અમરેલીમાં છેલ્લા 15 દિવસથી ચકચાર જગાવનારા કૌશિક વેકરીયા લેટરકાંડમા પાયલ ગોટીની ખોટી રીતે કરાયેલી ધરપકડને પાટીદાર દીકરીના સ્વાભિમાન સાથે જોડી દઈ સ્વાભિમાન ધરણા શરૂ કર્યા છે. ગઈકાલથી શહેરના રાજકમલ ચોકમાં પરેશ ધાનાણીએ ધરણા શરૂ કર્યા છે. જે આજે પણ યથાવત રાખવામાં આવ્યા છે. ખોટી રીતે પાટીદાર દીકરીની ધરપકડ મુદ્દે ધાનાણીએ પોલીસ અને નેતાઓ પર પ્રહાર કર્યા. સરકારે 24 કલાક પછી પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરી હોવાનું જણાવ્યુ. મનિષ વઘાસિયાને બચાવવા ખોટી રીતે નિર્દોષ દીકરીને આરોપી બનાવવામાં આવી. આ સમગ્ર પ્રકરણમાં હવે ધાનાણીએ ધારાસભ્ય કૌશિક વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે.
પરેશ ધાનાણીએ રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો કે સરકાર કોઈ કાર્યવાહી ન કરતા વધુ 24 કલાક ધરણા કરવામાં આવ્યા. ધાનાણીએ સવાલ કર્યો કે પોલીસે કોના કહેવાથી દીકરીનો વરઘોડો કાઢો? પરેશ ધાનાણીએ માગ કરી કે ગૃહરાજ્યમંત્રી કૌશિક વેકરીયા અને અમરેલી SPના વોટ્સએપ કોલની તપાસ કરાવો. ધરણા પૂરા કરવા અંગે તેમણે જણાવ્યુ કે આવતીકાલે શનિવારે સવારે 10 વાગ્યે ધરણા પૂર્ણ થશે. આ સાથે ધાનાણીએ અડધો દિવસ અમરેલી બંધનું એલાન પણ આપ્યુ છે. વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ કરી છે.
પાયલની ધરપકડને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજના સ્વાભિમાન સાથે જોડી દીધો. દીકરી સાથે આરોપી જેવો વ્યવહાર કરવામાં આવ્યો, પાયલની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરવામાં આવી. પાટીદાર સમાજમાંથી આવનારી પાયલ ગોટી લેઉવા પટેલ છે તો પરેશ ધાનાણી અને ધારાસભ્ય કૌશિક વેકરીયા પણ લેઉઆ પટેલ છે. પાટીદાર સમાજની દીકરી સાથે અપરાધીઓ જેવો વ્યવહાર કરવામાં આવતા કોંગ્રેસ અને આપનો આરોપ છે કે આ બધુ કૌશિક વેકરીયાના કહેવાથી પોલીસે કર્યુ છે. એક કુંવારી દીકરીની આબરુના ધજાગરા કરવામાં આવ્યા. તેના આત્મસન્માન અને ગરીમાને હાનિ પહોંચાડવામાં આવી. માત્ર એક કોમ્પ્યુટર ઓપરેટર ટાઈપિસ્ટ તરીકે નોકરી કરનારી દીકરી સાથે અપરાધીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો.
દીકરીનુ સરઘસ કાઢનારા પોલીસકર્મીઓને હટાવવાની માગ કરનામાં આવી. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલે રાજકીય ચેક-મેટની રમત ચાલી રહી છે. તો બીજી તરફ કેસ હાઈકોર્ટમાં પહોંચવાની પણ તૈયારી દેખાઈ રહી છે. રાજ્યના જાણીતા માનવાધિકાર એડવોકેટ આનંદ યાજ્ઞિકે આ સમગ્ર મામલે પિટિશન દાખલ કરવાની જાહેરાત કરી છે. યાજ્ઞિકનું કહેવું છે કે અમરેલી જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ આ કેસમાં નિષ્પક્ષ તપાસ થવાની આશા નથી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કૌશિક વેકરિયા આ લેટરકાંડમાં સખ્ત કાર્યવાહી કરવા ઈચ્છતા હતા. પરંતુ તેમને કદાચ અંદાજ નહીં હોય કે પાટીદાર સમાજની દીકરીની ધરપકડ અને તેના માટે ગળાની ફાંસ બની જશે.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 4:35 pm, Fri, 10 January 25