Bharuch : સર્વ નમન વિદ્યામંદિરમાં 8 સાધ્વીઓની નિમણુંક બાદ હંગામો થયો, વિદ્યાર્થીનીઓએ રડતા પરિવારને ફોન કરતાં વાલીઓ દોડી આવ્યા
ઉલ્લેખનીય છે કે સવારે માંડમાંડ સ્થાનિક વાલીઓના રોષને શાંત પડ્યા બાદ બપોર બાદ વિદ્યાર્થીનીઓના રડતા વીડિયોએ ફરી મામલો ગરમ કર્યો હતો. ફરી એકવાર પોલીસ દોડી આવી હતી. નવા સ્ટાફની નિમણૂકના વિરોધ અને જુના સ્ટાફની છટણીની આશંકાઓ વચ્ચે આ વિવાદ ભડક્યો હતો
હરિધામ સોખડા સંચાલિત ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટમાં ફેરફારના મામલે 450 વિદ્યાર્થીનીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સોખડાથી રેસિડેન્સીયલ સ્કૂલમાં 8 સાધ્વીબેનોની નિમણુંકના વિરોધમાં વાલીઓએ શાળામાં હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીનીઓના રડતા પરિવારને કોલ કરતા વાલીઓ દોડી આવ્યા હતા. બાળકોએ શાળામાં વાતાવરણ સારું ન હોવાની રજુઆત કરી હતી. ઝાડેશ્વર નીલકંઠ મહાદેવ મંદિરની સામે આવેલી સર્વનમન વિદ્યામંદિર વર્ષ 2004 થી કાર્યરત છે. આ રેસિડેન્સીયલ સ્કૂલમાં 450 દીકરીઓ અભ્યાસ કરે છે. હરિધામ સોખડા સંચાલિત આ સ્કૂલમાં મેનેજમેન્ટમાં બદલાવના એક વાઇરલ મેસેજે વિવાદને જન્મ આપ્યો હતો.
વાલીઓએ સ્કૂલમાં હંગામો મચાવ્યો
બુધવારે મેનેજમેન્ટમાં ફેરફારના વાઇરલ મેસેજ સાથે અહીં અભ્યાસ કરતી દીકરીઓના માતા-પિતા શાળાએ પોહચ્યા હતા. દીકરીઓની પરીક્ષા 17 મીથી શરૂ થઈ રહી છે. દીકરીઓની સેવામાં જે સાધ્વી બહેનો 17 વર્ષથી હતા તેમને ટર્મની વચ્ચે હટાવવાના ખોટા નિર્ણયના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો.
આ એક મેસેજે વાલીઓની ચિંતા વધારી તેમને વિચારતા કરી દીધા હતા. વાળીઓનું ટોળું આજે શાળાએ પહોંચી મેનેજમેન્ટમાં ફેરફાર ચાલુ સત્રમાં કરવાની નારાજગી હતી. વાલીઓએ સવાલોનો મારો ચલાવ્યો હતો. સામે પરીક્ષાઓ હોય ત્યારે ચાલુ સત્રમાં સ્ટાફ બદલવા સામે વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસ દોડી આવી
વિવાદને પગલે દરમિયાનગીરી કરવા સી ડિવિઝન પોલીસે પણ દોડી આવવું પડ્યું હતું. જોકે સ્થાનિક મેનેજમેન્ટે દીકરીઓના ભવિષ્ય, શિક્ષણ અને સલામતી માટે સંસ્થા દ્વારા નિર્ણય લેવાતા હોવાની સ્પષ્ટતા કરી હતી. આ વધારાનો સ્ટાફ સુવિધા અને સલામતી વધારવા મુકાયો હોવાની કેફિયત રજૂ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે સવારે માંડમાંડ સ્થાનિક વાલીઓના રોષને શાંત પડ્યા બાદ બપોર બાદ વિદ્યાર્થીનીઓના રડતા વીડિયોએ ફરી મામલો ગરમ કર્યો હતો. ફરી એકવાર પોલીસ દોડી આવી હતી. નવા સ્ટાફની નિમણૂકના વિરોધ અને જુના સ્ટાફની છટણીની આશંકાઓ વચ્ચે આ વિવાદ ભડક્યો હતો .
Published on: Dec 15, 2022 06:53 AM
Latest Videos