PSM100: 2 મહિલાઓએ સતત 100 કલાકની સેવા આપી બનાવ્યું પ્રમુખ સ્વામીનું વિશાળ બબલ પેઇન્ટિંગ
PSM100: આ મહોત્સવમાં કેટલીક મહિલા કલાકાર સેવકોએ પણ પોતાનો અનોખો ફાળો આપ્યો છે. 2 મહિલાઓએ સતત 100 કલાકની સેવા આપી પ્રમુખ સ્વામીનું એક બબલ પેઇન્ટિંગ બનાવ્યુ છે.
અમદાવાદમાં એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી થઇ રહી છે. 14 ડિસેમ્બરે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવનું ઉદ્દઘાટન કર્યું હતુ. દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચી રહ્યા છે. આ મહોત્સવ જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો છે. ત્યારે આ મહોત્સવમાં કેટલીક મહિલા કલાકાર સેવકોએ પણ પોતાનો અનોખો ફાળો આપ્યો છે. 2 મહિલાઓએ સતત 100 કલાકની સેવા આપી પ્રમુખ સ્વામીનું એક બબલ પેઇન્ટિંગ બનાવ્યુ છે.
પ્રમુખસ્વામી મહોત્સવ ધર્મ-આસ્થા સાથે હરિભક્તોના પરીશ્રમનો પણ મહોત્સવ બની ચૂક્યો છે. બાપાને શ્રદ્ધાંજલિ અર્પવા હરિભક્તો તન, મન, ધનથી યથાયોગ્ય પુરૂષાર્થ કરી રહ્યા છે. પોતાના ગુરૂ પ્રત્યેના પ્રેમભાવના આવા જ એક પ્રયાસના દર્શન થયા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં. અહીં બબલ વ્રેપ પેઇન્ટિંગ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
140 મહિલાઓ, 6 મહિનાનો સમય અને 8.5 લાખ પરપોટામાં રંગકામ કર્યુ છે. પ્રમુખ સ્વામીનું પેઇન્ટિંગ તૈયાર કરવા લંડનમાં રહેતી હરિભક્ત મહિલાઓએ કમરકસી અને બાપાનું વિશાળ બબલ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. આ બબલ પેઇન્ટિંગ 13 મીટર લંબાઇ અને 7.5 મીટર પહોળાઇ ધરાવતું 4,500 કિલો વજનવાળુ આ પેઇન્ટિંગ શતાબ્દી મહોત્સવમાં કેવી રીતે લાવવુ તે એક પ્રશ્ન હતો. જોકે પેઇન્ટિંગ તૈયાર કરનાર મહિલાઓએ તેનો પણ તોડ શોધી કાઢ્યો અને વિશ્વના અનોખા બબલ પેઈન્ટિંગના 104 કટકા કરીને તેને અમદાવાદ લાવવામાં આવ્યું. મહત્વપૂર્ણ છે કે ભક્તોને બાપાના બબલ પેઇન્ટિંગનો વિચાર નરેન્દ્ર મોદીના ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગમાંથી આવ્યો હતો.