લોકોને આશા હોય કે જો તેમની સાથે કંઇ ખોટું થશે કે તેમને મદદની જરૂર હશે તો પોલીસ તેમની મદદ કરશે. પોલીસ ફરિયાદ કરશે તો તેમની સમસ્યાનું સમાધાન થશે. પરંતુ આણંદના ગામડી ચોકીના પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદીએ જે આક્ષેપ કર્યા તે સવાલ ઊભા કરે છે કે શું આવી કામગીરી પોલીસની હોવી જોઇએ??
સૌ પ્રથમ આપને આ સમગ્ર વિવાદ શું છે તેનાથી માહિતગારી કરીએ. એક યુવક રસ્તા પર જતો હતો, તેનો કોઇની સાથે અકસ્માત થયો. યુવક અકસ્માતની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો. પરંતુ તેને જે આશા હતી તેનાથી બિલકુલ વિપરીત વર્તન તેની સાથે પોલીસ કર્મચારીઓએ કર્યું. પોલીસ ચોકીમાં જ ફરિયાદી યુવકને માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો. યુવકને માર મારતા કાનના ભાગે ઈજા થઈ જેથી તેને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. પોલીસની આ પ્રકારની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસની કામગીરી એ જાહેર સુરક્ષા અને કાયદા સાથે સંબંધિત વિવિધ જવાબદારીઓ સમાવિષ્ટ કરે છે. યોગ્ય પોલીસ કામગીરીને અમલમાં લાવવી, લોકોની ફરિયાદને સાંભળી તેનું નિરાકરણ લાવવું, યોગ્ય અને ન્યાયસંગતતા હોવી જોઈએ. પોલીસે કાયદાનું પાલન કરવું જોઈએ અને તેનો સારી રીતે અમલ કરવો જોઈએ. જેમાં ન્યાયલક્ષી અને કાયદેસર કાર્યવાહીનો સમાવેશ થાય છે. જાહેર સ્થાનો પર અપરાધ અને ગુનાઓ અટકાવવાની જવાબદારી પણ પોલીસની છે. લોકોનો વિશ્વાસ જાળવવા માટે પોલીસને ઇમાનદાર અને પારદર્શી હોવું જોઈએ. ભ્રષ્ટાચાર અને દુશ્મનાવટ ન રાખી સત્યનો પક્ષ લેવો જોઇએ. પોલીસને સ્થાનિક સમુદાય સાથે સંબંધો ગાઢ કરવા જોઈએ અને લોકશક્તિ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધારવા માટે કાર્ય કરવું જોઈએ. પરંતુ અહીં ઉલટી ગંગા જોવા મળતા પોલીસ કર્મચારીઓના વર્તન પર જ ફરિયાદે આક્ષેપ કર્યા છે.