અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર, પિતાની નાદુરસ્ત તબિયતનો આપ્યો હવાલો
પિતાના કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાની થોડી જ મિનિટોમાં રોહન ગુપ્તાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના એક બાદ એક કાંગરા ખરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં હવે બહુ જૂજ મોટા ચહેરાઓ બચ્યા છે. ત્યારે અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં ન હોવાનુ જણાવ્યુ છે. રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. થોડીવાર પહેલા પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ જે બાદ તુરંત રોહન ગુપ્તાએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
રોહન ગુપ્તાની પિતાની નાદુરસ્ત તબિયતને જોતા ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર
રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ દ્વારા ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. રોહન ગુપ્તાએ જણાવ્યુ છે કે પિતાના અત્યંત કથળેલા સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી એ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.
અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસે રોહન ગુપ્તાની કરી હતી પસંદગી
અમદાવાદ પૂર્વ બેઠક એ ભાજપનો ગઢ રહી છે. ત્યાંથી ભાજપના ઉમેદવારના નામની જાહેરાતની સાથે જ હારજીતના સમીકરણ નક્કી થઈ જતા હોય છે. ભાજપે આ બેઠક પરથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે. જેની સામે કોંગ્રેસે રોહન ગુપ્તાની પસંદગી કરી હતી અને તેમને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી હતી.
કેમ કરાઈ હતી રોહન ગુપ્તાની પસંદગી?
રોહન ગુપ્તા, શહેરી, શિક્ષિત અને યુવા ચહેરો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા હોવાથી રાષ્ટ્રીય મંચ પર પણ પાર્ટીનો અવાજ બનવા માટે સક્ષમ હોવાથી તેમની પસંદગી કરાઈ હતી. પરંતુ તેમના પિતા આ પસંદગી સામે નારાજ હતા અને એ નારાજગીના કારણે જ તેમના પિતા રાજકુમાર ગુપ્તાએ રાજીનામુ આપ્યુ હોવાની શક્યતા દર્શાવાઈ છે, અને પિતાની નારાજગીને પગલે જ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી તેમની દાવેદારી પરત ખેંચી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
જો કે કોંગ્રેસ માટે આ ઘણી આંચકાજનક સ્થિતિ છે. ગુજરાતની 26 પૈકી 2 ગઠબંધનની બેઠકને બાદ કરતા કોંગ્રેસે અત્યાર સુધીમાં માત્ર 7 લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે હાલ રોહન ગુપ્તાના ચૂંટણી લડવાના ઈનકાર બાદ હવે કોંગ્રેસે હજુ 18 બેઠકોના ઉમેદવાર જાહેર કરવા પડશે તેવી સ્થિતિ છે
આ પણ વાંચો: અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ- વીડિયો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો