Gujarat Weather : ભર શિયાળામાં ગુજરાતમાં પડી શકે છે વરસાદ, જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
અમદાવાદમાં નવેમ્બર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ ખૂબ જ સામાન્ય રહ્યું હતું. નવેમ્બરમાં લઘુત્તમ તાપમાનનો પારો એકપણ વાર 15 ડિગ્રીથી નીચે ગયો ન હોય તેવું પાંચ વર્ષમાં પ્રથમવાર બન્યું હતું. પાંચ વર્ષ બાદ પહેલી ઘટના કે નવેમ્બરમાં અમદાવાદમાં પારો 15 ડિગ્રીથી નીચે ગયો નહીં. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્ છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે.
ફેંગલ વાવાઝોડાએ તામિલનાડુ-પુડ્ડચેરીમાં ભારે તબાહી મચાવી છે. હાલ વાવાઝોડાની ગુજરાત પર તો કોઇ અસર થઇ નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે 4થી 6 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદની પણ શકયતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું થઇ શકે છે.
ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર કઈ રીતે અસર થશે ?
ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનો આવી ગયો છતાં જોઈએ તેવી ઠંડી પડી નથી રહી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે માવઠા, વાવાઝોડાની આગાહી આપતા ગુજરાતીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર કઈ રીતે અસર થશે તે અંગેની પણ જાણકારી આપી છે.
‘ફેંગલ’ની અસર અરબી સમુદ્રમાં આવી શકે- અંબાલાલ પટેલ
તામિલનાડુ-પુડ્ડચેરીમાં ભારે તબાહી મચાવ્યા બાદ ‘ફેંગલ’ની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતા રહેશે. જેના કારણે 4થી 8 ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય થશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થશે જેનો માર્ગ ઓમાન અથવા તો સોમાલિયા તરફનો રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં તાપમાનમાં થશે ઘટાડો
ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઉપર રહ્યું છે પરંતુ બંગાળની ખાડીનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવવાના કારણે 4 થી 8 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુતમ તાપમાનમાં વધારો થશે.
અમદાવાદમાં નવેમ્બર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ ખૂબ જ સામાન્ય રહ્યું હતું. નવેમ્બરમાં લઘુત્તમ તાપમાનનો પારો એકપણ વાર 15 ડિગ્રીથી નીચે ગયો ન હોય તેવું પાંચ વર્ષમાં પ્રથમવાર બન્યું હતું. પાંચ વર્ષ બાદ પહેલી ઘટના કે નવેમ્બરમાં અમદાવાદમાં પારો 15 ડિગ્રીથી નીચે ગયો નહીં. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્ છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછીના ચાર દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે.