીવંત દૃશ્યરૂપે દેખાશે. જેના ભાગ રૂપે રિહર્સલ કરવામાં આવ્યુ.
-
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાસર ઍરપોર્ટથી સીધા સોમનાથ જવા રવાના
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાસર ઍરપોર્ટ હેલિકોપ્ટર મારફતે સીધા સોમનાથ જવા રવાના થયા છે. ઍરપોર્ટ પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને મેયર નયનાબેન પેઠડિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. માત્ર 5 મિનિટના રોકાણ બાદ વડાપ્રધાન સોમનાથ જવા રવાના થયા છે. આવતીકાલે વાઈબ્રન્ટ સમિટના ઉદ્દઘાટનને લઈને વડાપ્રધાન રાજકોટ પરત આવશે.
-
અંબાજીમાં 51 શક્તિપીઢના પરિક્રમા મહોત્સવની તડામાર તૈયારી
અંબાજીમાં ગબ્બરની ફરતે આવેલી 51 શક્તિપીઢના પરિક્રમા મહોત્સવની તડામાર તૈયારી. માઈ ભક્તોને મહોત્સવનું નિમંત્રણ આપવા શહેર શહેર ફરશે રથ. શક્તિપીઠ અંબાજીમાં ગબ્બરમાં આવેલા 51 શક્તિપીઠ મંદિરોનો પરિક્રમા મહોત્સવ આગામી 30 , 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ઉજવાશે. જેને લઇ ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ તો મહોત્સવમાં માઈ ભક્તોને નિમંત્રણ આપવા એક અંબિકા રથનું આયોજન કરવામાં આવ્યું છે. જે રથ ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ ગામેગામ ફરશે. જેનું શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા-આરતી કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. હવે હજારોની સંખ્યામાં ભક્તો આ 51 શક્તિપીઠના દર્શન કરી પોતે ધન્યતા અનુભવશે.
-
અયોધ્યાઃ રામ મંદિર પરિસરમાં યુવકે કર્યો નમાઝ પઢવાનો પ્રયાસ
અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં યુવકે નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો. શ્રદ્ધાળુઓએ યુવકને પકડીને સુરક્ષાકર્મીને હવાલે કર્યો. કાશ્મીરી યુવકની અટકાયત બાદ પૂછપરછ કરાઈ હતી. યુવક કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે.
-
અમદાવાદની ત્રણ ખાનગી સ્કૂલની વધારાની ફી રિવિઝન કમિટીએ ફગાવી
અમદાવાદની ત્રણ ખાનગી સ્કૂલોની ફી વધારાની અરજી રિવિઝન કમિટીએ ફગાવી દીધી છે. અને હવે આ શાળાઓએ ઉઘરાવેલી વધારાની ફી વાલીઓને પરત આપવી પડશે. આ ત્રણ શાળાઓમાં નારાયણપુરામાં આવેલ તપોવન સ્કૂલ, ગોધાવીમાં આવેલ ઝાડયડસ સ્કૂલ તેમજ ચાંદલોડિયાની સાકાર સ્કૂલનો સમાવેશ થઈ રહ્યો છે. વાત કરીએ તપોવન સ્કૂલની તો FRCએ 34 હજાર 500 થી 46 હજારની ફી નક્કી કરી હતી. સાકાર સ્કૂલની ફી 30 હજાર 800 થી 46 હજાર 800 નક્કી કરાઈ હતી. જ્યારે ગોધાવી ઝાયડસની ફી 59 હજાર 800 થી 77 હજાર 175 નક્કી થઈ હતી. માંગ્યા મુજબની ફી ન મળતા શાળાઓ રિવિઝન કમિટીમાં ગઈ હતી. પરંતુ, સુનાવણી અને ડૉક્યુમેન્ટ ચકાસણી બાદ રિવિઝન કમિટીએ શાળાઓની અરજી ફગાવી દીધી છે. પરંતુ, શાળાઓએ અગાઉથી જ વધુ ફી ઉઘરાવ્યાનું સામે આવ્યું છે. ત્યારે હવે શાળાઓએ આ ફી પરત અથવા તો મજરે આપવી પડશે.
