01 જુલાઈના મહત્વના સમાચારઃ કલ્યાણપુરમાં આજે સવારના 6 બપોરના 2 સુધીના 8 કલાકમાં 6 ઈંચ વરસાદ
Gujarat Live Updates : આજ 01 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દેશમાં આજથી ત્રણ ફોજદારી કાયદા અમલમાં આવી રહ્યા છે. શરાબ એક્સાઈઝ ડ્યુટી કૌભાંડ કેસમાં કે કવિતાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે ચુકાદો આપી શકે છે.
કોલકાતા વિધાનસભા સંકુલમાં તૃણમૂલ અને ભાજપ દ્વારા સામસામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમ આજે સાંજે બાર્બાડોસથી રવાના થઈ શકે છે, ટીમ મંગળવારે દિલ્હી પહોંચશે. સંઘ પ્રમુખ મોહન ભાગવત ત્રણ દિવસના પ્રવાસે વારાણસી પહોંચ્યા છે. તેઓ ગાઝીપુર અને મિર્ઝાપુરની પણ મુલાકાત લેશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
LIVE NEWS & UPDATES
-
જુનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે સરાડિયા પોરબંદર હાઈવે કરાયો બંધ
જુનાગઢના માણાવદર પંથકમાં ભારે વરસાથી જળબંબાકારની સ્થિતિ. પાણી ભરાતા માણાવદરથી પસાર થતો સરાડીયા-પોરબંદર હાઈવે બંધ કરવાની નોબત આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. માણાવદરના પાજોદ ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે
-
દેવભૂમિ દ્વારકામાં ભદ્રકાળી ચોક વિસ્તારમાં ભરાયા પાણી, પાલિકા સામે સ્થાનિકોના આક્ષેપ
દેવભૂમિ દ્વારકામાં ભદ્રકાળી ચોક વિસ્તારમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકા પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી ન કરવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ઠેર-ઠેર જળભરાવને કારણે સ્થાનિકો અને યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદને કારણે વીજ પૂરવઠો ખોરવાઈ જતા પરેશાની વધી છે.
-
-
નવા કાયદા અનુસાર હવે દેશમાં કોઈપણ રાજ્યના ખૂણેથી નોંધાવી શકાશે FIR
નવા કાયદાની અમલવારીમાં કોઈ વ્યક્તિ પર ફરિયાદ નોંધાવી હશે તો રાજ્યના કોઈપણ ખૂણેથી FIR નોંધાવી શકાશે. આ કાયદાથી કામ સરળ તો થશે પરંતુ ચોક્કસ કેસોમાં વધારો થશે. સૌથી મોટો પડકાર પોલીસ દળ માટે રહેશે કારણકે રાજ્ય સહિત દેશ આખાય ની અંદર પોલીસ દળ ની સંખ્યા દેશના કુલ સંખ્યા કરતા ખૂબ ઓછી છે. સાથે જ ન્યાયાલયમાં ન્યાયાધીશોની પણ સંખ્યા વધારવી પડશે. એક તારણ પ્રમાણે અમેરિકા અને જાપાન માં 10 લાખ ની વસ્તી સામે 115 ન્યાયાધીશ છે જ્યારે ભારતમાં 10 લાખની વસ્તી સામે 14 ન્યાયાધીશ છે. કાયદા-વિદો આને સૌથી મોટો પડકાર કહે છે
-
બનાસકાંઠાઃ દાંતા તાલુકામાં પહાડી માર્ગ પર જીપ પલટી જતા 1નું મોત, 13થી વધુ ઈજાગ્રસ્ત
બનાસકાંઠાના દાંતા નજીક પહાડી માર્ગ પર જીપ પલટી જતા એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે 13 થી વધુ લોકોને ઈજા આવી છે. જીપમાં 15 થી 16 મુસાફરો સવાર હતા. ઘરેડા-વિરમવેરી માર્ગ પરથી જીપ પસાર થઈ રહી હતી એ સમયે અકસ્માત થયો હતો.
