ગુજરાતમાં અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત… ઔષધીય ગુણોનો ખજાનો એવા આ દૂધની 10 દેશમાં નિકાસ કરાઈ રહી છે
ગદર્ભનો ઉલ્લેખ બેવકૂફીના કિસ્સાઓમાં થતો હોય છે. અત્યારસુધી ભાર ઉઠાવવા અને બેવકૂફીના ઉદાહરણો માટે ઉપયોગમાં લેવાતું આ પ્રાણી આમતો ખાસ કોઈ કામનું માનવામાં આવતું નથી પણ એસ રિસર્ચમાં સામે આવ્યું છે કે ગદર્ભની મદદથી અનેક સમસ્યા દૂર ભગાડી શકાય છે .
ગદર્ભનો ઉલ્લેખ બેવકૂફીના કિસ્સાઓમાં થતો હોય છે. અત્યારસુધી ભાર ઉઠાવવા અને બેવકૂફીના ઉદાહરણો માટે ઉપયોગમાં લેવાતું આ પ્રાણી આમતો ખાસ કોઈ કામનું માનવામાં આવતું નથી પણ એસ રિસર્ચમાં સામે આવ્યું છે કે ગદર્ભની મદદથી અનેક સમસ્યા દૂર ભગાડી શકાય છે .
ગદર્ભનું દૂધ ઘણા ઔષધીય ગુણનો ખજાનો છે. બ્યુટી પ્રોડક્ટ્સ સહીત ઔષધિઓ બનાવવા માટે ગદર્ભનાં દૂધની ઊંચી માંગ ઉભી થઈ છે. ગુગલ પર સારો વ્યવસાય સર્ચ કરતા પાટણના શિક્ષકના ધ્યાને આ બાબત આવતા તેણે Donkey Milk Farm ઉભુ કર્યું છે જે ગદર્ભનું દૂધ મેળવી તેને વિશ્વના 10 થી વધુ દેશમાં નિકાસ કરે છે.
પાટણના શિક્ષકને ગુગલ સર્ચ દરમિયાન સ્ટાર્ટઅપ વિશે વિચાર આવ્યો
પાટણ જિલ્લાના મણુંદ ગામે રહેતા અને વ્યવસાયે ખાનગી શાળામાં શિક્ષક ધીરેન સોલંકી સરકારી નોકરી મેળવી સુખી જીવન જીવવા ઇચ્છતા હતા. PTC નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધીરેને કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી પણ અનુભવ સારા ન રહેતા આખરે પોતાના સરકારી શિક્ષક બનવાના સ્વપ્નને તેમણે પડતું મૂક્યું હતું. સરકારી નોકરી ન મળતા આજીવિકા રળવા તેઓ સારા વ્યવસાયની શોધમાં હતા. આ દરમિયાન ગૂગલ પર તેમના ધ્યાને ગદર્ભનાં દૂધનો કારોબાર આવ્યો હતો. ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા મહિને લાખો રૂપિયાની કમાણી આપતા વ્યવસાય માટે ભારતમાં એકપણ સ્ટાર્ટઅપ ન હોવાથી તેમણે આ વ્યવસાય તરફ ઝુકાવ દાખવ્યો હતો.
ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાની સુંદરતાનો રાઝ ખુલ્યો
ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા વિશ્વની સૌથી સુંદર મહિલા તરીકેની ગણનામાં આવે છે. તેના વિશેની ઘણી વાર્તાઓમાંની એક એવી પણ છે કે તે પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ગદર્ભના દૂધથી સ્નાન કરતી હતી. ક્લિયોપેટ્રા અંગેની આ વાત સત્તાવાર સામે આવી નથી પણ એ હકીકત છે કે ગદર્ભનું દૂધ ત્વચા માટે ઉત્તમ છે. આ જ કારણ છે કે તેના દૂધમાંથી સાબુ અને બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે.