-
પંજાબથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો કારસો, અમરીકસિંગ સોનુ નામના ડ્રગ પેડલરની ધરપકડ
પંજાબથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો કારસો બહાર આવ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન પર SMC દ્વારા કરાયેલા ઓપરેશન દરમિયાન અમરીકસિંગ સોનુ નામના ડ્રગ પેડલરની ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને જોઈ આરોપી ભાગવાનો પ્રયાસ કરતાં તેના પગમાં ઈજા પહોંચી હતી. તેની પાસેથી અંદાજે 47.98 લાખ રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપવામાં આવ્યું છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે જપ્ત કરાયેલું હેરોઇન પંજાબથી લવાયું હતું. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
-
ઓડિશાના રાઉરકેલામાં વિમાન દુર્ઘટના, 9 લોકો સવાર હતા
ઓડિશાના રાઉરકેલા હવાઈ પટ્ટીથી આશરે નવ કિલોમીટર દૂર એક નાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી જણાતા લેન્ડિંગ થયું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે, પરંતુ પાઇલટને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
-
અમદાવાદની ત્રણ ખાનગી શાળાનો ફી વધારો નામંજૂર
અમદાવાદની ત્રણ ખાનગી સ્કૂલોની ફી વધારાની અરજી રિવિઝન કમિટીએ ફગાવી દીધી છે. અને હવે આ શાળાઓએ ઉઘરાવેલી વધારાની ફી વાલીઓને પરત આપવી પડશે.આ ત્રણ શાળાઓમાં નારાયણપુરામાં આવેલ તપોવન સ્કૂલ, ગોધાવીમાં આવેલ ઝાડયડસ સ્કૂલ તેમજ ચાંદલોડિયાની સાકાર સ્કૂલનો સમાવેશ થઈ રહ્યો છે.
-
વડોદરા: એક સપ્તાહમાં 40થી વધુ યુવાનો ફ્રોડનો શિકાર બન્યા
વડોદરા: એક સપ્તાહમાં 40થી વધુ યુવાનો ફ્રોડનો શિકાર બન્યા છે. APK ફાઈલ ડાઉલોડ કરતાં જ બેન્ક એકાઉન્ટ ખાલી થયું. સાયબર વિભાગે ફ્રોડના આંકડા જાહેર કરી સતર્ક રહેવાની અપીલ કરી. યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ સમજીને કરે તેવું સૂચન કર્યુ. નોકરી, રોકાણ, આમંત્રણ સહિતની અજાણી લીંકથી સતર્ક રહેવાની અપીલ કરી.
-
સુરેન્દ્રનગર: ચોટીલામાં કરોડોના દારૂનો કરાયો નાશ
સુરેન્દ્રનગર: ચોટીલામાં કરોડોના દારૂનો નાશ કરાયો. ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશન હેઠળ દારૂ ઝડપાયો હતો. બંને પોલીસ સ્ટેશને જપ્ત કરેલા 4.10 કરોડના દારૂનો નાશ કરાયો. વિદેશ દારુ અને બિયરની 53 હજારથી વધુની બોટલો પર રોલર ફેરવાયું. ચોટીલા પ્રાંત અધિકારીની ટીમની હાજરીમાં કાર્યવાહી કરાઈ.
-
સુરતઃ લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવવા મામલે લેબ સંચાલક ઈશાની પૂછપરછ
સુરત પોલીસે લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવવાના કેસમાં લેબ સંચાલકની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવી શરૂ કરી છે. SOG દ્વારા લેબ સંચાલક ઈશાનીને પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ડ્રગ્સ કેસમાં લેબ સંચાલક પર પણ અનેક સવાલો ઉઠતા તપાસને વધુ ઊંડાઈથી આગળ વધારવામાં આવી રહી છે.
