સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાને સનાતનધર્મી મોકલશે નોટિસ
સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પુસ્તકોમાં અને નિવેદનોમાં આવતી તથ્ય વગરની વાતો બાબતે જરૂરી ખુલાસો માંગવામાં આવશે. જો ખુલાસો નહીં કરે તો સમયસર કોર્ટની રાહે જઈને અમે કાયદેસર પગલાં લેવાની દિશામાં આગળ વધીશું.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ધર્મ ક્ષેત્રના વિવાદ અવારનવાર સર્જાઈ રહ્યાની ઘટનાને ધ્યાને લઈને અલગ અલગ સંતો અને સમાજના સનાતનધર્મીઓએ અમદાવાદમાં એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું. આ વિચાર ગોષ્ઠી દરમિયાન સનાતનધર્મીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાને નોટિસ મોકલવાનું નક્કી કર્યું છે. સનાતનધર્મીનું કહેવું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતની દેવીતાઓના અપમાન કરવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. આમ કરતા તેમને અટકાવવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
બોટાદ જિલ્લાના સાળંગપુરમાં બનેલી ઘટના અને કેટલાક તથ્યો સામે આવતા હવે, સનાતનધર્મને કોઈને કોઈ પ્રકારે અપમાનજનક ઉલ્લેખ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના પંચદેવોને અપમાનિત કરવામાં આવી રહ્યાં છે. સ્વામીનારાયણ મંદિરોમાં સનાતન ધર્મના ભગવાનને, સ્વામી નારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજની બાજુમાં બેસાડે છે. આપણા જ હિન્દુ ધર્મના લોકો સનાતન ધર્મના દુશ્મન છે અને એમને અમે કાયદેસરની નોટિસ મોકલીને ખુલાસો માંગીશું તેવુ વિચાર ગોષ્ઠી બાદ નક્કી કરવામાં આવ્યું છે.
આ વિચાર ગોષ્ઠી દરમિયાન એવું પણ નક્કી કરાયું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પુસ્તકોમાં અને નિવેદનોમાં આવતી તથ્ય વગરની વાતો બાબતે જરૂરી ખુલાસો માંગવામાં આવશે. જો ખુલાસો નહીં કરે તો સમયસર કોર્ટની રાહે જઈને અમે કાયદેસર પગલાં લેવાની દિશામાં આગળ વધીશું.