તમામ કામનાઓને પૂર્ણ કરશે કામિકા એકાદશી, જો આ રીતે કરશો શ્રીવિષ્ણુની આરાધના
કામિકા એકાદશી (Ekadashi) પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા જરૂર કરવી. ભગવાન વિષ્ણુને પીળો રંગ અને પીળા પુષ્પ પસંદ છે. તેનાથી પ્રસન્ન થઈ શ્રીહરિ મનોકામનાપૂર્તિના આશિષ પ્રદાન કરે છે.
અષાઢ માસની વદ પક્ષની એકાદશી કામિકા એકાદશી (kamika ekadashi) તરીકે પ્રસિદ્ધ છે અને આજ રોજ આ જ શુભ અવસર પ્રાપ્ત થયો છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની (lord vishnu) અથવા તો તેમના 10 અવતારમાંથી કોઇપણ એક અવતારની પૂજા વિધિ-વિધાનથી કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. હિન્દુ ગ્રંથો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી વાજપેય યજ્ઞ કરવા જેટલું પુણ્યફળ મળે છે. કામિકા એકાદશી એટલે નાનામાં નાના કર્મ કરીને પુણ્ય કમાવવાનો અવસર. આ એકાદશીના રોજ વિષ્ણુ ભગવાન, પીપળાનું વૃક્ષ, ગાયમાતા તેમજ તુલસીમાતાની પૂજા કરવાનું વિધાન છે.
કહે છે કે જે ભક્ત એકાદશીના રોજ પૂર્ણ શ્રદ્ધા તેમજ શુદ્ધ ભાવ સાથે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીના દિવસે કેટલાક સરળ ઉપાયો કરીને આપ પણ સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકો છો. તો ચાલો, આપને જણાવીએ એ સરળ અને સચોટ ઉપાયો.
લક્ષ્મીપ્રાપ્તિનો ઉપાપ
ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય તે માટે આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે. તે માટે હળદરની ગાંઠના 2 ટુકડા લેવા. ત્યારબાદ ચાંદી લો. જો ચાંદી ન હોય તો રૂપિયાનો સિક્કો લો. તેને એક પીળા વસ્ત્રના ટુકડામાં લપેટીને તે ભગવાનને અર્પણ કરો. ત્યારબાદ ભગવાનના આશીર્વાદ લઇ ઘરમાં જે સ્થાન પર ધન-સંપત્તિ રાખતા હોવ ત્યાં આ પોટલી મૂકી દો. આ ઉપાય કરવાથી આપના પર વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ રહેશે.
તુલસીપત્રથી વિષ્ણુકૃપા !
શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર આ એકાદશીએ તુલસીપત્ર તેમજ તેની માંજરથી વિષ્ણુ પૂજનનો મહિમા છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને જાગરણ કરે છે, સાથે જ તુલસીપત્ર કે તેની માંજરથી વિષ્ણુજીની પૂજા કરે છે, તેને ક્યારેય યમનો ભય રહેતો નથી, અને તે વ્યક્તિ ક્યારેય દુર્ગતિને પણ પામતો નથી.
કામિકા એકાદશીની વિશેષ પૂજાવિધિ દ્વારા પ્રાપ્ત કરો લક્ષ્મી-નારાયણના આશીર્વાદ
કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા અવશ્ય કરવી.
ભગવાન વિષ્ણુને પીળો રંગ અને પીળા પુષ્પ પસંદ છે. તેનાથી પ્રસન્ન થઈ શ્રીહરિ મનોકામનાપૂર્તિના આશિષ પ્રદાન કરે છે.
એકાદશી પર પીળા રંગના ફળ, વસ્ત્ર તેમજ અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો.
પછી આ બધી વસ્તુઓ કોઈ જરૂરીયાતમંદને દાનમાં આપી દો.
કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાંખી ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ અકબંધ રહેશે.
એકાદશી પર પીપળના ઝાડને જળ ચઢાવો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. કહે છે કે અગિયારસના રોજ પીપળાને પાણી અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે.
જો શક્ય હોય તો અગિયારસે સૌભાગ્યવતી સ્ત્રીઓને ઘરે બોલાવીને ફળાહાર કરાવો અને સાથે જ તેને સૌભાગ્ય શણગાર સંબંધી સામગ્રી ભેટમાં આપો. તેનાથી ઘરની સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહેશે અને ઘરમાં ખુશીઓ અકબંધ રહેશે.
એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનાં ઘીનો દીપક પ્રગટાવો અને ।। ૐ વાસુદેવાય નમઃ ।। મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહેશે અને ક્યારેય સંકટ નહીં આવે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)