અમદાવાદઃ દારુના નશામાં પોલીસ મથક નજીક ફાયરિંગનો મામલો, કેમ ચલાવી પિસ્તોલ?
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવી અનેક ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં પોલીસ સ્ટેશન થી થોડા જ મીટરના અંતરે એક ફાયરિંગની ઘટના સામે આવી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી હતી તો ત્યાં પોલીસને દારૂની મહેફિલ થઈ હોવાનું પણ મળી આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા બોપલમાં મંગળવારની રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. જોકે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પહોંચી હતી. બોપલ પોલીસ સ્ટેશનની થોડે જ દૂર આવેલા સેલિબ્રેશન સિટી સેન્ટરમાં ફાયરિંગની ઘટનાના સમાચારથી પોલીસ ત્યાં પહોંચી હતી. જોકે પોલીસને જોતા ત્યાંથી અમુક લોકો નાસવાનો પ્રયત્ન કર્યો હતો, તો અમુક લોકોને પોલીસે પકડી પાડ્યા હતા.
સમગ્ર મામલાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સેલિબ્રેશન સીટી સેન્ટરમાં પાંચમાં માળે આવેલી ઓફિસમાં દારૂ બિયરની મેહફિલ ચાલતી હતી અને દારૂના નશામાં ટેરેસ પરથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે બોપલ પોલીસમાં બે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં દારૂની મેહફીલ અને ફાયરિંગની ફરિયાદ નોંધાઈ છે.
ઘટના સ્થળેથી મળ્યો દારુ
આ ઘટનાને લઈને પોલીસે મહાવીરસિંહ જાડેજા, ઋતુરાજસિંહ જાડેજા, ફતુભા જાડેજા, મહેન્દ્ર ઠાકોર, સુરજ ભરવાડ અને કેદાર પટવાની ધરપકડ કરી છે. આ તમામ શખ્શો ઓફિસમાં દારૂ-બિયરની મહેફિલ માણતા હતા. પોલીસને ત્યાંથી બે અલગ અલગ પિસ્તોલ પણ મળી આવી છે. જેમાં બંને પિસ્તોલમાં એક એક જીવતા કારતુસ તેમજ અન્ય સાત ખાલી કારતુસ ખોખા પણ મળી આવ્યા હતા.
ઓફિસમાંથી જમવાની વસ્તુ તેમજ 24 જેટલા બિયર અને એક દારૂની બોટલ પણ પોલીસને મળી આવી છે. જોકે આ દારૂની મહેફિલ દરમિયાન પોલીસ પહોંચી જતા ઋતુરાજસિંહ અને કેદાર પાંચમા માળેથી છલાંગ લગાવી ચોથા માળે પહોંચ્યા હતા જેમાં બંનેને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી.
ખરેખર કેમ કર્યુ ફાયરિંગ?
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહાવીર સિંહ જાડેજા એ કચ્છના ધમાભાઈ નામના વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદ્યા હતા. જે ઓફિસમાં દારૂની મહેફિલ માનવામાં આવી રહી હતી તે ઓફિસ ઋતુરાજસિંહ જાડેજાએ ભાડે રાખી હતી. ત્યાં જમીન મકાન લે-વેચનું કામકાજ કરવામાં આવતું હતું.
મહાવીર સિંહ જાડેજા અને ફતુભા કચ્છના રહેવાસી છે. તે થોડા સમયથી જાડેજા સાથે જમીન લે વેચના કામમાં જોડાયા હતા તો સૂરજ ભરવાડ ઋતુરાજસિંહ બંને ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ કેદાર તેની ઓફિસમાં પટાવાળા તરીકેનું કામ કરતો હતો અને મહેન્દ્ર ઠાકોર ડ્રાઇવર તરીકેની નોકરી કરતો હતો. પોલીસે દારૂ બિયર અને પિસ્તોલ ઉપરાંત સ્કોર્પિયો અને એન્ડેવર ફોર્ડ કાર તેમજ એક લાખથી વધુ રોકડ રકમ, 9 મોબાઈલ પણ કબજે કર્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસ અને આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે ફક્ત દારૂના નશામાં હોવાને કારણે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો પણ પોલીસ તપાસ કરી રહી છે કે જમીન કે અન્ય કોઈ મિલકતને કારણે ફાયરિંગ થયું નથી ને અથવા તો કોઈ અંગત અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું છે કે કેમ તેને લઈને પણ પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.