‘ખતરો કે ખિલાડી 14’ને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. રોહિત શેટ્ટીના શો સાથે જોડાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ રેસલર સંગીતા ફોગાટને ‘ખતરો કે ખિલાડી’ ઓફર કરવામાં આવ્યો છે. આ પહેલા સંગીતાની બહેન ગીતા ફોગટે પણ રોહિત શેટ્ટીના શોમાં ભાગ લીધો હતો.
હવે કલર્સ ટીવી દ્વારા સંગીતાને આ શોમાં ભાગ લેવાની તક આપવામાં આવી છે. તાજેતરમાં જ સંગીતાએ સોની ટીવીના સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પોતાની ડાન્સિંગ ટેલેન્ટ બતાવીને દર્શકોના દિલ જીતી લીધા હતા.
સુત્રો પાસેથી TV9 હિન્દી ડિજિટલને મળેલી માહિતી અનુસાર સંગીતા ફોગટે હજુ સુધી આ શો માટે ‘હા’ નથી કહી. પરંતુ મેકર્સ તેને સાઈન કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. સંગીતાની જેમ જ સ્ટાર પ્લસની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ટીઆરપીના ઘણા રેકોર્ડ તોડનારા હર્ષદ ચોપરાને પણ આ એડવેન્ચર રિયાલિટી શોની ઓફર કરવામાં આવી છે. ‘યે રિશ્તા..’માંથી નીકળ્યા બાદ હર્ષદે થોડો બ્રેક લીધો હતો અને હવે તે ટીવી પર કમબેક કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
બિગ બોસ 17ના ઘરમાં અભિષેક કુમારને રોહિત શેટ્ટીએ ‘ખતરો કે ખિલાડી’માં સામેલ થવાની ઓફર કરી હતી. આ શો માટે કન્ફર્મ થનારો તે પ્રથમ ખેલાડી હતો. પરંતુ મળતી માહિતી મુજબ અભિષેક કુમાર આ શોને લઈને મૂંઝવણમાં છે. ક્લોસ્ટ્રોફોબિયાના કારણે અભિષેક ‘ખતરો કે ખિલાડી’ના ઘણા સ્ટંટ કરી શકતો નથી અને આ કારણે તે શોમાં પાછળ રહી શકે છે.
આ જ કારણ છે કે અભિષેક આ શોને લઈને બહુ ઉત્સુક નથી. રોહિત શેટ્ટીના શોમાં અભિષેક સિવાય શોએબ ઈબ્રાહિમ, વિવેક દહિયા, મુનાવર ફારૂકી, મનીષા રાની અને અભિષેક મલ્હાન જેવા ઘણા ચહેરાઓ જોવા મળી શકે છે.