લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી અને ઇલેક્શન કમિટીની મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ કાર્યાલયે મળી હતી. જેમાં લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ પક્ષમાં સીધી રીતે દાવેદારી કરવાની નહીં રહે, પરંતુ સંગઠનમાં નીચેથી આવનાર નામોને પસંદગી કરાશે એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ઉમેદવારને દોઢથી બે મહિનાનો સમય મળી રહે એ ઉમેદવારોને દોઢ થી 2 મહિના પૂર્વે જાણ કરી દેવા પણ ચર્ચા કરાઈ.
લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડ માં જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પોલિટિકલ અફેર્સ કમિટી અને ઇલેક્શન કમિટીની પ્રથમ બેઠક મળી હતી. જેમાં લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવેશની તૈયારીઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય અને બદલાવ કરાયા. જેમાં અત્યાર સુધી કોંગ્રેસમાં ઉમેદવારોએ પોતાનો બાયોડેટા પક્ષને આપવાનો રહેતો હતો, હવે એ વ્યવસ્થા બદલી તાલુકા અને જિલ્લા સંગઠન માંથી સામે આવનાર નામોને પસંદ કરવા અને કોઈએ સામેથી દાવેદારી નહીં કરવા નિર્દેશ આપવામાં આવ્યા. આ સિવાય લોકસભા લડતા કોંગ્રેસના ઉમેદવારને દોઢ થી 2 મહિનાનો સમય મળી રહે તે માટે જલ્દી ઉમેદવાર પસંદગી કરવા ચર્ચા કરાઈ. જેમાં નક્કી કરાયું કે જાન્યુઆરી અંત સુધીમાં લોકસભા દીઠ 2 ઉમેદવારોની પેનલ નક્કી કરવી અને ફેબ્રુઆરી અંત સુધી માં નક્કી થયેલ ઉમેદવારોને જાણ કરી દેવી કે તેમણે ચૂંટણી લડવાની છે.
શનિવારે બપોરે કોંગ્રેસના જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પ્રદેશ અધ્યક્ષની પણ બેઠક મળી હતી. જેમાં નગરપાલિકા વિસ્તારમાં સંગઠનને વધારે મજબૂત કરવું, હાથ સે હાથ જોડો અભિયાન થકી નવા લોકોને કોંગ્રેસમાં જોડવા સૂચના આપવામાં આવી. આ સિવાય જુના કોંગ્રેસીઓ કે જેઓ સમયાંતરે કોંગ્રેસ છોડી અન્ય પક્ષમાં જોડાયા છે અથવા તો નિષ્પક્ષ થઈ ઘરે બેઠા છે તેમને સક્રિય કરવા અથવા તો ઘર વાપસિક કરાવવા માટે શક્તિસિંહ ગોહિલે આહવાન કર્યું હતું.
Published On - 9:51 pm, Sat, 6 January 24