વધુ એક જાસૂસી કાંડનો ખુલાસો, નવસારીના 5 વોટ્સએપ ગ્રુપના એડમીન સામે પોલીસ ફરિયાદ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Navsari News : આરોપીઓ ભુસ્તરશાસ્ત્રીની કચેરી અને ખનીજ ખાતાના અધિકારીઓ પર નજર રાખતા હતા. ચેમ્બરમાં કામ માટે આવેલા 3 લોકોના ફોન રેન્ડમલી તપાસ કરતા ખુલાસો થયો છે.
નવસારીમાં વધુ એક જાસૂસી કાંડનો ખુલાસો થયો છે. નવસારીના 5 વોટ્સએપ ગ્રુપના એડમીન સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. 3 યુવાનોએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં હોવાની આશંકા છે. તેઓ ભૂસ્તર વિભાગની કચેરીની બહાર બેસી સરકારી અધિકારીની માહિતી પહોંચાડતા હોવાની શંકા છે. આ અંગે નવસારીના માઇનિંગ ઓફિસર કમલેશ આલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
આરોપીઓ ભુસ્તરશાસ્ત્રીની કચેરી અને ખનીજ ખાતાના અધિકારીઓ પર નજર રાખતા હતા. ચેમ્બરમાં કામ માટે આવેલા 3 લોકોના ફોન રેન્ડમલી તપાસ કરતા ખુલાસો થયો છે. ફોનમાંથી વિભાગની માહિતી પહોંચાડતા ગ્રુપ મળી આવ્યા છે. સરકારી અધિકારીઓ ક્યાં જાય છે અને શું કાર્યવાહી કરે છે તેની માહિતી તેઓ આગળ આપતા હતા. ગ્રુપમાં દક્ષિણ ગુજરાતના રેતી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોવાની આશંકા છે. નવસારી ગ્રામ્ય પોલીસે ગ્રુપ એડમીનના નંબરો લઈ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ માટે ડ્રાઈવર ઉપર વોચ રખાતી હતી
મહત્વનું છે કે આ પહેલા ભરુચમાં જાસુસી કાંડ સામે આવ્યુ હતુ. જાસૂસીકાંડમાં સ્ટેટ મોનીટરીંગ સેલ અને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ લાંબા સમયથી નયન અને પરેશની દારૂની રેડમાં સફળ રહેતા ન હતા. તપાસમાં બહાર આવ્યું કે અધિકારીઓના લોકેશન કાઢવાની માહિતી જાહેર ન થાય તે માટે PI ફિલ્ડમાં હોય ત્યારે તેમના ડ્રાઈવરના મોબાઈલ લોકેશન બુટલેગરોને પહોચાડી દેવામાં આવતા હતા. આ કારણે સક્રિય હોવા છતાં પોલીસ આ બુટલેગરોનું દારૂના વેપલાનું નેટવર્ક નેસ્તનાબૂદ કરી શકી નહીં.
ગુજરાત પોલીસના કથિત જાસૂસીકાંડમાં કથિત જાસૂસ એવે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની ધરપકડ બાદ ભરૂચ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે પોલીસની રજૂઆતોને માન્ય રાખી કુલ 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. મામલાની ડીવાયએસપી સી કે પટેલ તપાસ કરી રહયા છે.