અત્યારે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વાયુ (air pollution) પ્રદૂષણ એ એક મુખ્ય સ્વાસ્થ્ય (Health) ચિંતાનો વિષય બની ગયો છે. આપણે સામાન્ય રીતે PM2.5 માઇક્રોન, PM10 માઇક્રોન, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓઝોન અને અન્ય પરિમાણોના સમૂહને માપી શકીએ છીએ, પરંતુ સંશોધકો આ ઉત્સર્જન ઉપરાંતના ઘટકો માટે ધોરણો નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. તેમના મતે હવામાં અબજો કાર્બનિક સંયોજન (organic pollutants) કણો છે જે એરોસોલ અથવા સૂક્ષ્મ કણો તરીકે આપણી હવામાં છુપાયેલા છે અને સ્વાસ્થ્ય પર હાનિકારક અસરોનું કારણ બની શકે છે અને બીમાર (sick) કરી શકે છે.
જૈવિક અને પર્યાવરણીય વિજ્ઞાન વિભાગ, એન.વી. પટેલ કોલેજ, અને પર્યાવરણીય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ઇએસટી), વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (ISTAR)ના સંશોધકોની ટીમે કુલ 308 ઓર્ગેનિક કેમિકલ શોધી કાઢ્યા છે. આ કેમિકલ સંયોજનો કદમાં 2.5 માઇક્રોન તેમજ 1 માઇક્રોન અથવા તેનાથી ઓછા છે. અમદાવાદ, આણંદ, સુરત, ભુજ, અંકલેશ્વર, વડોદરા, ભાવનગર, વાપી અને રાજકોટ સહિત ગુજરાતના નવ શહેરોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. કુલ મળીને 242 એલિફેટિક સંયોજનો અને 66 ગંધ સંયોજનો મળી આવ્યાં હતાં.
વાતાવરણમાં મુક્ત કરાતાં કાર્બનિક સંયોજનો માટે હાલમાં કોઈ નિયમો નથી. આમાંના કેટલાક સંયોજનો જેમ કે મિથાઈલ સેરેટ અમદાવાદ અને સુરત સહિત નવ શહેરોમાં મળી આવ્યા હતા. હેક્સાડેકેનોઇક એસિડ, પેન્ટાડેકેનોઇક એસિડ અને ઇકોસેન એસિડ જેવા સંયોજનો પણ અમદાવાદ અને સુરતમાં મળી આવ્યા હતા.
વાપીમાં ટ્રિસિલૉક્સેન વધારે જોવા મળ્યાં છે. ભાવનગર સાઇટ પર 2,4-di-tert-butylphenol, પેન્ટાડેકેન અને ટ્રાયોક્ટોનિક ઓસિડના કણો પ્રબળ હતા. વડોદરા ખાતે 2-મેથાઇલોક્ટેકોસેન જોવા મળ્યું હતું.
અભ્યાસમાં જણાવાયું છે ઓર્ગેનિક સંયોજનો અથવા એરોસોલ્સ ટ્રાફિક અને ઔદ્યોગિક ઉત્સર્જન, કોલસાના બાયોમાસ બર્નિંગ અને કૃષિ કચરો દ્વારા ઉત્પન્ન થાય છે. આ કાર્બનિક પદાર્થો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે, જેના કારણે કાર્સિનોજેનિક, મ્યુટાજેનિક અને ટેરેટોજેનિક અસરો થાય છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં ફ્લેટધારકને 10 લાખનું વીજ બિલ ફટકારાયું, ગ્રાહકે ફરિયાદ કરતાં નવું બિલ આપ્યું
Published On - 7:52 pm, Mon, 7 March 22