-
સંસદમાં હિંદુઓ મુદ્દે રાહુલ ગાંધીએ એવુ નિવેદન આપ્યુ કે જવાબ દેવા માટે ખુદ પીએમ મોદી ઉભા થઈ ગયા
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન નેતાવિપક્ષ તરીકે પહેલીવાર આજે રાહુલ ગાંધી લડાયક મૂડમાં જોવા મળ્યાં..અને ખેડૂતોના દેવા, બેરોજગારી, નીટ પેપર લીક, ધર્મ આધારિત રાજકારણ, ડરની રાજનીતિ. આ તમામ મુદ્દે એનડીએની સરકારના ચાબખાં માર્યા. સ્થિતી એ પ્રકારની આવી કે રાહુલ ગાંધીના સંબોધન વચ્ચે જ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, શિવરાજસિંહ ચૌહાણ અને કિરણ રિજીજુ જેવા દિગ્ગજ નેતાઓને જવાબ આપવાની ફરજ પડી. સંસદમાં આજે સત્તા પક્ષ પર રાહુલ ગાંધી રીતસરના હાવી થઇ ગયા. એક એક મુદ્દે તેમણે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો..એ પછી અગ્નિવીર યોજના હોય કે ખેડૂતોની એમએસપીની વાત હોય. બેકારીની વાત હોય કે અયોધ્યામાં હારની વાત હોય. તમામ મુદ્દાઓ ગણાવી ગણાવીને મોદી સરકાર પર રાહુલે આજે રીતસરની પસ્તાળ પાડી. સામે સત્તાપક્ષે રાહુલે લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે વિપક્ષના નેતા સંસદમાં જુઠ્ઠાણુ ફેલાવી રહ્યાં છે.
-
-
કલ્યાણપુરમાં આજે સવારના 6 બપોરના 2 સુધીના 8 કલાકમાં 6 ઈંચ વરસાદ
આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 183 તાલુકામા વરસાદ વરસ્યો છે. સવારના 10થી બપોરના 12 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન દ્વારકાના કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં આજે સવારથી બપોરના 2 સુધીના 8 કલાકમાં 6 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. તો ખંભાળિયામાં 5.7 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલામાં દોઢ ઈંચ, ભાવનગરના મહુવા અને અમરેલીમાં જાફરાબાદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
-
કચ્છની મહિલા પોલીસ કર્મી- બુટલેગરે પોલીસ પર કાર ચડાવવા કર્યો પ્રયાસ, પોલીસે ગોળીબાર કરીને બન્નેને પકડી લીધા
પૂર્વ કચ્છ સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા કર્મી નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ છે. પકડાઈ જવાનાં ડરથી મહિલા પોલીસ કર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવવાની અને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. મહિલા પોલીસ કર્મી સાથે મોટી ચીરઈનો બુટલેગર ઝડપાયો છે. યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પર 16 થી વધુ ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે. હવે આ એક વધુ નવો ગુનો દાખલ થયો છે. પોલીસે બંને ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પર વાહન ચડાવીને ભાગતા મહિલા પોલીસ કર્મી અને તેની સાથે રહેલા બુટલેગરને ઝડપવા માટે પોલીસે એક રાઉન્ડ ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
-
જામનગરમાં ધોધમાર વરસાદથી રંગમતી નદી અને રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક
જામનગરમાં ધોધમાર વરસેલા વરસાદથી રંગમતી નદીમાં નવા નીર આવવાની સાથેસાથે રણજીતસાગર ડેમમાં પણ નવા નીરની આવક થવા પામી છે. ગ્રામ્ય વિસ્તારના ચેકડેમ અને નદીમાં પણ નવા નીર આવ્યા છે. કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં સારો વરસાદ વરસ્યો છે. જ્યારે જિલ્લાના કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં સારા વરસાદના કારણે નદી, નાળા અને ડેમમા નીર આવ્યા છે.