ગદર્ભના દૂધમાંથી સાબુ બનાવવામાં આવી રહ્યા છે. આ સોપ ઓનલાઇન પણ વેચાઈ રહ્યા છે. ત્વચા નિષ્ણાંત અને સોપ મેકર સલમા ઝુબી કહે છે કે ગદર્ભનું દૂધ વિટામિન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે ત્વચાની સંભાળ માટે શ્રેષ્ઠ છે. દૂધ ઉપરાંત સલમા બીજી ઘણી વસ્તુઓ જેમ કે ઓલિવ, નારિયેળ તેલ વગેરે પણ ઉમેરે છે. તેણીનો દાવો છે કે આ સાબુનો ઉપયોગ કરવાથી વૃદ્ધત્વને કારણે ત્વચા પર પડતી કરચલીઓની સમસ્યા દૂર થશે. આ ઉપરાંત તે ચામડીના રોગોમાં પણ ફાયદાકારક છે.
અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત
ગુજરાતની દૂધ ઉત્પાદક મંડળી અમુલ દેશમાં સૌથી મોટી શ્વેત ક્રાંતિ લાવ્યું હતું. પાટણમાંથી વધુ એક શ્વેત ક્રાંતિનું આગમન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગાય કે ભેંસના દૂધ કરતાં ગદર્ભનું દૂધ અનેક ગણું સારું છે. વાસ્તવમાં અન્ય દૂધની સરખામણીમાં ગદર્ભના દૂધને ખાટું ગણવામાં આવે છે. જ્યારે દૂધ ખાટા થઈ જાય છે ત્યારે તેમાં રહેલ લેક્ટોઝ સુગર લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. આ કામ દૂધમાં રહેલા બેક્ટેરિયા ‘લેક્ટોબેસિલસ’ દ્વારા થાય છે. લેક્ટિક એસિડ એ આલ્ફા હાઇડ્રોક્સી એસિડનો એક પ્રકાર છે. ત્વચા પર આવા એસિડ લાગુ પડતાં જ તે આપણી ‘ડેડ સ્કિન’ને દૂર કરે છે જેનાથી નવી અને ચમકતી ત્વચા સપાટી પર આવે છે. દરરોજ આમ કરવાથી ત્વચા પરના ડાઘ ઓછા થઈ જાય છે. તેથી જ ભારતીય આયુર્વેદમાં દહીંથી સ્નાન કરવું પણ ફાયદાકારક કહેવાયું છે.
લેક્ટોઝની સાથે ગદર્ભના દૂધમાં ગાય અને ભેંસના દૂધ કરતાં વધુ સંતુલિત માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, ખનિજો, બાયોએક્ટિવ એન્ઝાઇમ્સ અને સહઉત્સેચકો હોય છે. આ કારણોસર તે ચમક વધારવા અને કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ છે. તેના દૂધનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ક્રીમ બનાવવાથી તે ત્વચામાં ખીલ, ફ્રીકલ, ફોડલી અને ખંજવાળથી પણ રાહત આપે છે.
વિશ્વમાં પણ ગદર્ભના દૂધમાંથી બનેલી બ્યુટી પ્રોડક્ટ્સની માંગ વધી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ઘણી કંપની ગદર્ભના દૂધમાંથી બનેલી બ્યુટી પ્રોડક્ટ્સ વેચે છે. એન્ટી એજિંગ ઉત્પાદન તરીકે તેની ખૂબ માંગ છે. યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પણ માને છે કે ગદર્ભના દૂધના ઘણા ફાયદા છે. બ્યુટી પ્રોડક્ટ્સ સિવાય તે ખાવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને એવા લોકો જેમને ગાય અથવા ભેંસના દૂધની એલર્જી હોય તેઓ ગદર્ભના દૂધમાંથી બનેલી વસ્તુઓ ઉપયોગમાં લઈ શકે છે.
ગદર્ભનું દૂધ 10 દેશમાં નિકાસ થાય છે
ઊંચી માંગ અને વ્યાપારમાં ઓછી સ્પર્ધાના કારણે ધીરેન સોલંકીએ આ ક્ષેત્ર તરફ ઝંપલાવ્યું છે. તેમણે 50 ગદર્ભ સાથે વ્યવસાયની શરૂઆત કરી છે. આ દૂધને -4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્ટોર કરવામાં આવે છે. આ દૂધ એક ચોક્કસ જથ્થામાં સંગ્રહ થાય ત્યારે તેને ચિલ્ડ ડ્રાયર ટેક્નોલોજીની મદદથી મિલ્ક પાવડર બનાવી દેવામાં આવે છે. આ પાવડર ગલ્ફ, મલેશિયા , યુરોપ અને સૌથી વધુ તુર્કી દેશમાં નિકાસ કરવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય બજારમાં ગદર્ભનાં દૂધનો પાવડર 2500 થી 7000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે માંગ અનુસાર વેચાય છે .
