બટાકા અને ટામેટાના ભાવ સતત ઘટી રહ્યા છે, ખેડૂતોને સરકારની મદદની આશા
ખેડૂતો બજારમાં પરિવહનનો મોટો ખર્ચ ઉઠાવવાને બદલે ટામેટા ફેંકવાનું પસંદ કરી રહ્યા છે. સરકારે તેનો ઉકેલ શોધવો જોઈએ અથવા તેમણે નાણાકીય સહાય પૂરી પાડવી જોઈએ.
ટામેટાના (Tomato) ભાવમાં મોટો ઘટાડો થયો છે. સાથે સાથે બટાકાના (Potato) ભાવ પણ સતત ઘટી રહ્યા છે અને આગામી સમયમાં તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. જાન્યુઆરી 2021 સુધીમાં બટાકા અને ટામેટાના ભાવ 50 ટકા સુધી નીચે આવી ગયા છે. મહારાષ્ટ્રમાં જથ્થાબંધ ટમેટાના ભાવ પ્રતિ કિલો 3 થી 5 રૂપિયા છે, જ્યારે દિલ્હીમાં જથ્થાબંધ બટાકાના ભાવ પ્રતિ કિલો 7 થી 9 રૂપિયા ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં લાસલગાંવ અને પિંપલગાંવ ચોમાસાની ઋતુની ભારતની બે સૌથી મોટી ટામેટા બજાર છે. ખેડૂતોને તેમની પેદાશ માટે માત્ર 3 થી 5 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. આ પરિવહન ખર્ચને પણ આવરી લેતું નથી.
ટામેટાની નિકાસને વેગ આપવાની માગ
અખિલ ભારતીય કિસાન સભાના અજીત નવલેએ જણાવ્યું હતું કે ખેડૂતો (Farmers) બજારમાં પરિવહનનો મોટો ખર્ચ ઉઠાવવાને બદલે ટામેટા ફેંકવાનું પસંદ કરી રહ્યા છે. રાજ્ય સરકારની સાથે વિપક્ષી પાર્ટીઓ પાસે પણ આ મુદ્દો ઉઠાવવાનો સમય નથી. સરકારે તેનો ઉકેલ શોધવો જોઈએ. તેમણે નાણાકીય સહાય પૂરી પાડવી જોઈએ અથવા ટમેટાનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવા માટે કામ કરવું જોઈએ.
છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાંથી પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ બંધ છે. લાસલગાંવ એપીએમસી મંડીના પ્રમુખ સુવર્ણા જગતાપે કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે ટામેટાંની નિકાસ ઝડપી કરવી જોઈએ, જેથી ખેડૂતોને વાજબી ભાવ મળી શકે.
દિલ્હીમાં આઝાદપુર મંડી ટામેટા ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અશોક કૌશિકે જણાવ્યું હતું કે, દિલ્હી અથવા અન્ય શહેરોમાં ટામેટા યોગ્ય સ્થિતિમાં પહોંચી શકતા નથી. એક તરફ, તેઓ ટામેટા ઉગાડતા શહેરોથી ઘણા દૂર છે અને બીજી તરફ અતિશય વરસાદને કારણે તેઓ અચાનક એકદમ પાકી જાય છે. આ કારણે, તેઓ પરિવહન દરમિયાન બગડી રહ્યા છે. અમે ઉત્તરીય રાજ્યો, ખાસ કરીને હરિયાણા અથવા જમ્મુમાં પૂરતી માત્રામાં ટામેટાં મોકલવા સક્ષમ નથી.
બટાકાના ભાવમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે
બટાકાના ભાવની પણ આવી જ સ્થિતિ છે. બટાકાના વધુ ઉત્પાદન અને નબળી માગને કારણે બટાકાના ભાવ પણ 2020 ના સ્તરથી 50 ટકા ઘટ્યા છે. આઝાદપુર મંડીના ડુંગળી અને બટાકાના વેપારી રાજીન્દર શર્માએ જણાવ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજમાં મોટો સ્ટોક છે, જ્યારે આગામી પાક પણ બમ્પર થવાની ધારણા છે. બિયારણના નીચા ભાવને કારણે આ વખતે બટાકાની વાવણી હેઠળના વિસ્તારમાં વધારો થવાની સંભાવના છે. સાથે સાથે આટલા ઓછા ભાવ હોવા છતાં બજારમાં બટાકાની કોઈ માગ નથી.
આ પણ વાંચો : વર્મી કંપોસ્ટ ખાતરથી પાકની ઉપજ વધશે અને ગુણવત્તા સુધરશે, ખેડૂતોની આવકમાં પણ થશે વધારો
આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે શેરડીના ભાવમાં કર્યો આટલો વધારો