-
ભારે વરસાદનેકારણે જુનાગઢ જિલ્લાના ચાર ડેમ છલકાયા
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે, જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જુનાગઢ જિલ્લામાં હવે વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં સર્જાય છે પૂરની ભયંકર સ્થિતિ. ગિરનાર પર પડતા સતત વરસાદના આંકડા મેળવી, જુનાગઢ સીટીની ટીમને એલર્ટ આપવામાં આવશે. કાળવા વોકળાને ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેકટરે દાવો કર્યો છે.
-
બોટાદના ગઢડા તાલુકા સારા વરસાદને પગલે, સીતાપરી નદી બે કાંઠે થઈ વહેતી
બોટાદના ગઢડા તાલુકાના ઉપરવાસમાં પડેલ વરસાદ ના કારણે સીતાપરી નદીમાં નવા નીર આવ્યા છે. પીપરડી, ઈંગોરાળા, સીતાપર, લીંબડીયા સહિત ગામોમાં ગઈકાલે પડેલ સારા વરસાદના કારણે સીતાપરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપ્યો છે.
-
જુનાગઢના બાંટવા ખારો ડેમ ઓવરફ્લો, હેઠવાસના આઠ ગામને કરાયા એલર્ટ
સમગ્ર જુનાગઢ જિલ્લા અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે, જુનાગઢનો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવાની તંત્રને ફરજ પડી છે. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. જો કે, તંત્ર દ્વારા નીચાણ વાળા ગામડાઓને એલર્ટ કરાયા છે. માણાવદરના ચાર અને કુતિયાણાના ચાર ગામોને કરાયા એલર્ટ છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં ના જવા તંત્રે તાકીદ કરી છે. નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારમાં માલ ઢોરને પણ ના જવા દેવા તંત્રની તાકીદ
-
ED-CBIનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે વિપક્ષે સંસદ બહાર કર્યા દેખાવો
ED-CBIના દુરુપયોગ સામે વિપક્ષના નેતાઓ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસસભાની ચૂંટણીમાં વિભિન્ન સ્થળે પ્રચાર દરમિયાન વિપક્ષે, સરકાર ઉપર ED-CBIનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
#WATCH | Delhi: Opposition MPs, including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, protest at the Parliament complex alleging the misuse of central agencies. pic.twitter.com/MlW1jZ2zSX
— ANI (@ANI) July 1, 2024
-
સાર્વત્રિક વરસાદથી ગુજરાતમાં પંચાયત હસ્તક 26 માર્ગ અસરગ્રસ્ત, 38 ગામના વીજ પુરવઠાને પણ અસર
ગુજરાત રાજ્યમાં ગઈકાલ રવિવાર સવારના 6 વાગ્યાથી આજે સોમવાર સવારના 6 વાગ્યા સુધીમા 214 તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે, પંચાયત હસ્તકના 26 રોડ અસરગ્રસ્ત થયા છે. આ માર્ગ ઉપર વાહનવ્યવહારને અસર થવા પામી છે. તો 38 ગામના વીજ પુરવઠાને પણ વરસાદને કારણે અસર થવા પામી છે.
-
રાજકોટના ઉપલેટામાં 3 કલાકમાં 4 ઈંચ ખાબક્યો વરસાદ
રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાની સાથેસાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટામા ત્રણ કલાકમા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઉપલેટા શહેરના અનેક વિસ્તારમા પાણી ભરાઈ ગયા છે. ઉપલેટાના ઝકરીયા ચોક, કટલેરી બજાર અને બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમા વરસાદી પાણી ભરાયા છે.