પાટણના ગદર્ભ ફાર્મ ચલાવતા ધીરેન સોલંકી અનુસાર પશુઓના ખોરાક પાછળ કોઈ વિશેષ ખર્ચ કરવો પડતો નથી. સૌથી મોટી સમસ્યા નિકાસ કરવાની હોય છે. લાયસન્સની લાંબી પ્રક્રિયા ઉપરાંત વેચાણ માટે ખરીદાર શોધવા અને તેની સાથે વેપાર કરવો ખુબ મોટો પડકાર હોય છે. ધીરેન વિદેશી કોસ્મેટિક અને ફાર્મા કંપનીઓનો ઈ મેઈલ દ્વારા સંપર્ક કરે છે. ડોન્કી મિલ્ક પાવડર ઈમ્પોર્ટ કરવા રસ ધરાવતા ઉદ્યોગો પહેલા સેમ્પલ મંગાવે છે જે પસંદ આવ્યા પછી ઓર્ડર મળે છે. ધીરેન અનુસાર ઓર્ડર મેળવવાથી લઈ પેમેન્ટ મેળવવા સુધીની પ્રક્રિયામાં ઘણી વખત 8 થી 9 મહિના જેટલો સમય પણ વીતી જતો હોય છે. અઢળક નફો આપતા આ વ્યવસાયમાં ધીરજ ખુબ મહત્વ રાખે છે.
નવજાત બાળકો માટે પૌષ્ટિક
ધીરેન સોલંકીએ tv9 સાથેની વાતચીતયમાં જણાવ્યું હતું કે માત્ર કોસ્મેટિક્સ અને ફાર્મા કંપનીઓ જ નહીં પણ બાળ આરોગ્ય સંભાળ અને ડાયાબિટીસ માટે પણ ગદર્ભનાં દૂધની માંગ રહે છે. ગદર્ભના દૂધમાં પોષક તત્વો હોય છે જે નાના બાળકો માટે ફાયદાકારક હોય છે. આ દૂધ માતાના દૂધ જેટલું જ પૌષ્ટિક માનવામાં આવે છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ દૂધમાં પ્રોટીનમાં એવા ગુણ હોય છે કે તે ટાઇપ 2 ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ગ્લુકોઝના સ્તરને પણ નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિન પ્રતિકારમાં સુધારો કરે છે. આ દૂધમાં જોવા મળતા પ્રોટીનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે, જે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત આપે છે. જોકે અમારી સલાહ છે કે આરોગ્ય માટે આ દૂધનો ઉપયોગ તબીબોની સલાહ મુજબ કરવો જોઈએ.
ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ 2014માં એવું કહીને ચર્ચામાં આવ્યા હતા કે તેમણે બાળપણમાં ગદર્ભનું દૂધ પણ પીધું હતું. એક રિપોર્ટ અનુસાર પોપે કહ્યું હતું કે આર્જેન્ટિનામાં તેમના બાળપણ દરમિયાન તેમને માતાના દૂધના વિકલ્પ તરીકે ગદર્ભનું દૂધ આપવામાં આવતું હતું જે સ્વાસ્થ્યપ્રદ હતું. જો કે, હાલના સમયમાં ગદર્ભના દૂધમાંથી ઘણી વસ્તુઓ બની રહી છે. ખુદ નિષ્ણાતો માને છે કે આ દૂધ માત્ર પૌષ્ટિક જ નથી પરંતુ ત્વચાની સંભાળ માટે પણ ઉત્તમ છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક
ગદર્ભના દૂધમાં એવા ગુણ હોય છે જે તેને ઘણી બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક બનાવે છે, ખાસ કરીને જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેમના માટે આ દૂધનું સેવન ખૂબ જ આરોગ્યપ્રદ કહેવાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે નિયમિતપણે ગધેડીનું દૂધ પીવું તમારા માટે ખાસ કરીને શરીરમાં સોજો અથવા અનિયંત્રિત બ્લડ સુગર જેવી સમસ્યાઓ ઘટાડવા માટે ફાયદાકારક છે.