દેશને મળશે આકાશનો ‘રક્ષક’, ભારતીય વાયુસેનાના ‘અગ્નિવીર’ની ટ્રેનિંગ શરૂ
Indian Air Force : સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રકાશિત વર્ષના અંતે સમીક્ષા રિપોર્ટમાં અગ્નિપથ યોજનાને 'મુખ્ય પરિવર્તનશીલ સુધારા' તરીકે વર્ણવવામાં આવી છે.
ભારતીય વાયુસેનામાં અગ્નિપથ યોજના હેઠળ ભરતી થનારી 3000 અગ્નિવીરોની પ્રથમ બેચ શુક્રવારે તેમની ટ્રેનિંગ શરૂ કરી. આ અગ્નિવીરોની આ વર્ષે જ Agnipath Scheme હેઠળ ભરતી કરવામાં આવી છે. ભારતીય સેનામાં ભરતી થયેલા અગ્નિવીરોની પ્રથમ બેચ 2 જાન્યુઆરી, 2023થી રેજિમેન્ટલ કેન્દ્રોમાં ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહી છે. આ મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. અગ્નિપથ યોજના દ્વારા સેનામાં ભરતીની રીત સંપૂર્ણપણે બદલી દેવામાં આવી છે.
ભારતીય નૌકાદળના અગ્નિવીરોએ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ તેમની તાલીમ શરૂ કરી હતી. અગ્નિપથ યોજના હેઠળ, યુવાનોને ત્રણેય દળોમાં ટૂંકા ગાળા માટે સામેલ કરવામાં આવી રહ્યા છે. આ યોજના દ્વારા સેનાની દાયકાઓ જૂની ભરતી પ્રણાલીને ખતમ કરી દેવામાં આવી છે. સરકારે આ વર્ષે જૂનમાં જ અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. જો કે આ યોજનાની જાહેરાત બાદ ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ થયો હતો. વિપક્ષે પણ આ યોજનાની ટીકા કરી હતી પરંતુ ટૂંક સમયમાં યુવાનોએ આ યોજનામાં રસ દાખવવાનું શરૂ કર્યું.
ટ્રેનિંગ ક્યાં થઈ રહી છે?
વાયુસેનાના 3000 અગ્નિવીરોની પ્રથમ બેચે શુક્રવારે કર્ણાટકના બેલાગવી સ્થિત એરમેન ટ્રેનિંગ સ્કૂલમાં તેમની તાલીમ શરૂ કરી. જ્યારે નેવીના અગ્નિવીરોએ ઓડિશામાં INS ચિલ્કા ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટમાં તેમની તાલીમ શરૂ કરી હતી. નેવીની પ્રથમ બેચમાં 3000 તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 341 મહિલાઓ છે.
ભારતીય વાયુસેનાએ પહેલાથી જ જાહેરાત કરી છે કે તે આવતા વર્ષથી અગ્નિપથ યોજના હેઠળ મહિલાઓને સામેલ કરવાનું શરૂ કરશે. આર્મીના અગ્નિવીરોમાં 100 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમને મિલિટરી પોલીસ કોર્પ્સમાં સામેલ કરવામાં આવશે. અહેમદનગર, નાસિક, હૈદરાબાદ, જબલપુર, બેંગલુરુ, રામગઢ, દાનાપુર, રાનીખેત અને ગોવાના રેજિમેન્ટ કેન્દ્રોમાં આર્મી અગ્નિવીરોને છ મહિના માટે તાલીમ આપવામાં આવશે.
અગ્નિપથ યોજનાને ‘મુખ્ય પરિવર્તનકારી સુધારા’ તરીકે વર્ણવવામાં આવી
બીજી તરફ, સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રકાશિત એક વર્ષના અંતે સમીક્ષા અહેવાલમાં અગ્નિપથ યોજનાને ‘મુખ્ય પરિવર્તનકારી સુધારા’ તરીકે વર્ણવવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર ત્રણેય સેવાઓમાં 46,000 નોકરીઓ માટે 54 લાખ યુવાનોએ અરજી કરી હતી. અગ્નિપથ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ લગભગ 19,000 યુવાનોને આર્મીમાં તાલીમ આપવામાં આવશે. તે પછી માર્ચમાં બીજા તબક્કા દરમિયાન 21,000 યુવાનો અગ્નિવીરની તાલીમ મેળવશે.