વાવ બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં ઉતર્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે લીધા નિશાને, જુઓ વીડિયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને નિશાને લીધા છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને લઈને શક્તિસિંહે વિધાનસભાના અધ્યક્ષના પદની ગરિમા યાદ અપાવી હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ, વાવ બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. શંકર ચૌધરીએ બનાસકાંઠાની ધરતીને નર્મદાનું પાણી પહોચાડવાનુ કામ ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હોવાનું યાદ દેવડાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત બનાસકાંઠા ભાજપના અગ્રણીઓ સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એક મંચ ઉપર બેઠા હતા.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહે, શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદની ગરિમા યાદ અપાવતા કહ્યું કે, અધ્યક્ષની ખુરશી પર જે બેસે છે તેમણે રાજકીય પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવાનું હોય છે. અધ્યક્ષ ક્યારેય રાજકારણમાં રસ દાખવતા નથી. અત્યારના અધ્યક્ષને હુ વિનંતી કરીશ કે મહેરબાની કરજો, આ પરંપરાને ડાઘ લાગે તેવુ કામ આપ ના કરતા, આ ગુજરાતની પરંપરા રહી છે.
સાથોસાથ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના પદની ગરિમા જાળવવાની અપિલ કરતા કહ્યું કે, આ પદની ગરિમા જાળવવાની પહેલ કરે. ગુજરાતના મુખ્ય પ્રધાનને વિનંતી કરીશ, કે તમારી ફરજ છે કે સ્પીકરના પદને ડાઘ ના લાગવા દેવો, તમારે અધ્યક્ષને ના પાડવી જોઈએ કે, રાજકીય બેઠકોમાં મારા અધ્યક્ષને લઈ જઈને હુ મારા અધ્યક્ષ ને કલંકિત નહી કરુ, એ કહેવાની જવાબદારી મુખ્યપ્રધાનની છે.