-
સુરત: મોટા વરાછા વિસ્તારમાં ચકચારી હત્યાનો બનાવ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી અને મૃતક વચ્ચે એક નાની બાબતને લઈને ઝઘડો થયો હતો. સમાધાન દરમિયાન બંને વચ્ચે ફરીવાર ઝઘડો થયો અને મારામારી થઈ, જેના દરમિયાન આરોપી સાળા અને બનેવીએ યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે આરોપી સાળા અને બનેવીની ધરપકડ કરી ઘટના અંગે તપાસ શરૂ કરી છે.
-
સુરતઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
સુરતઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. તાપી નદીના તટે અડાજણ રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. 25 જેટલા દેશોના પતંગબાજો સુરતના મહેમાન બન્યા. 25 દેશના 94 પતંગબાજોએ ભાગ લીધો. કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબના પતંગબાજોએ જમાવી રંગત. બહેરીન,કોલંબિયા,ફ્રાન્સ,જર્મનીન્યૂઝીલેન્ડ,પોલેન્ડ સહિત 25 જેટલા વિદેશોના પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું.
-
વાવ થરાદ: ધોળે દિવસે યુવતીનાં અપહરણનો વીડિયો આવ્યો સામે
વાવ થરાદ: ધોળે દિવસે યુવતીનાં અપહરણનો વીડિયો સામે આવ્યો છે. ઘરમાંથી યુવતીનાં અપહરણનો વીડિયો વાયરલ થયો છે. ધારિયા, લાકડી અને ધોકા સહિતનાં હથિયારો સાથે ઘરમાં ઘુસતા લોકો જોવા મળે છે. દરવાજો તોડીને યુવતીનું અપહરણ કર્યુ. મૈત્રી કરાર હેઠળ રહેતી યુવતીનું અપહરણ કરાયાની આશંકા છે. વાયરલ વીડિયો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
-
દેવભૂમિ દ્વારકા: દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા
દેવભૂમિ દ્વારકા: દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા. દ્વારકાના મકનપુર ગામે દરિયાકાંઠે ન્હાવા પડ્યા હતા. 3 યુવાનોનો આબાદ બચાવ થયો છે. ચોથા યુવકની શોધખોળ ચાલુ છે. ફાયર વિભાગની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી છે. યુવકો રાજસ્થાનથી દ્વારકા ફરવા માટે આવ્યા હતા.
-
દ્વારકા: ભાણવડ નજીક કારમાં અચાનક લાગી આગ
દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પેટ્રોલ પંપના નજીક જ આગ લાગતાં આસપાસ નાસભાગ મચી ગઈ હતી. કારમાં સવાર મુસાફરોએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક કારની બહાર કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો હતો. હાઈવે પર આગ લાગવાના કારણે કેટલાક સમય માટે વાહનવ્યવહાર અટકી ગયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુસાફરોની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
-
મોરબીઃ હળવદમાં ગૌશાળા નજીક મોડી રાત્રે ફાયરિંગ
મોરબીના હળવદમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. હળવદમાં સરકારી આવાસ પાસે આવેલી ગૌશાળા નજીક અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ ખંડણીની ફરિયાદના વેરને રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે..થોડા દિવસો પહેલા બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ધાંગધ્રાના બે ઈસમો એ ટ્રાન્સપોર્ટર પાસે 5 લાખની ખંડણી માગી હતી..જેની ફરિયાદ બાદ આરોપીએ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે
-
સુરતઃ સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયબર ફ્રોડ કરતી ટોળકીનો પર્દાફાશ કરીને 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ તામિલનાડુના કોઇમ્બતુરમાં રહેતા એક સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરીને ₹16.49 લાખની ઠગાઈ કરી હતી, જે બાબતે ત્યાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ બાદ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે તમિલનાડુ પોલીસને સોંપ્યા છે.
-
મુંબઈ: રેફ્રિજરેટર વિસ્ફોટ, 3 લોકોના મોત
મુંબઈના ગોરેગાંવ પશ્ચિમના ભગતસિંહ નગરમાં રેફ્રિજરેટર વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના સમયે એક જ ઘરમાં ત્રણ લોકો સૂતા હતા અને તેઓ બળીને ખાખ થઈ ગયા હતા.
