આણંદ : કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને PMનું આહવાન
વડાપ્રધાનએ જણાવ્યું કે, આઝાદી પછીના દાયકાઓમાં કૃષિનો વિકાસ જે રીતે અને જે દિશામાં થયો છે એ આપણે સૌએ જોયું છે. આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે.
આણંદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને આહવાન કર્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગના સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે. જળવાયુ પરિવર્તનો ખતરો તોળાઇ રહ્યો છે. તેના ઉપચારાત્મક પગલાં રૂપે જમીન અને કૃષિમાં રાસાયણિક ખાતરો અને કિટનાશકોનો વપરાશ બંધ કરી પ્રકૃતિ તરફ પાછા વળવા તેમણે આગ્રહ કર્યો છે.
ઉદ્યમી અન્નદાતાની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના રાષ્ટ્રીય પરિષદમાં નેચરલ ફાર્મિંગ ઝીરો બજેટ ખેતી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આણંદ ખાતે દેશની સર્વ પ્રથમ પ્રાકૃત્તિક ખેતીની રાષ્ટ્રીય પરિષદને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉક્ત સંદર્ભે ઉમેર્યું કે, ભારતે ક્લાયમેટ ચેન્જ સમિટમાં જીવનને વૈશ્વિક અભિયાન બનાવવાનું આહવાન કર્યું હતું. ૨૧મી સદીમાં તેનું નેતૃત્વ ભારત અને ભારતના ખેડૂતો કરવાના છે.
વડાપ્રધાનએ જણાવ્યું કે, આઝાદી પછીના દાયકાઓમાં કૃષિનો વિકાસ જે રીતે અને જે દિશામાં થયો છે એ આપણે સૌએ જોયું છે. આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે. તેમણે કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં બિયારણથી લઇ બજાર સુધીની, માટી પરિક્ષણથી લઇ નવા બીજ નિર્માણ સુધી, પીએમ કિસાન સન્માન નિધિથી લઇ પોષણક્ષમ ભાવ દોઢ ગણા વધારવા તેમજ સિંચાઇના મજબૂત માળખાથી લઇ કિસાન રેલ સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે.
મોદીએ કહ્યું કે, આપણા દેશના કૂલ ખેડૂતોમાંથી ૮૦ ટકા ખેડૂતો નાના અને સિમાંત પ્રકારના છે. ત્યારે, પ્રાકૃતિક ખેતીનો સૌથી વધુ ફાયદો આ વર્ગના ખેડૂતોને થશે. તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો તેમની આર્થિક સ્થિતિ અને જીવન વધુ બહેતર બનશે. વડાપ્રધાનએ દેશના દરેક રાજ્ય અને સરકારોને પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવાનું આહવાન કરતા જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. ત્યારે, દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ કુદરતી ખેતી સાથે જોડાય તેવા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવા જોઇએ.
તેમણે કૃષિલક્ષી પ્રાચીન ભારતીય જ્ઞાનનું મહાત્મ્ય જણાવતા કહ્યું કે, ભારતમાં બે હજાર વર્ષ પૂર્વે થયેલા ઋષિઓ અને સંતોએ કેવી રીતે ખેતી કરવી તેનું વિપુલ જ્ઞાન આપણને આપ્યું છે. કૃષિ અંગે ઋગવેદ અને અર્થવવેદથી લઇ પુરાણો સુધી આપણા ઋષિ મુનીઓએ ભરપૂર સમજ આપી છે. તેમાં મૌસમ, પાણી અને જમીનની સારી માહિતી હોય તો ખેડૂત ક્યારેય ગરીબ રહે નહીં, એવું કહેવામાં આવ્યું છે. હવે, આ પ્રાચીન જ્ઞાનને આધુનિક ટેક્નોલોજી સાથે વિનિયોગ કરી વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય એમ છે. આપણી પાસે ટેક્નોલોજી અને સાધનોની ઉપલબ્ધી છે. માત્ર પ્રાચીન જ્ઞાન અનુસાર કુદરતી રીતે ખેતી કરવાની જરૂરત છે.
પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે શોધ અને સંશોધનો માત્ર કાગળ ઉપર રહી ન જાય એની તકેદારી રાખવાનું જણાવી મોદીએ કહ્યું કે, હવે આ શોધોને લેબથી લેન્ડ સુધી લાવવાની આપણી યાત્રા હોવી જોઇએ. ભારતની વિકાસ યાત્રા સાથે ખેતીનો પણ બહુ જ વિકાસ થયો હતો. રાસાયણિક ખાતરો અને દવાઓથી હરિત ક્રાંતિ આવી હતી, એ વાત સાચી છે. એની સાથે ખાતર અને કિટકનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી, વાતાવરણ અને સ્વાસ્થ્યને પણ નુકસાન થયું છે, એ વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, પ્રકૃતિને નુકસાન પહોંચાડતી આ ભૂલને સુધારવાનો આ જ સાચો સમય છે. તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મા ભારતીને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવામુક્ત બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા તેમણે હાંકલ કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિકારોના કલ્યાણ માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, તેની ભૂમિકા સ્પષ્ટ કરતા મોદીએ જણાવ્યું કે, આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ ખેડૂતો માટે અનેક ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુદ્રઢ કોલ્ડ ચેઇન, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને ફૂડ પ્રોસેસિંગ માટે કરોડો રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે.
માત્ર ખેતી જ નહીં, તેની આનુષાંગિક બાબતો ઉપર પણ લક્ષ્ય આપવામાં આવી રહ્યું છે. ખેતી સાથે પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્ય પાલન, સૌર ઊર્જા અને બાયો ફ્યુઅલ જેવા વિકલ્પો આપીને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.દેશ અને વિદેશમાં જૈવિક અને પ્રાકૃતિક પદ્ધતિથી પકાવેલા ખેત પેદાશોની માંગ સતત વધી રહી છે. સમગ્ર વિશ્વનું બજાર તેનું રાહ જોઇ રહ્યું છે. હવે, ભારતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અને સ્વાસ્થ્યપ્રદ ખેતઉપજોમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. તેની સાથે આ ક્ષેત્રમાં રોકાણની પણ વિપુલ તકો નિર્માણ થઇ છે. ખાદ્ય સંસ્કરણ અને તેની પ્રક્રીયાના આવિષ્કારમાં રોકણનો હાલમાં ઉત્તમ સમય છે.
વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા કૃષિ અને કૃષિકારોને આત્મ નિર્ભર બનાવવા સાથે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી જનજનનું આંદોલન બનાવવા અપીલ કરી હતી.