-
સવારે 6થી 8માં વિસાવદર-કાલાવડમાં 3, ધોરાજી-ઉપલેટા-કલ્યાણપુરમાં 2 ઈંચ વરસાદ
મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ ચાલુ રાખી છે. આજે સવારે 6થી 8 સુધીના બે કલાકમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદની સાથે સાથે જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પણ બઘડાટી બોલાવી છે. વિસાવદર અને કાલાવડમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે, તો ધોરાજી, ઉપલેટા અને કલ્યાણપુરમાં સવારે 6થી 8 સુધીના બે કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
-
ખંભાળિયામાં સાંબેલાધાર વરસાદ, 2 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે સવારે 6થી 8 સુધીના બે કલાકમાં સાડા ચાર ઈંત વરસાદ વરસતા સાર્વત્રિક પાણી પાણી થઈ ગયું છે. વહેલી સવારથી મેઘરાજા પ્રંચડ સ્વરૂપે વરસતા, મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. નગરગેટ, જોધપુરગેટ, સોનીબજાર સહિતના માર્ગો પર વરસાદી પાણી ફરી ફળ્યા હતા.
-
જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેતરોમાં ફરી વળ્યા પાણી
જામનગરના ગ્રામ્યવિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. કાલાવડ તાલુકાના નવાગામ, મોટીવાવડી, ધૂનધોરાજી, ભંગડા, ટોડા, ફગાસ, અરલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ધોધમાર વરસાદને પગલે, સ્થાનિક નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે કલાકમાં આશરે 3 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે.
-
પગાર ઓછો પડતા શિક્ષક બન્યો ચોર, મૂર્તિ પરથી દોઢ તોલાની ચેઈન ચોરી
વડોદરાના ગોરવામાં આવેલા બાળ ઈશુ દેવાલયમાંથી મૂર્તિ અને સોનાની ચેન ચોરી કરનાર આરોપી ઝડપાઈ ગયો છે. આરોપીએ, એમ.એ.બીએડ સુધી અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે શિક્ષક છે. શિક્ષકની નોકરીમાં પગાર ઓછો પડતા આરોપી ચોરીના રવાડે ચડ્યો હતો. યુરોપથી મંગાવેલી કિંમતી મૂર્તિ પરથી દોઢ ટોલાની ચેઈન લઇને આરોપીએ મૂર્તિ ફેંકી દીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
-
અમદાવાદના એસ પી રિંગ રોડ પર થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત
અમદાવાદના એસ પી રિંગ રોડ પર, આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા થારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત થયા છે. અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી છે.
-
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ગઈકાલ રવિવાર સવારના 6 વાગ્યાથી આજે સોમવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં નોંધાયો છે. પલસાણામાં 211 મીલિમીટર વરસાદ એટલે કે સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે.
-
ડભાણ બ્રિજ પર મોડી રાત્રે અક્સ્માત, એસિડ ભરેલ ટેન્કર પાછળ ટ્રક ઘુસી
ખેડા નેશનલ હાઇવે નં. 8 પર ડભાણ બ્રિજ પર મોડી રાત્રે અક્સ્માત સર્જાયો હતો. જ્વલનશીલ એસિડ ભરેલ ટેન્કર પાછળ ટ્રક ઘુસી ગઈ હતી. ટેન્કરની પાછળ ટ્રકની ટકકર વાગતાં જ ટેન્કરમાંથી અચાનક એસિડ લીક થયું હતું. હાઇવે પર ટેન્કરમાંથી ઍસિડ લીક થતાની સાથે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અક્સ્માતની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડ બે વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે ટીમ પહોંચી ગઈ હતી. સાથે હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ઍસિડ ભરેલ ટેન્કર પર સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીક થયેલ ઍસિડને ડાઈલ્યુટ કરવામાં આવ્યુ હતું. ઘટનાની ગંભીરતા જોતા હાઈવે પેટ્રોલિયમની ટીમ દ્વારા હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ વાહનોના ટ્રાફિકને ડાયવર્ઝન આપી ડભાણ હાઇવેના બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો.
Published On - Jul 01,2024 7:25 AM