Ahmedabad: ફાફડા જલેબીને સાથે ખાવાની પરંપરા 120 વર્ષ કરતાં પણ જૂની, અમદાવાદથી શરૂ થયેલો આ ટ્રેન્ડ આખા ગુજરાતમાં કેવી રીતે પ્રચલિત થયો, જાણો વિગત
પ્રાપ્ત વિગતો અનુસાર ચંદ્રવિલાસ 120 વર્ષ કરતાં પણ જૂની હોટેલ છે અને તેની શરૂઆત માત્ર ચાનું વેચાણ કરવાથી થઈ હતી. ચંદ્રવિલાસની ચા તો જાણીતી થઈ ત્યારબાદ હોટેલના માલિકોએ ગ્રાહકોને કંઇક નવું આપવા માટે ફાફડા પીરસવાની શરૂઆત કરી.
આજે દશેરાના પર્વ સાથે નવરાત્રીની (Navratri 2022) પૂર્ણાહૂતિ થઈ છે ત્યારે દશેરાના (Dussehra) દિવસે ગુજરાતમાં ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે. ત્યારે સહેજે નવાઈ લાગે કે ફાફડા અને ચટણીની સાથે જલેબીનું કોમ્બિનેશન કેવી રીતે બન્યું હશે? વાસ્તવમાં આ પરંપરા અમદાવાદમાંથી જ શરૂ થઈ હતી અને હાલમાં હેરિટજે ગણાતી ચંદ્રવિલાસ હોટેલ દ્વારા આ રીતે ફાફડા અને જલેબી (Fafda jalebi) સર્વ કરવાની શરૂઆત થઈ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચંદ્રવિલાસ 120 વર્ષ કરતાં પણ જૂની હોટેલ છે અને તેની શરૂઆત માત્ર ચાનું વેચાણ કરવાથી થઈ હતી અને ચંદ્ર વિલાસની ચા તો જાણીતી થઈ ગઈ ત્યારબાદ હોટેલના માલિકોએ ગ્રાહકોને કંઇક નવું આપવા માટે ફાફડા પીરસવાની શરૂઆત કરી અને તેની સાથે આપવામાં આવતી ચણાના લોટની કઢી પણ સ્વાદ રસિકોમાં ખૂબ જ જાણીતી હતી.
ત્યારબાદ નવતર પ્રયોગ રૂપે ફાફડા જલેબીનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. ફાફડા તેમજ જલેબી તો લોકો અલગ અલગ ખાતા જ હતા, પરંતુ બંને સાથે ખાઇ શકાય એવી ડીશની શરૂઆત ચંદ્રવિલાસ દ્વારા કરવામાં આવી હતી અને આજે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં વિજયાદશમીના દિવસે ફાફડા જલેબી ખાઇને દશેરાની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં તો નોમની રાત્રિથી જ સોસાયટીઓ અને શેરીઓમાં ફાફડા જલેબીનો નાસ્તો પીરસી દેવામાં આવે છે. તેમજ અમદાવાદમાં વહેલી સવારથી જ ફાફડા અને જલેબી ખરીદવા માટે લાઇનો લાગે છે. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં ધરખમ વધારો થયો હોવા છતાં ગુજરાતભરમાં લોકોએ મન મૂકીને ફાફડા જલેબીનો આસ્વાદ માણ્યો હતો.
ગત વર્ષ કરતા ભાવમાં વધારો
વર્ષે વર્ષે મોંઘવારી વધી રહી છે. ત્યારે ફાફડા જલેબીને પણ મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે અને ફાફડાના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે જલેબીના ભાવમાં પણ 30થી 100 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. આ વર્ષે એક કિલો ફાફડાનો ભાવ 650 રૂ. થયો છે તો જલેબીનો ભાવ 750 રૂ. થયો છે. જોકે તેમ છતાં વિવિધ ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા માટે સવારથી જ લોક ઉમટી પડ્યા હતા.
વેપારીઓએ જણાવ્યું હતું કે કાચા માલની કિંમતો તેમજ તેલના ભાવમાં વધારો થતા ફાફડા અને જલેબી મોંઘા થયા છે જોકે તેમ છતાં આ વર્ષે ફાફડા જલેબીનું રેકોર્ડ઼ બ્રેક વેચાણ થવાની વેપારીઓને આશા છે. ગુજરાતમાં દશેરા પર્વે ફાફડા જલેબી ખાવાનો અનેરો મહિમા છે. જો કે છેલ્લા બે વર્ષની કોરોનાના પગલે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ન હતી. તેવા સમયે આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે દશેરાની પણ લોકો મન મૂકીને ઉજવણી કરશે તે ચોક્કસ છે.