ગુજરાતની આર્થિક રાજધાનીનું રાજકીય રાજધાની સાથે મેટ્રો ટ્રેન દ્વારા જોડાણ થશે. આગામી 16 સપ્ટેમ્બરે PM મોદી વધુ એક મેટ્રો રૂટને લીલીઝંડી આપવા જઇ રહ્યા છે. આ રૂટથી અમદાવાદ અને ગાંધીનગરના અનેક નાગરિકોને ફાયદો થશે.
અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થશે. 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહેલા PM મોદી મેટ્રો રૂટનું ઉદ્ધાટન કરશે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર-1ના ફેઝ-2ની ટ્રાયલ ફેબ્રુઆરી માસમાં જ પૂર્ણ કરી દેવાઇ હતી. મેટ્રો માટે નર્મદા કેનાલ પર 300 મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરાયું છે. ફેઝ-2નો કુલ 28.24 કિલોમીટરનો રૂટ છે. જેમાં 22.84 કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર અને 5.42 કિલોમીટર GNLU-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન હશે.
તો હવે મેટ્રો ટાઇમલાઇન પર નજર કરીએ તો,,2003માં રાજ્યમાં મેટ્રો ટ્રેન સેવાનો વિચાર આવ્યો અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડની રચના કરાઇ. 2005માં કેન્દ્ર સરકારે ગુજરાતને મેટ્રો પ્રોજ્કેટને મંજૂરી આપી. 5 વર્ષ બાદ એટલે કે 2010માં મેટ્રો રેલ કોર્પોરેશનનું નામકરણ થયું. ઓક્ટોબર 2014માં કેન્દ્રએ ફેઝ-1 માટે પ્રોજેક્ટ મંજૂર કર્યો અને 14 માર્ચ 2015ના રોજ ફેઝ-1ની કામગીરીનો પ્રારંભ થયો.
2018 ડિસેમ્બરમાં મુંદ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા, તો ફેબ્રુઆરી 2019માં મેટ્રોના 28 કિમીના ફેઝ-2ના રૂટને કેન્દ્રએ મંજૂરી આપી. આખરે 2019માં 4 માર્ચે PM મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો સેવાનો પ્રારંભ કરાવ્યો. 30 સપ્ટેમ્બર 2022ના રોજ વસ્ત્રાલથી થલતેજ અને APMCથી મોટેરા સુધી મેટ્રોની શરૂઆત કરાઇ હતી. આ પ્રસંગે PM મોદીએ મેટ્રોને ગુજરાતના વિકાસનો પર્યાય ગણાવી હતી અને હવે તેઓએ 16 સપ્ટેમ્બરે ફરી એક નવા રૂટની ભેટ ધરવા જઇ રહ્યા છે
PM મોદી વિકાસની ભેટ ધરવા સાથે ટ્રાફિકના મહાપ્રશ્નનો કાયમી અંત આવશે. અમદાવાદથી ગાંધીનગરનો રૂટ શરૂ થવાની સાથે નાગરિકો સરળતાથી પાટનગર ગાંધીનગર પહોંચી શકશે. તો અમદાવાદ-ગાંધીનગર અપડાઉન કરનારા લોકોને મોટી રાહત મળશે. સમય સાથે નાણા બચશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને લોકોને ટ્રાન્સપોર્ટેશનનો એક નવો વિકલ્પ મળશે.
તો હવે વાત કરીએ મેટ્રો સ્ટેશનની વિશેષતાની તો ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પર ગુજરાતના વિકાસની ઝાંખી દેખાશે. મેટ્રો સ્ટેશન પર સ્ટેચ્યું ઓફ યુનિટી અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તાદ્રશ આકૃતિ રજૂ કરવામાં આવી છે. અટલ બ્રિજ, ઝુલતા મિનારા પણ મેટ્રો સ્ટેશનની શોભા વધારશે.
જોકે અત્યાર સુધીના મેટ્રો રૂટ કરતા મોટેરાથી મહાત્મા મંદિરનો રૂટ થોડો વિશેષ છે. સૌથી મોટી વિશેષતા નર્મદા કેનાલ અને સાબરમતી નદી પર તૈયાર કરાયેલો મેટ્રો બ્રિજ છે. નર્મદા કેનાલ પર વિશેષ એક્સટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજનું નિર્માણ કરાયું છે. કેબલ સ્ટેડ બ્રિજમાં 145 મીટરનો સેન્ટ્રલ સ્પાન છે. તો 79 મીટરનો અંતિમ સ્પાન છે. સાથે 28.1 મીટરની ઉંચાઇ ધરાવતા 2 પાયલોન પણ તૈયાર કરાયા છે.