ભાદરવી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, અંબાજી,ખેડબ્રહ્મા અને શામળાજીમાં શ્રદ્ધાળુઓ માટે ખાસ સુવિધા
મા અંબાના ધામ અંબાજીમાં (Ambaji) ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તો શામળાજી (Shamlaji) મંદિર પણ ભક્તોમય બન્યું છે. તો ખેડબ્રહ્મા મંદિરમાં પણ વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે.
ભાદરવી પૂનમના (Bhadravi Poonam) દિવસે ગુજરાતના (Gujarat) વિવિધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતુ હોય છે. ત્યારે આ વર્ષે પણ શામળાજી, અંબાજી (Ambaji) અને ખેડબ્રહ્મા મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મા અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તો શામળાજી મંદિર પણ ભક્તોમય બન્યું છે. તો ખેડબ્રહ્મા મંદિરમાં પણ વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે. ખેડબ્રહ્મામાં જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. તો અંબાજી મંદિરમાં વહેલી સવારના 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ પણ એલર્ટ છે.
અંબાજીમાં ચુસ્ત બંદોબસ્ત
શક્તિપીઠ અંબાજી કરોડો માઇભક્તોના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ભાદરવી પૂનમના મેળાને લઈને માનવ મહેરામણ ઉમટ્યું છે. મોટી સંખ્યામાં માઈભક્તો માના શરણમાં શીશ ઝૂકાવવા પહોંચી રહ્યા છે. દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર ખાતે પહોંચી રહ્યા છે. મેળો પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારીઓ પણ માને ધજા ચડાવશે. ભક્તોને આવકારવા માટે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુ પગપાળા આવીને કરી રહ્યા છે દર્શન
અરવલ્લીના શામળાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજના દિવસે પગપાળા જઈને શામળાજીના દર્શન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. જેને પગલે મોટી સંખ્યામાં પગપાળા આવીને શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના દર્શન કર્યા છે. જિલ્લા પોલીસ વડાએ પણ પોલીસ સ્ટાફ સાથે પગપાળા આવીને ભગવાનના દર્શન કર્યા છે.. તેમણે આવનારું વર્ષ જિલ્લા માટે શાંતિપૂર્ણ રહે તેવી પ્રાર્થના કરી છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડને પગલે આજે મંદિર એક કલાક વહેલું ખોલવામાં આવ્યું હતું.
500થી વધુ પગપાળા સંઘ મંદિરે આવ્યા
ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું.. નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં દરવર્ષે ભાદરવી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે. આ વર્ષે પણ 500થી વધુ પગપાળા સંઘ મંદિરે આવ્યા છે.. માનતા રાખના શ્રદ્ધાળુઓએ ધજા ચઢાવીને પોતાની માનતા પૂરી કરી છે. 52 ગજની ધજા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંદિરના શિખર પર ધજા ચઢાવીને ધન્યતા અનુભવી છે.. સાત દિવસના ભાદરવી પૂનમના મેળા દરમિયાન 10 લાખથી વધુ લોકોએ માાજીના દર્શન કર્યા છે.