06 જુલાઈના મહત્વના સમાચાર : રાત્રીના 8 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના કામરેજમાં 6 ઈંચ
આજે 06 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 06 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં 3 યુવક ડ્રેનેજ લાઈનમાં પડ્યા
અમદાવાદના અસારવામાં 3 યુવક ડ્રેનેજ લાઈનમાં પડ્યા. અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સમયે દુર્ઘટના ઘટી હતી. કામ કરતાં સમયે 3 યુવક ડ્રેનેજમાં પડ્યાની પ્રાથમિક વિગત. મેયર હિતેશ બારોટ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા. ફાયર વિભાગ ધ્વારા હાલ 3 યુવકને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્રણેય યુવકનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
-
રાત્રીના 8 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના કામરેજમાં 6 ઈંચ
આજે સોમવારને 6 જુલાઈના રોજ, ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં, 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના પારડી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે દિવસ દરમિયાન સુરત, વલસાડ, પાટણ, મહિસાગર, તાપી, નવસારી, નર્મદા, અમરેલી, ભરૂચ, ડાંગ, વડોદરા, વાવ-થરાદ, છોટા ઉદેપુર, કચ્છ, સાબરકાંઠા, ભાવનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા, નર્મદા જિલ્લાના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
-
-
અમરેલીના લાઠી લીલીયામાં અનરાધાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
અમરેલીના લાઠી લીલીયામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ઢળતી સંધ્યાએ લીલીયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુંદરણ ગામમાં વરસાદી પાણી પ્લોટ વિસ્તારોમાં ઘૂસ્યા. બવાડા ગામમાં વરસાદી પાણી ઘૂસતાં નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. નાના કણકોટ ગામમાં સારો વરસાદ નોંધાયો છે. હરીપર ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી ગામ સોસરવા નીકળ્યા હતા. એકલેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
-
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ
મહેસાણા જિલ્લામાં સાંજે ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો. સુરાપુરા, ચંદ્રોડા, મંડાલી, સૂરજ સાપાવાડા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.
-
સુરતના રાંદેરમાં વીજળી પડતા 2 યુવાનોના મોત
સુરતના રાંદેર વિસ્તારમાં વીજળી પડતા બે યુવકોના મોત થયા છે. બને વ્યક્તિ રાંદેર કિનારા સ્ટ્રીટ વિસ્તારના રહેવાસી હતા. વીજળી પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બન્ને મૃત જાહેર કર્યા હતા.
-
-
સુરતમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ, મહિધરપુરામાં કમર સુધી ભરાયા પાણી, રેલવે સ્ટેશન પરિસર પાણીમાં ગરકાવ
સુરતમાં માત્ર બે કલાકમાં જ વરસેલા ચાર ઈંચ જેટલા અતિભારે વરસાદથી સમગ્ર સુરત શહેરમાં ચોમેર પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું. સુરત વેડ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા હતા. મહિધરપુરાના ગલે મંડી ચાર રસ્તા ખાતે ઘૂંટણથી કમર સુધીના ભરાયા પાણી. ગલે મંડી શેરી , મોટી શેરી , સહિત મુખ્ય રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. સુરત રેલવે સ્ટેશન પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
-
પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં તુટી પડ્યો વરસાદ
ગઈકાલ રવિવાર સાંજ બાદ, આજે સોમવારે ફરીથી પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ તુટી પડ્યો છે. અમદાવાદ શહેરના જોધપુર, સેટેલાઇટ, એસ જી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વેજલપુર, બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
-
અયોધ્યા રામ મંદિર દાન ચોરી અંગે, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા ટ્રસ્ટની બેઠકમાં સ્વીકારાયા
અયોધ્યાના રામ મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા અર્પણ કરવામા આવતા દાન દક્ષિણામાંથી રોકડા રુપિયાની ચોરી કરવામાં આવતી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, ભારે વિલંબ બાદ ચંપત રાય અને અનિલ મિશ્રાએ તેમના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા હતા. જો કે, આજે મળેલ રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં, મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે.
-
વાવ થરાદ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ
વાવ થરાદ જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે. લાખણી, રાહ, દિયોદર અને થરાદ તાલુકામાં મેઘમહેર થવા પામી છે. થરાદના નારોલી, પિલુડા અને માંગરોળમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. લાખણીના માણકી, કુડા, આગથળા અને ભાકડીયાલ સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. ભાકડીયાલ ગામમાં ભારે પવનથી લગ્નનો મંડપ ધરાશાયી થયો. દીયોદરમાં દિવસે પણ છવાયું અંધારું ભારે પવન સાથે ધૂળની ડમરીઓથી વરસાદ સાથે ફૂંકાયેલા તેજ પવનથી ગરમીમાંથી લોકોને રાહત. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ.
