Budget 2022: સરકાર 2022-23માં તેની કુલ સબસિડીમાં ઘટાડો કરશે. સરકાર આગામી બજેટમાં તેની ખાદ્ય અને ખાતર સબસિડી અનુક્રમે 2.60 લાખ કરોડ અને 90,000 કરોડ રૂપિયા રાખે તેવી અપેક્ષા છે. આ નાણાકીય વર્ષ 2022ના સુધારેલા અંદાજ કરતાં ઓછું છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ સબસિડી બિલ 5.35થી 5.45 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે. અધિકારીઓએ ETને જણાવ્યું હતું કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં તેમાં ઘટાડો કરવા માંગે છે.
અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023 માટે રાજકોષીય ખાધ કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 6.5 ટકા રહેવાની ધારણા છે. આ છેલ્લા બજેટમાં જાહેર કરાયેલ જીડીપીના 6.8 ટકાથી અલગ છે. એક અધિકારીએ કહ્યું કે ખાદ્ય અને ખાતર પરની સબસિડી અમારા નાણાકીય લક્ષ્યાંક મુજબ હશે.
વર્તમાન નાણાકીય વર્ષ માટે ખાદ્ય સબસિડી બિલ અંદાજે 3.90 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે, જે બજેટમાં કરવામાં આવેલા 2.43 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. પરંતુ તે નાણાકીય વર્ષ 2021ના 4.22 લાખ કરોડ રૂપિયા કરતાં ઓછું છે.
નાણાંકીય વર્ષ 2022માં ખાદ્ય સબસિડી બજેટમાં ફાળવવામાં આવેલ કરતાં વધુ હશે, તેની પાછળનું કારણ કોરોના મહામારીને કારણે માર્ચ 2022 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત અનાજનું વિતરણ છે. નાણાકીય વર્ષ 2022 માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો કુલ ખર્ચ 1.47 લાખ કરોડ રૂપિયાનો અંદાજવામાં આવ્યો છે. સરકારે બજેટમાં નાણાકીય વર્ષ 2022 માટે ખાતર સબસિડી માટે 79,530 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
જો કે, સરકારે ખાતરની વધતી કિંમતો અને પુરવઠાની મર્યાદાઓને કારણે બમણું વધારાનું ભંડોળ પૂરું પાડવું પડશે, જેનાથી સબસિડી બિલ લગભગ બમણું થઈને 1.41 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. અહેવાલ મુજબ નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાતર સબસિડી માટે ફાળવણી નાણાકીય વર્ષ 2023ના સુધારેલા અંદાજ કરતાં ઓછી હશે.
ક્રેડિટ રેટિંગ એજન્સીના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં કુલ 1.47 લાખ કરોડ રૂપિયાના ખર્ચમાંથી 90,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. આનો અર્થ એ છે કે ફૂડ સબસિડી માટે વધારાની ફાળવણી 60,000 કરોડ રૂપિયાની રહેશે.