Ambaji સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબાજીમાં રસ્તા પર વહેતી થઈ નદી
બનાસકાંઠામાં આવેલા અમીરગઢના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. જોકે ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
બનાસકાંઠાના (Banaskantha) અંબાજીમાં (Ambaji) બપોર બાદ ભારે વરસાદ વરસ્યો હતો. આખો દિવસ ઉકળાટ બાદ બપોર બાદ જાણે અંધારપટ છવાઈ ગયો હતો અને અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા ભારે વરસાદને પગલે અનેક યાત્રિકો મંદિરમાં અટવાઈ ગયા હતા. થોડીવાર આવેલા ભારે વરસાદને પગલે અંબાજીના રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી.
અમીરગઢના વિરમપુર પંથકમાં ધોધમાર વરસાદ
બનાસકાંઠામાં આવેલા અમીરગઢના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. જોકે ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
મહેસાણા જિલ્લામાં બફારા બાદ ગાજવીજ સાથે વરસાદ
ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બપોરે ગરમી બાદ અચાનક કાળા ડિંબાગ વાદળો ઉમટી આવ્યા હતા અને વરસાદ તૂટી પડ્યો હતો.
ખેડાના ઠાસરા તાલુકામાં છવાયો અંધારપટ
ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ અંધારમય બની ગયું હતું અને યાત્રાધામ ડાકોરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે જ ઠાસરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો તો જિલ્લાના કાલસર, રખીયાલ, રાયપુરા બોરડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભાદરવાના ઉકળાટ બાદ બારે વરસાદ થતા લોકોએ રાહત અનુભવી હતી.