-
સાણંદ રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં 3-3 ફુટ ભરાયા વરસાદી પાણી
અમદાવાદના સાણંદ રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા. ગઈકાલે રાત્રે 10 વાગ્યા બાદ વરસાદ બંધ થયો પણ આજે પાણી ના ઓસર્યા. સોસાયટીના કે પી કોર્ટયાર્ડ અને કે પી વિલા ભાગમા 3 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. લોકોએ જાતે પાણી ઉલેચવા માટે મશીનરી કામે લગાડી છે. છેલ્લા પાંચ વર્ષથી સોસાયટીમાં પાણી ભરવાની સમસ્યા છે. AUDA એ પ્રાથમિક સુવિધા આપ્યા વિના જ પ્લાન પાસ કરી દીધા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. સોસાયટીના રહીશો આજે આખો દિવસ બહાર ના નીકળી શક્યા.
-
અમરનાથની યાત્રાએ ગયેલા જામનગરના પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત
અમરનાથની યાત્રાએ ગયેલા જામનગરના પ્રૌઢનું હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે. અમરનાથની પવિત્ર ગુફાથી માત્ર 3 કિમી દૂર લીધા અંતિમ શ્વાસ. જામનગરથી અમરનાથ યાત્રાએ ગયેલા 61 વર્ષીય પ્રવીણભાઈ પરમારનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. બાલતાલ રૂટ પર પવિત્ર ગુફાથી માત્ર 3 થી 4 કિલોમીટર દૂર કાલી માતાના મંદિર પાસે અચાનક તબિયત બગડી હતી, સારવાર કારગત ન નીવડી. સુરક્ષા જવાનો અને શ્રાઇન બોર્ડ દ્વારા તાત્કાલિક મેડિકલ કેમ્પમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ તેમણે દમ તોડ્યો. મૃતક પ્રવીણભાઈના પાર્થિવ દેહને શ્રીનગર, દિલ્હી અને વડોદરા થઈને હવાઈ તેમજ રોડ માર્ગે જામનગર લાવવામાં આવતા પરિવાર અને સ્થાનિકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
-
સુરતમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો, વાહનો અટવાયા
સુરતમાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સુરત મહાનગરપાલિકા (SMC) ના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોકળ સાબિત થયા. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગણતરીના કલાકમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને વ્યસ્ત ગણાતા ઉધના-નવસારી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે ટ્રાફિકજામની ગંભીર સમસ્યા ઊભી થઈ. પાણી ભરાઈ જવાના કારણે અનેક મોટરસાયકલ અને ફોર-વ્હીલર વાહનો રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા હતા.
-
હાથીજણથી વસ્ત્રાલમાં રિંગરોડ પર ડમ્પર ચાલકે એક્ટિવાને લીધી અડફેટે, 3 વર્ષના બાળકનુ મોત, માતા ગંભીર
અમદાવાદના હાથીજણથી વસ્ત્રાલમાં રિંગરોડ પર અકસ્માતની ઘટના બની છે, જેમાં 3 વર્ષના બાળકનું મોત થયું છે. પૂરપાટ આવતા ડમ્પરચાલકે એકટિવાને અડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું. માતા કામિની પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત થતા ડમ્પરચાલક ડમ્પર મૂકીને ફરાર થયો. લોકોએ ડમ્પર ચાલકનો પીછો કરતા ડમ્પર ચાલક ઝાડીઓમાં ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતા પરિવારજાણો ઘટના સ્થળ પર દોડી આવ્યા.
-
ભારે વરસાદથી અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન નવસારીએ અટવાઈ, ખાનગી બસ મારફતે મુસાફરોને મુંબઈ રવાના કરાયા
મુંબઈમાં પડેલા ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. 12990 અજમેર દાદર એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર જ થોભાવી દેવામાં આવી છે. મુંબઈ જવા માટે ખાનગી કંપનીની બસ મારફતે મુસાફરોને મુંબઈ તરફ રવાના કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણા મુસાફરો નવસારી રેલવે સ્ટેશન ઉપર અટવાયાં છે.
-
મુંબઈમાં ભારે વરસાદ, રેલવે ટ્રેક પર પાણી ભરાવાથી અનેક ટ્રેન પ્રભાવિત, ઘરેથી નિકળતા પહેલા ચેક કરવા અપીલ
મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાથી રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે સફાલે, કેલ્વા રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનો વચ્ચે પાણી ભરાઈ જવાથી પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલ વ્યવહાર જે મુખ્યત્વે વસઈ રોડ, કલ્યાણ, પુના થઈને આગળ જાય છે તે પ્રભાવિત થયો છે. તેની સાથે સાથે મુંબઈ તરફ જતી વેસ્ટર્ન રેલવેની વિવિધ ટ્રેન સેવા પણ ભારે પ્રભાવિત થઈ છે.