-
અમદાવાદઃ રાહદારી મહિલા પાસેથી સોનાના દાગીનાની લૂંટનો કેસ
અમદાવાદઃ રાહદારી મહિલા પાસેથી સોનાના દાગીનાની લૂંટના કેસમાં lCBની ટીમે આરોપીની ધરપકડ કરી. મહિલા પાસે એક રૂપિયો લઈને 100 રૂપિયા આપી હિપ્નોટાઈઝ કરી હતી. આરોપી પાસેથી સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા. આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે.
-
રાજકોટઃ ગોંડલનો સ્ટેશન ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો
રાજકોટઃ ગોંડલનો સ્ટેશન ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો. ભુણાવા ટોલનાકા નજીક 50 હજારની લાંચ લેતા ઝડપાયો. લાંચિયો કર્મચારી ACBના સકંજામાં આવ્યો. પેટ્રોલ પંપની ફાયર NOC મંજૂર કરવા લાંચ માગી હતી.
-
ભાવનગરઃ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓને ત્યાં પોલીસનો સપાટો
ભાવનગરઃ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓને ત્યાં પોલીસનો સપાટો. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા. કુંભારવાડા વિસ્તારમાં ચાઈનીઝ દોરી વેચતા બે આરોપી સકંજામાં આવ્યા છે. આરોપીઓ અગાઉ પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હતા. બોરતળાવ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. કેટલા લોકો સુધી ચાઈનીઝ દોરી પહોંચાડવામાં આવી છે અને આરોપી ક્યાંથી ચાઈનીઝ દોરી લાવ્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
-
જમ્મુ: પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ડ્રોને સાંબામાં દારૂગોળો ફેંક્યો
જમ્મુના સાંબા સેક્ટરમાં સુરક્ષા દળોએ ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સુરક્ષા કર્મચારીઓને માહિતી મળી હતી કે પાકિસ્તાનથી આવેલા ડ્રોન દ્વારા સાંબાના ફ્લોરા ગામ નજીક શંકાસ્પદ સામગ્રી ફેંકવામાં આવી છે, જેના પછી ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તાર 125મી BSF બટાલિયનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જયપુર પહોંચશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જયપુર પહોંચશે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
-
મારા સિવાય બીજા કોઈને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવો જોઈએ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અત્યાર સુધી, મેં આઠ યુદ્ધોનો ઉકેલ લાવ્યો છે. તેમાંથી કેટલાક ફક્ત શરૂ થવાના હતા, જેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ, જ્યાં આઠ જેટ પહેલેથી જ તોડી પાડવામાં આવ્યા હતા. મેં તેમને પરમાણુ શસ્ત્રો વિના ખૂબ જ ઝડપથી સમાપ્ત કરી દીધા. મને નથી લાગતું કે ઇતિહાસમાં બીજું કોઈ નોબેલ શાંતિ પુરસ્કારને લાયક છે. બીજા કોઈએ યુદ્ધોનો ઉકેલ લાવ્યો નથી. રાષ્ટ્રપતિ પુતિને મને ફોન કર્યો અને બે યુદ્ધો વિશે કહ્યું જેને તેઓ 10 વર્ષથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન અહીં આવ્યા અને જાહેર નિવેદન આપ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાન અને ભારતના 10 મિલિયન લોકોના જીવ બચાવ્યા. તે યુદ્ધ ખૂબ જ ભયંકર બનવાનું હતું.”
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં PM મોદી ભાગ લેશે. પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથથી PM મોદીના પ્રવાસનો પ્રારંભ થશે. વડાપ્રધાન મોદી આજે સાંજે સોમનાથ પહોંચશે. સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં PM મોદી રહેશે ઉપસ્થિત. સોમનાથ મંદિરમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. 11 જાન્યુ.એ PM મોદી સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા કરશે. સોમનાથ મંદિરમાં દર્શન બાદ શૌર્ય યાત્રામાં PM મોદી ભાગ લેશે. રાજકોટમાં રિજનલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. 12 જાન્યુ.એ PM મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે. બન્ને દેશના નેતા રિવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કરાવશે શરૂઆત.
Published On - Jan 10,2026 7:17 AM