નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે એબીજી શિપયાર્ડ (ABG Shipyard) મામલે સરકાર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે અગાઉની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના કાર્યકાળ દરમિયાન એબીજીનું ખાતું NPA બની ગયું હતું. નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું કે બેન્કોએ તેને સરેરાશ કરતાં ઓછા સમયમાં પકડી પાડ્યું અને હવે આ મામલે કાર્યવાહી ચાલી રહી છે.
સીતારમને સોમવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (Reserve Bank of India) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથેની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “આ મામલે બેંકોને શ્રેય મળશે. તેમણે આ પ્રકારની છેતરપિંડીને પકડવા માટે સરેરાશ કરતાં ઓછો સમય લીધો.” તેમણે બેંકોની પ્રશંસા કરતા કહ્યું કે આ કૌભાંડને પકડવામાં 55 મહિનાનો સમય લાગે છે, અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકની આગેવાની હેઠળની બે નોંધાયેલ બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી માટે આ કેસ નોંધવામાં આવ્યો છે. ABG શિપયાર્ડ કૌભાંડ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતા પણ મોટું છે.
એક દિવસ પહેલા જ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ પોતાની વાત રાખી હતી. સ્ટેટ બેંકે પણ એબીજી શિપયાર્ડ કંપનીમાં લોન આપી છે. સ્ટેટ બેંક પર કેસ મોડેથી રજીસ્ટર કરવાનો આરોપ છે. આ અંગે એસબીઆઈએ રવિવારે કહ્યું હતું કે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ બાદ એબીજી શિપયાર્ડ ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવા માટે તે સીબીઆઈ સાથે ગંભીરતાથી કામ કરી રહી છે.
છેતરપિંડીનો આ મામલો રાજકીય રંગમાં આવી ગયો છે અને કોંગ્રેસે સરકારને પૂછ્યું છે કે છેતરપિંડીનો કેસ નોંધવામાં આટલા વર્ષો કેમ લાગ્યા? આ આરોપનો જવાબ આપતા SBIએ એક નિવેદનમાં કહ્યું કે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના પરિણામના આધારે છેતરપિંડીનો મામલો જાહેર કરવામાં આવે છે. ધિરાણ આપનારી તમામ બેંકોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને જ્યારે છેતરપિંડીનો મામલો સ્પષ્ટ થયો, ત્યારે સીબીઆઈમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી.
SBIએ કહ્યું કે સમગ્ર પ્રક્રિયામાં વિલંબ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. બીજી તરફ, નિર્મલા સીતારમણે બેંકોની પ્રશંસા કરતા કહ્યું કે બેંકોએ આટલા ઓછા સમયમાં છેતરપિંડીનો પર્દાફાશ કરીને સારું કામ કર્યું છે. સીબીઆઈએ દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમમાંથી 22,842 કરોડ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડીના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
અગ્રવાલ ઉપરાંત, સીબીઆઈએ તત્કાલિન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર્સ – અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ પર કથિત રૂપે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસના ગુનાહિત ભંગ અને સત્તાવાર ગેરરીતિ જેવા અપરાધો માટે કેસ નોંધ્યો. આ લોકો સામે ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
8 નવેમ્બર 2019 ના રોજ બેંકોના કન્સોર્ટિયમ દ્વારા પ્રથમ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના પર સીબીઆઈએ 12 માર્ચ 2020 ના રોજ કેટલાક જવાબો માંગ્યા હતા. બેંકોના કન્સોર્ટિયમે તે વર્ષે ઓગસ્ટમાં નવી ફરિયાદ નોંધાવી હતી અને દોઢ વર્ષથી વધુ તપાસ બાદ સીબીઆઈએ તેના પર કાર્યવાહી કરી.
સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે ફોરેન્સિક ઓડિટમાં ખુલાસો થયો કે 2012-17ની વચ્ચે આરોપીઓએ કથિત રીતે સાંઠગાંઠ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી. આમાં નાણાંનો ગેરઉપયોગ અને વિશ્વાસનો ગુનાહિત ભંગનો સમાવેશ થાય છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે.
આ પણ વાંચો : Gold Price Today : સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, ગુજરાતમાં 1 તોલા સોના માટે 51300 રૂપિયા ખર્ચવા પડશે