-
સાબરકાંઠાના પોશીનામાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો
સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પોશીનામાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો. ત્રણ દિવસના વિરામ બાદ પોશીનામાં વરસાદ વરસ્યો હતો. પોશીનામાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. આંબા મહુડા, કોલીંદી, દંત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
-
આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર પર વિશેષ નજર
હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
-
અમદાવાદમાં વરસાદ બાદ રોડ ધસી પડ્યો, સેટેલાઈટમાં કાર 20 ફૂટના ખાડામાં ખાબકી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વરસાદ બાદ RCC રોડ અચાનક બેસી જતાં પાર્ક કરેલી કાર આશરે 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. ઘટનામાં અંડર કન્સ્ટ્રક્શન સાઇટના પતરા અને બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ પણ ધરાશાયી થઈ હતી. પ્રાથમિક દાવા મુજબ સાઇટ પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ અને પાણીના વધતા દબાણને કારણે રોડની નીચેની જમીન ધસી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.
-
અમદાવાદના થલતેજમાં રોડ બેસી ગયો, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ
અમદાવાદના થલતેજ વોર્ડના હેબતપુર વિસ્તારમાં રોડ બેસી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ડ્રેનેજ અથવા સ્ટોર્મ વોટર લાઇનના ખોદકામ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય લેવલિંગ અને સમારકામ ન કરવામાં આવતાં રોડ ધસી ગયો છે. વધુમાં, સ્થળ પર બેરિકેડ પણ ન લગાવવામાં આવતાં અકસ્માતનો ભય ઊભો થયો છે. સ્થાનિકોએ કોર્પોરેશન પાસેથી તાત્કાલિક સમારકામ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
-
રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, 190 આરોપીઓ ઝડપાયા
અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઝોન-7 DCP દ્વારા ‘ઓપરેશન ક્લિન સ્વિપ’ હેઠળ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રોહિબિશન, મોટર વ્હીકલ એક્ટ અને વિવિધ ગુનાઓમાં વોન્ટેડ સહિત કુલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 26 વર્ષ જૂનો અને 20 વર્ષ જૂનો વોન્ટેડ આરોપી પણ ઝડપાયો છે, જ્યારે વિવિધ રાજ્યો અને ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પણ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
અમદાવાદઃ ગોતા વિસ્તારમાં ફરી દૂષિત પાણીની ફરિયાદ
અમદાવાદના ગોતા વિસ્તારમાં ફરી એકવાર દૂષિત પાણીની ફરિયાદ સામે આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નર્મદાના પાણીમાં ગટરના પાણીનું મિશ્રણ થતાં 7થી વધુ સોસાયટીઓમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. જેના કારણે રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને પીવાના પાણી માટે બહારથી પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. ઘટનાની જાણ થતાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની ટીમે સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ એકત્ર કરીને તપાસ માટે મોકલ્યા છે. તપાસ અહેવાલ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
-
વડોદરાઃ સાવલીના સમલાયા ગામે કેમિકલ માફિયાઓ બેફામ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામે કેમિકલ માફિયાઓ દ્વારા નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે મિની નદી ગંભીર રીતે પ્રદૂષિત બની છે. નદીમાં સફેદ રંગના ફીણની ચાદર છવાઈ ગઈ છે, જ્યારે પાણી લાલ રંગનું દેખાતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓના મોત થયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂતોમાં ખેતી અને પશુધનને નુકસાન થવાની ભીતિ વ્યાપી છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી થઈ નથી, તેથી કેમિકલ માફિયાઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
-
અમરેલીઃ લીલીયામાં પરપ્રાંતિય પરિવારનું સફળ રેસ્ક્યૂ
-
મહારાષ્ટ્રમાં મેઘતાંડવ, વસઈ-વિરારમાં જળબંબાકારથી જનજીવન પ્રભાવિત
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. મુંબઈ સાથે જોડાયેલા વસઈ-વિરાર વિસ્તારમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. લિંક રોડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની શક્યતાને પગલે એલર્ટ જાહેર કર્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
-
પુણેમાં વરસાદનો કહેર, જળબંબાકાર વચ્ચે રેડ એલર્ટથી શાળા-કોલેજો બંધ
પુણેમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પૌડ રોડ પર રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે પવન સાથે વરસેલા વરસાદથી એક જ દિવસમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. હવામાન વિભાગે આજે અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
-
અમરેલીના લીલીયામાં વરસાદી કહેર, શેત્રુંજીના પાણી વચ્ચે 9 લોકો ફસાયા
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં પડેલા મુશળધાર વરસાદથી બવાડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પાણી ખેતરોમાં ફરી વળતાં પરપ્રાંતિય પરિવારના 9 લોકો ફસાઈ ગયા હતા. જીવ બચાવવા પરિવાર ખેતરમાં આવેલી ઓરડીની છત પર આશરો લેવા મજબૂર બન્યો હતો. ઘટનાની જાણ થતાં મામલતદાર, TDO અને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી, પરંતુ નદીમાં સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
-
મુંબઈમાં મેઘતાંડવની આશંકા, રેડ એલર્ટ વચ્ચે શાળા-કોલેજો બંધ
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ, પુણે, થાણે અને પાલઘરમાં આજે તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ શાળા-કોલેજોમાં યોજાનારી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. સ્થાનિક તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
Published On - Jul 06,2026 7:35 AM
