ભાવનગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના થયા મોત, યમરાજાની માફક ફરતા ડમ્પરો સામે પ્રશાસન બન્યુ મૂક પ્રેક્ષક- Video
ભાવનગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના અકાળે મોત થયા છે. શહેરના માર્ગો પર બેફામ રફ્તારથી ફરતા ડમ્પરો સામે પ્રશાસન પણ જાણે મૂક તમાશો જોઈ રહ્યુ છે.
ભાવનગર શહેરમાં બેફામ રફ્તારથી દોડતા ડમ્પરો લોકો માટે કાળ બની રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં બેફામ ડમ્પરની ટક્કરે આવવાથી 11 લોકો કાળનો કોળિયો બની ચુક્યા છે. શહેરમાં યમરાજાની માફક ફરતા આ ડમ્પરો સામે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યુ છે અને મોતનો તમાશો જોઈ રહ્યુ છે. શહેરમાં ફરી ઘોઘા વિસ્તારમાં રફ્તારનો કેર જોવા મળ્યો. ઘોઘાના હાથબ થી લાખણકા જવાના રોડ ઉપર ડમ્પર ચાલકે 2 લોકોને કચડ્યા હતા. પૂરપાટ ઝડપે ડમ્પર બાઈક પર ચડી જતા બે નેપાળી વ્યક્તના મોત થયા છે. નેપાળના શ્રમિક સાન્તબહાદુર કામી અને મહેન્દ્ર દમાઈનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. શહેરમાં ડમ્પરનો ત્રાસ એટલો વધી ગયો છે કે ગમે તે સમયે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે.
ભાવનગરમાં આ પ્રથમવાર નથી. છેલ્લા ઘણા સમયથી શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે ડ્રાઈવ ચાલી રહી છે છતા બેફામ ડમ્પરો પર કોઈ જ અંકુશ નથી. આ અગાઉ વલ્લભીપુરમાં ડમ્પરની અડફેટે એકનું મોત થયું હતું. 8 દિવસ પહેલા ડમ્પરમાં ટ્રાવેલ્સની ટક્કરથી 6 લોકોનો ભોગ લેવાયો હતો. 5 દિવસ પહેલા ગારીયાધારમાં એક યુવાન કિશોરનું મોત થયુ હતુ. કૂલ મળીને 10 દિવસમાં 11 લોકો ડમ્પરના કારણે મોતને ભેટ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આટલા લોકોના મોત છતા તંત્ર કેમ કુંભકર્ણની નીંદ્રામાં છે? આવા બેફામ ડમ્પર ચાલકો સામે કેમ કોઈ અંકુશ મુકવામાં આવતો નથી.
બીજી તરફ ડમ્પરોની બેફામ ગતિને લઈને એક ચર્ચા એ પણ છે કે ગેરકાયદે ખનીજની હેરાફેરી વધી છે. અધિકારીઓથી બચવા રાત્રિના સમયે બેફામ ડમ્પર દોડાવે છે અને તેમાં જ નિર્દોષ લોકો અડફેટે આવે છે. આ રફતાર પર લગામ લગાવવાની હવે તાતી જરૂરિયાત થઈ ગઈ છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar